GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધતું ગુજરાત: આરોગ્ય, ધરતી અને પર્યાવરણ માટે લાભદાયક મેથીની પ્રાકૃતિક ખેતી

તા.૧૦/૧૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

મેથીના પાકના વાવેતર માટે નવેમ્બર-ડિસેમ્બર મહિના શ્રેષ્ઠ

ઠંડી ઋતુ માટે અનુકૂળ એવો મેથીનો પાક પ્રાકૃતિક રીતે ઉગાડવાથી તેની સુગંધ, સ્વાદ અને ઔષધીય ગુણધર્મો વધુ પ્રમાણમાં વિકસે છે

Rajkot: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને પ્રેરણાથી રાજ્યમાં પ્રાકૃતિક કૃષિના વ્યાપને વધારવા સતત પ્રયત્નો થઈ રહ્યા છે. તેમના પ્રયાસોના પરિણામે રાજ્યના અનેક ખેડૂતો આજે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી કૃષિ ક્ષેત્રે નવી દિશા સ્થાપિત કરી રહ્યા છે.

રાજ્યના મહત્તમ ખેડૂતો સુધી પ્રાકૃતિક ખેતી સંબંધિત વિવિધ પાકો અને ખેતી પદ્ધતિઓની માહિતી પહોંચે તે હેતુથી રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા પ્રાકૃતિક ખેતી અંગેના માર્ગદર્શક લેખો નિયમિત રીતે પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ શ્રેણી અંતર્ગત આજે પ્રસ્તુત લેખમાં પ્રાકૃતિક પદ્ધતિથી મેથીના વાવેતર અંગેની ઉપયોગી અને સરળ માહિતી રજૂ કરવામાં આવી છે, જે ખેડૂતોને બચત સાથે આરોગ્યપ્રદ અને પર્યાવરણમિત્ર ખેતી અપનાવવામાં પ્રોત્સાહન આપશે.

ઠંડી ઋતુ માટે અનુકૂળ એવો મેથીનો પાક પ્રાકૃતિક રીતે ઉગાડવાથી તેની સુગંધ, સ્વાદ અને ઔષધીય ગુણધર્મો વધુ પ્રમાણમાં વિકસે છે. પ્રાકૃતિક ખેતીમાં જમીનની કુદરતી ફળદ્રુપતા જાળવી રાખવી મુખ્ય આધાર સ્તંભ છે. રાસાયણિક ખાતર અને જંતુનાશકોના ઉપયોગ વગર જમીનમાં રહેલા સજીવ તત્વો અને લાભદાયક સૂક્ષ્મજીવો પાકની તંદુરસ્ત વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે.

મેથીના બીજ વાવતાં પહેલાં તેને જૈવિક બીજ ઉપચારની પદ્ધતિથી તૈયાર કરવાથી અંકુરણ સારું થાય છે અને રોગો સામે રક્ષણ મળે છે. વાવણી માટે નવેમ્બરથી ડિસેમ્બર મહિના શ્રેષ્ઠ ગણાય છે. બીજને જમીનમાં સમાન અંતરે છાંટીને હળવો પાણીનો છંટકાવ આપવો જોઈએ જેથી ભેજ ટકી રહે. સિંચાઈ માટે પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખાતરના બદલે જીવામૃત પાણીનો ઉપયોગ કરવો ઉત્તમ રહે છે. મેથીના છોડને પ્રથમ તબક્કે અઠવાડિયે એકવાર પાણી આપવું જોઈએ અને પછી ભેજ મુજબ સિંચાઈ વ્યવસ્થા ગોઠવવી જોઈએ.

પાકમાં જંતુઓ અને રોગો સામે રક્ષણ માટે દશપર્ણી અર્ક, છાશ અથવા લીમડાના પાંદડાને ઉકાળીને તૈયાર કરેલો અર્ક જેવાં પ્રાકૃતિક દ્રાવણો છાંટવા યોગ્ય રહે છે. આ ઉપાયથી પાકને નુકસાન પહોંચાડતી જીવાતો દૂર રહે છે અને છોડની વૃદ્ધિ પર કોઈ રાસાયણિક અસર થતી નથી. મેથીની કાપણી માટે સામાન્ય રીતે ૩૦ થી ૪૦ દિવસનો સમય લાગે છે. પાંદડા તાજા તોડવાથી તે વધુ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ રહે છે. પ્રાકૃતિક ખેતીથી ઉગાડેલી મેથી માત્ર જમીન અને પર્યાવરણ માટે જ અનુકૂળ નથી પરંતુ માનવ આરોગ્ય માટે પણ ઉત્તમ છે. આ રીતે ઉગાડેલી મેથીમાં રાસાયણિક તત્વો ન હોવાથી તે આરોગ્યની દ્રષ્ટિએ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે છે.

પ્રાકૃતિક ખેતીથી મેથીની સુગંધ વધુ મોહક અને સ્વાદ વધુ સારો બને છે. આ રીતે પ્રાકૃતિક પદ્ધતિથી મેથી ઉગાડવી આપણાં આરોગ્ય, ધરતી અને પર્યાવરણ એમ ત્રણેય માટે લાભદાયક સાબિત થાય છે.

Back to top button
error: Content is protected !!