તા.૨૧/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: રાજકોટ મહાનગરપાલિકાના ૫૦માં સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે રાજકોટ જિલ્લાના વાવડી ખાતે મહિલા અને બાળ કલ્યાણ તેમજ સામાજિક અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે આયુષ્માન ભારત અંતર્ગત શહેરી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર વાવડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આરોગ્યની સેવાઓ એ લોકોની પ્રાથમિક જરૂરિયાતનો ભાગ છે.રાજ્ય સરકાર દ્વારા લોકોને પોતાના જ વિસ્તારમાં સારામાં સારી આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે વિસ્તાર મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, ત્યારે વાવડી ખાતે બનાવવામાં આવેલ આ નવા હેલ્થ અને વેલનેસ સેન્ટર દ્વારા આ વિસ્તારના લોકોને ઘર આંગણે આરોગ્યની સારામાં સારી સેવાઓ મળશે તેવી ખાતરી મંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે મેયરશ્રી નયનાબેન પેઢડીયા, સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, પૂર્વ મેયરશ્રી પ્રદીપભાઈ ડવ, આર.એમ.સી.ના એમ.ઓ.એચ, સ્થાનિક આગેવાનો તથા આરોગ્ય કેન્દ્રના ડોક્ટર નર્સ વગેરે સ્ટાફ સહિત બહોળી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.