Rajkot: સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત: મેદસ્વિતામુક્ત ગુજરાત માટે સૌ સાથે મળી લઇએ વચન, પોષણને આપીશું પ્રોત્સાહન અને જંકફૂડને કહીશું બાય બાય

તા.૨૮/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
પ્રોટીન અને ફાઈબરયુક્ત ખોરાકના સેવનથી મેદસ્વિતાનું પ્રમાણ ઘટાડી શકાય: ન્યુટ્રીશનિસ્ટ અંજલી ત્રિવેદી
Rajkot: આધુનિક જીવનશૈલી અને ખાનપાનની આદતોના કારણે બેઠાડું જીવન જીવનારા લોકો વધી રહ્યા છે. જેના કારણે શરીર ભારે થતા સ્થૂળતા એટલે કે મેદસ્વિતાનું પ્રમાણ પણ વધ્યું છે. જો મેદસ્વિતા બાબતે કાળજી રાખવામાં ન આવે તો આવા લોકો અન્ય અનેક રોગોમાં સપડાય તેવી સંભાવના છે. આથી, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘ફિટ ઇન્ડિયા’ માટે યોગાભ્યાસ, ખેલકૂદ, પરિશ્રમ તથા વ્યાયામની સાથોસાથ પોષણને પણ મહત્વ આપ્યું છે.
રાજકોટના ન્યુટ્રીશનિસ્ટ અંજલી ત્રિવેદી કહે છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો ખૂબ આભાર, જેમણે ‘મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન ચાલુ કર્યું. ત્યારે જો ગુજરાતને મેદસ્વિતામુક્ત કરવું છે તો તેના માટે ન્યુટ્રીશન એટલે કે પોષણનો રોલ શું છે તે પણ જાણવું જોઈએ. વર્તમાન સમયમાં રાજકોટના બાળકોમાં ડાયાબિટીસના કેસ વધુ માત્રામાં જોવા મળે છે અને તેનું મુખ્ય કારણ ઓબેસિટી (મેદસ્વિતા) છે. સતત બેઠાડું જીવન અને મોબાઈલ તથા લેપટોપના વધુ પડતા ઉપયોગના કારણે મેદસ્વિતામાં સતત વધારો થતો જોવા મળે છે. પુરુષોના કિસ્સામાં પેટ તથા તેની આજુબાજુના વિસ્તારમાં ચરબી વધે છે, જેને વિસરલ ફેટ કહેવામાં આવે છે. મહિલાઓના કિસ્સામાં હિપ્સ, થાઈઝ, બેલી ફેટ તથા તેના આજુબાજુના વિસ્તારમાં ચરબી વધતી જોવા મળે છે.
આજે મોટાભાગે લોકો કસરત અથવા શારીરિક શ્રમ નથી કરતા અને જંકફૂડનું સેવન સતત વધી રહ્યું છે. ખાસ કરીને બાળકો અને યુવાનોમાં પેકેટ ફૂડ્સનો ઉપયોગ વધતો જાય છે, જે ટાળવો જોઈએ. ગુજરાતમાં મોટાભાગના લોકો રાત્રે જમવામાં ચટપટું તથા નવી વેરાયટીનો આગ્રહ રાખતા હોય છે. રાત્રે તેલવાળું કે તળેલું ખાવાનું હોય તો સવારે પૌઆ-ઉપમા-ઇડલી જેવો હળવો આહાર ખાવો જોઈએ. પૌઆ-ઉપમામાં માત્ર બટેટા જેવા સ્ટાર્ચ ફૂડના બદલે ૪-૫ પ્રકારના લીલોતરી શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ. પ્રોટીન અને ફાઈબરયુક્ત ભોજનનું સેવન કરવાથી મેદસ્વિતા ઘટાડી શકાય છે.
ન્યુટ્રીશનિસ્ટની મહત્વની ટિપ્સ
૧. ભાખરીના લોટમાં જુવારનો લોટ ભેળવવાથી મેદસ્વિતાનું પ્રમાણ ઘટાડવામાં મદદ મળે છે અને કોઈને ડાયાબિટીસ હોય તો ચણાનો લોટ પણ ભેળવવો જોઈએ. જેથી, પ્રોટીનનું પ્રમાણ વધે, ચરબી ઓછી થાય અને સુગર સ્પાઇકનું પ્રમાણ પણ કંટ્રોલમાં રહે. આ રીતનું ભોજન એ મેદસ્વિતા અને ડાયાબિટીસના દર્દીઓને માટે ખૂબ જ હિતાવહ છે.
૨. પરોઠા કે થેપલા બનાવતી વખતે તેમાં દાળ કે તેનું પાણી કે ખીચડી એડ કરવી જોઈએ. આવું કરવાથી શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળી રહે અને ચરબીનું પ્રમાણ ઓછું થાય.
૩. શરીરમાંથી ગરમીનું પ્રમાણ ઓછું કરવા અને સતત હાઇડ્રેટ રહેવા માટે કોથમીર, ફૂદીનો, લીંબૂ-પાણી, તકમરિયાં તથા ગુંદકતીરાનું શરબત બનાવીને સવારે ૧૦-૧૧ વાગ્યે પીવાથી શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે.
૪. સામાન્ય રીતે બપોરના ભોજન માટે ગુજરાતી થાળીમાં દાળ-ભાત, શાક-રોટલી, ફરસાણ, છાશ, પાપડ અને મીઠાઇ હોય છે, પણ વજન ઘટાડવું હોય તો સલાડનું પ્રમાણ વધારી દેવું જોઈએ, પ્રોબાયોટિકના ભાગરૂપે દહીંનું પ્રમાણ વધારવું જોઈએ. રોટલી અને ભાતનું પ્રમાણ ઓછું કરવું તથા દાળ અને શાકનું પ્રમાણ ભોજનમાં વધારવું જોઈએ. પાપડ અને ફરસાણનું પ્રમાણ ઓછું કરવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી ઘરે બનાવેલા અથાણાંનું સેવન કરવું. આ રીતે ઘરના ભોજનમાં પ્રોટીન, ફાઇબરનું પ્રમાણ વધશે અને કાર્બોહાઈડ્રેટ ઓછા થશે. જેનાથી વજન ઘટાડી શકાય.
૫. રાતનું ભોજન બને ત્યાં સુધી રાત્રે ૭-૮ વાગ્યાની વચ્ચે લઈ લેવું જોઈએ. ગુજરાતની આન-બાન-શાન અને સુપર ફૂડ ગણાતી ખીચડી, મસાલા ખીચડી, કઢી અચૂક ખાવી જોઈએ. ભોજનમાં બટેટાની બદલે ફણગાવેલા કઠોળ, પનીર અને શાકભાજીનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. જેથી, ભોજનમાં પ્રોટીન અને ફાઇબરનું પ્રમાણ વધે, જે બિનજરૂરી અને વધારાની ચરબીને ઓછી કરવામાં મદદરૂપ થાય છે.




