Rajkot: ઘરઘાટી, નોકર, રસોઇયા, વોચમેન, માળીની વિગતો જાહેર કરવા પોલીસ કમિશ્નર રાજકોટનું ફરમાન

તા.૨/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
સીટીઝન પોર્ટલ/ સિટીઝન ફર્સ્ટ એપ્લિકેશન મારફત ઓનલાઈન નોંધણી કરાવી શકાશે
Rajkot: રાજકોટ શહેરમાં ભુતકાળમાં બનેલ લુટ, ધાડ, ખુન તથા અપહરણ જેવા બનાવોમાં એવું જોવા મળેલ છે કે આવા ગુન્હામાં રહેણાંક વિસ્તારના મકાનો/બંગલાઓમાં કામ કરતા ધરઘાટી, નોકર, ડ્રાઇવર, રસોઇયા, વોચમેન, માળી વગેરે મકાન માલીકનો વિશ્વાસ મેળવી તેઓના મકાન તથા તેમની પ્રવૃતિ ઉપર વોચ રાખી પોતે તથા તેના સાગરીતો દ્વારા મિલ્કત સબંધી તેમજ શરીર સબંધીના ગંભીર ગુન્હા આચરતા હોય છે. કોઈ ઔદ્યોગિક એકમો/ મકાનો/ બંગલા/ દુકાનો/ કારખાનાઓ /મકાન બાંધકામ બિલ્ડર્સ/ ટેક્ષટાઈલ ઉદ્યોગ/ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ તમામ પ્રાઇવેટ સેકટરોના માલિક /ઓનલાઈન સર્વિસ પ્રોવાઈડરો/મેનેજમેન્ટ સ્ટાફ કે જેઓના યુનિટમાં કામ કરતા ઘરઘાટી, નોકર, ડ્રાઈવર, રસોઈયા, વોચમેન, માળી કર્મચારી, કારીગરો મજુરો કે જે હાલમાં કામ પર છે તેવા તેમજ કામ ઉપર રાખવામાં આવનાર કાયમી, હંગામી, રોજીંદા કે કોન્ટ્રાકટના કર્મચારી/કારીગરો/મજુરો નોકરોની માહિતી/ હકીકત અંગેની તમામ નોંધણી સીટીઝન પોર્ટલ વેબસાઈટ (www.gujhome.gujarat.gov.in) અથવા સીટીઝન ફર્સ્ટ એન્ડ્રોઈડ એપ્લીકેશન મારફતે ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. તેમજ જે તે વિસ્તારનાં પોલીસ સ્ટેશનને આ માહિતી આપવાની રહેશે.
આ ઉપરાંત રજુ કરવાની માહિતી સાથે મકાન માલીકનો તથા નોકરી પર રાખેલ નોકર/વોચમેનના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, સાથે મકાન માલીકનું નામ તથા સરનામું, ટેલિફોન નંબર તથા મોબાઇલ નંબર, કામે રાખેલ નોકરનું પુરુ નામ તથા ઓળખ ચિન્હો, હાલનું પુરુ સરનામું તથા મોબાઇલ નંબર, કામે રાખેલ નોકરના મુળ વતનનું સરનામું તથા મોબાઇલ નંબર, નોકરને નોકરી પર રાખ્યા તારીખ, જેની ભલામણથી/ઓળખાણથી નોકરીએ રાખેલ છે? તે સ્થાનિક રહીશનું પુરુ નામ, સરનામું તથા મોબાઇલ નંબર, નોકરના બે થી ત્રણ સગાસબંધીના નામ તથા સરનામા અને મોબાઇલ નંબર તથા વોચમેન હથીયાર ધરાવતાં હોય તો તેના હથીયાર લાયસન્સની વિગત તથા માન્ય એરીયા તથા રીન્યુ તારીખની વિગતો પણ આપવાની રહેશે. આ જાહેરનામાનો અમલ તા. ૩૦/૦૬/૨૦૨૫ સુઘી રહેશે તેમ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી બ્રજેશ કુમાર ઝાએ જાહેરનામા દ્વારા જણાવવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.


