Rajkot: સોય-દોરાના સંગાથે મોતીડે મઢ્યો મોરલો હાથમાં હુન્નર અને હૈયામાં હામ હોય, તો સફળતા ટહુકાની જેમ ગુંજી ઉઠે છે, આ બાબતને સાર્થક કરતાં શ્રી મંજુબેન જાંબુચા

તા.૩૦/૧/૨૦૨૬
- વાત્સલ્યમ્ સમાચાર
‘સ્વદેશી હાટ’માં મોતીકામ અને અસલી મોરપીંછાથી તૈયાર થયેલા નાના-મોટા કલાત્મક મોરલાઓએ મુલાકાતીઓનું ધ્યાન ખેંચ્યું
પાંચ દિવસમાં રૂ. ૪૦ હજારથી વધુ નફો થયો : ડલ, ક્રિસ્ટલ અને જેકો મોતીથી ઘર સજાવટની વસ્તુઓ બનાવીને સ્વનિર્ભર બનતી મહિલાઓ
વી.જી.આર.સી.ના સમાપન સમારોહમાં હાથશાળ હસ્તકલા એવોર્ડ અને રૂ. ૫૦ હજારના પુરસ્કારથી સન્માનિત શ્રી મંજુબેન
આલેખન : માર્ગી મહેતા
એક પીંછુ મોરનું શોધતાં શોધતાં,
છેક પહોંચી જવાયું છે ગોકુળમાં.
અરવિંદ ભટ્ટ
Rajkot: ગુજરાતી સાહિત્યમાં જે પંખીની સુંદરતા, રુઆબ અને છટાના અનેક વર્ણનો મળે છે, તે મોરલો ગુજરાતની અસ્મિતાનું પ્રતીક છે. રાષ્ટ્રીય પક્ષી મોરના આ જ રાજવી ઠાઠને ભાવનગરની મહિલાએ સોય-દોરાના સંગાથે મોતીડે મઢી છે.
રાજકોટમાં સંપન્ન થયેલી ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – સૌરાષ્ટ્ર-કચ્છ’ના ‘સ્વદેશી હાટ’માં ભાવનગરના ચામુંડા મહિલા મંડળનો સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. અહીં મોતીકામ (બીડ વર્ક)થી તૈયાર થયેલા નાના-મોટા કલાત્મક મોરલાઓ મુલાકાતીઓની આંખોમાં વસી ગયા હતા. શ્રી મંજુબેન જાંબુચા લોખંડના સળિયાને વળાંક આપીને મોરનો આકાર તૈયાર કરે છે અને તેમાં ખાદીનું કાપડ ભરવામાં આવે છે. ત્યારબાદ સણોસરા લોકભારતી સંસ્થાની હરિયાળી અને વિશાળ જમીન પર મોરે કુદરતી રીતે ખેરવી દેવાયેલા અસલી પીંછાઓને વીણીને તેને મોર પર લગાવવામાં આવે છે. શ્રી મંજુબેન કહે છે કે, આ કલાની ખાસિયત એ છે કે, તેમાં પ્રકૃતિને ક્યાંય ઈજા પહોંચાડ્યા વગર તેની સુંદરતાને સાચવી લેવામાં આવી છે.
આ કામમાં ધીરજની પણ કસોટી થાય છે, કારણ કે એક નાનો મોર તૈયાર કરતા અઠવાડિયું વીતી જાય છે, જ્યારે વિશાળ મોરલાને આખરી ઓપ આપતા આખા મહિનાની મહેનત લાગે છે. આ જ કારણ છે કે, તેની કિંમત રૂ. ૧૫૦૦થી શરૂ થઈને રૂ. ૪૦ હજાર સુધી હોય છે. આ મહેનત અને કલાના કસબને ગુજરાત સરકારે નવાજી છે. કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા શ્રી મંજુબેન જાંબુચાને ક્રાફ્ટ સેક્ટર-૩માં દ્વિતીય સ્થાને પસંદ કરીને, વી.જી.આર.સી.ના સમાપન સમારોહમાં મોતીકામ-મોર બદલ તેમને ‘હાથશાળ હસ્તકલા એવોર્ડ-૨૦૨૪’ અને રૂ. ૫૦ હજારના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
શ્રી મંજુબેન અને તેમની સાથે જોડાયેલી અન્ય નવ મહિલાઓ ડલ મોતી, ચળકતા ક્રિસ્ટલ મોતી અને ઝીણા જેકો મોતી સાથે મોરલા ઉપરાંત તોરણ, સાથિયા જેવી ઘર સજાવટની વસ્તુઓ તૈયાર કરીને સ્વનિર્ભર બની છે. તેઓને ‘વાઇબ્રન્ટ કોન્ફરન્સ’માં માત્ર પાંચ દિવસમાં રૂ. ૪૦ હજારથી વધુ નફો થયો છે, જે સાબિત કરે છે કે જો હાથમાં હુન્નર હોય અને હૈયામાં હામ હોય, તો સફળતા ટહુકાની જેમ ચારેકોર ગુંજી ઉઠે છે.
શ્રી મંજુબેન જેવા કલાકારોની આ સફળતા એ માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પનું ઉત્તમ ઉદાહરણ છે. જ્યારે આપણે આવી સ્વદેશી હસ્તકલાને પ્રોત્સાહન આપીએ છીએ, ત્યારે કળા તો જીવંત રહે છે, પણ તેની સાથે જોડાયેલા અનેક પરિવારોની આજીવિકા પણ સુરક્ષિત થાય છે. ત્યારે આપણે ‘સ્વદેશી અપનાવીએ અને પરિશ્રમને અજવાળીએ’.







