GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લામાં ‘વંદે માતરમ્’ ગાનની ઉજવણી – સ્વદેશી અપનાવોના શપથ લેવાયા

તા.7/11/2025

વાત્સલયમ્ સમાચાર

રાજકોટ જિલ્લા પંચાયત કચેરી, ગોંડલની તાલુકા પંચાયત કચેરી, પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ સહિતની સરકારી કચેરીઓમાં રાષ્ટગાન સાથે દેશભક્તિનો માહોલ છવાયો

Rajkot: રાષ્ટ્રગાન ” વંદે માતરમ્’ ના સર્જનની ૧૫૦ મી રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં સરકારી કચેરીઓમાં સમૂહ ગાન અને સ્વદેશી અપનાવોના શપથ સાથે રાષ્ટ્રભક્તિનો માહોલ છવાયો છે.

રાષ્ટ્રગાન ” વંદે માતરમ્’ ના સર્જનના ૧૫૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે આજ રોજ જિલ્લા પંચાયત કચેરી – રાજકોટ ખાતે પંચાયત સદસ્યશ્રી મોહનભાઇ દાફડા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ સર્વશ્રી ઇલાબેન ગોહિલ, શ્રી જય ગોસ્વામી અને શ્રી પ્રિયાંક ગલચર, તમામ શાખાધિકારીશ્રીઓ, જિલ્લા પંચાયતનાં કર્મચારીઓ વગેરેએ ” વંદે માતરમ ” નું સમૂહગાન કર્યું હતું. ત્યારબાદ સ્વદેશી વસ્તુઓનાં ઉપયોગ અને રાષ્ટ્રજતન માટેના સામુહિક શપથ લીધા હતાં.

ગોંડલ શહેરની સરકારી કચેરીઓ પણ ‘વંદે માતરમ’ના સામૂહિક ગાનથી ગુંજી ઉઠી હતી અને સૌએ સ્વદેશી અપનાવવાના શપથ લીધા હતા. જેમાં ગોંડલ તાલુકા સેવા સદન ખાતે ગોંડલ સ્ટેટના મહારાજા ભગવતસિંહજીની તસ્વીર સમક્ષ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ડેપ્યુટી કલેક્ટરશ્રી, શહેર અને તાલુકા મામલતદાર, નાયબ મામલતદારો તેમજ તમામ કચેરીગણના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત, ગોંડલ નગરપાલિકા કચેરી ખાતે પણ નગરપાલિકા પ્રમુખશ્રી, ચીફ ઓફિસરશ્રી, કારોબારી સમિતિના ચેરમેનશ્રી સહિત સૌ સભ્યો, હોદ્દેદારો અને નગરપાલિકાના તમામ કર્મચારીઓએ આ ઉજવણીમાં સક્રિયપણે ભાગ લીધો હતો.

જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, રાજકોટના કર્મચારીઓ અને ખેલો ઇન્ડિયા સેન્ટરના ખેલાડીઓ દ્વારા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે સમૂહગાન કરવામાં આવ્યું હતું, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી રમાબેન મદ્રાએ સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અંગેના શપથ ગ્રહણ લેવડાવ્યાં હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૮૭૫ ની ૭ મી નવેમ્બરે બંકિમચંદ્ર ચટ્પાધ્યાય દ્વારા રચિત આ ગીતે સ્વતંત્રતા ચળવળ દરમિયાન દેશવાસીઓમાં રાષ્ટ્ર ચેતના જગાવી હતી. તે ઐતિહાસિક ક્ષણને યાદ કરતાં આજે રાજ્યની તમામ સરકારી કચેરીઓ સવારે ૯.૩૦ થી સાંજે ૫.૧૦ સુધી કાર્યરત રહી અને આ વિશેષ કાર્યક્રમની ઉજવણીમાં જોડાઈ હતી.

Back to top button
error: Content is protected !!