Rajkot: આણંદપર(બાઘી) પ્રા.શા.ની નવનિર્મિત ઈમારતનું લોકાર્પણ, ૨૫૦ રોપાઓનું વિતરણ કરાયું

તા.૨૭/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
આંગણવાડી, ધોરણ-૧, બાલવાડીમાં ભૂલકાઓનો ઉમંગભેર પ્રવેશ કરાવાયો: તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા
Rajkot: રાજ્યના કૃષિ,પશુપાલન અને ગૌ-સંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આજે રાજકોટ તાલુકાના આણંદપર(બાઘી), કોઠારીયા તથા હડાળા ગામોની પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી ઉત્સવ તથા શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં આંગણવાડી, બાલવાડી તથા ધોરણ-૧માં બાળકોનો ઉમંગભેર શાળા પ્રવેશ કરાવાયો હતો.
મંત્રીશ્રીએ આણંદપર(બાઘી) પ્રાથમિક શાળાની અંદાજીત ૫૦ લાખના ખર્ચે નવનિર્મિત ઈમારતનું લોકાર્પણ કર્યું હતું, તેમજ અંદાજે ૮૦ લાખના ખર્ચે બનનાર ૩ નવા રૂમો, મધ્યાહન ભોજનના શેડ, રસોડું અને દિવ્યાંગો માટે નિર્માણ થનાર અન્ય સુવિધાઓના કામનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. આ ઉપરાંત સઘન સામાજિક વનીકરણને પ્રોત્સાહન આપતાં મંત્રીશ્રીએ વૃક્ષારોપણ કરી, આણંદપર ખાતેથી ૨૫૦ રોપાઓનું વિતરણ કર્યું હતું.
આ તકે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ભુલકાઓને શાળા પ્રવેશ કરાવી જણાવ્યું હતું કે, રાજયમાં શિક્ષણનું માળખું અને સ્તર બંને ઉચ્ચ ગુણવત્તાવાળા બન્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે શિક્ષણ ક્ષેત્રે તેમણે ક્રાંતિ કરી હતી. રાજ્યમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે તનતોડ પ્રયાસો કર્યા હતા. વર્તમાન મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર પણ આ પગલાંઓને અનુસરીને શિક્ષણના મહાયજ્ઞમા આહૂતિ આપવાનું કાર્ય કરી રહી છે. આજે રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ખૂબ નીચો આવી ગયો છે, દિકરીઓ શિક્ષણમાં ૧૦૦% પ્રવેશ મેળવી નવા શિખરો સર કરી રહી છે.તમામ બાળકોના શાળાપ્રવેશની નેમ સાથે ગુણવત્તાસભર શિક્ષણ મળતા આજે બાળકો ખાનગી શાળાઓ છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે.
મંત્રીશ્રીએ આ તકે શાળામાં પ્રવેશ લેનારા બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. આ સાથે મંત્રીશ્રીએ કહ્યું હતું કે, સૌ માતા પિતા પોતાના બાળકોને સારું શિક્ષણ અપાવવા સહકાર આપી રહ્યા છે તે બદલ તેઓ પણ અભિનંદને પાત્ર છે. સમાજ અને સરકારના સહકારથી ઉજજવળ ભવિષ્યનું નિર્માણ થશે ત્યારે શિક્ષણ સાથે જ વૃક્ષારોપણ અને જળસંગ્રહમા પણ ગ્રામજનો સાથ આપે એવી અભ્યર્થના તેમણે વ્યકત કરી હતી.
આણંદપર પ્રા. શાળા ખાતે પ્રવેશોત્સવમાં આંગણવાડીમાં ૭ બાળકો, બાલવાટિકામાં કુલ ૨૧ બાળકો તેમજ સીધા ધોરણ ૧માં કુલ ૪ બાળકોનો પ્રવેશ કરાવાયો હતો.
જ્યારે કોઠારીયા પ્રા.શાળા ખાતે પ્રવેશોત્સવમાં આંગણવાડીમાં ૮ બાળકો, બાલવાટિકામાં કુલ ૨૧ બાળકો તેમજ સીધા ધોરણ ૧માં કુલ ૨ બાળકોનો, તો હડાળા મા. શાળા ખાતે યોજાયેલ કાર્યક્રમમા આંગણવાડીમાં ૧૯ બાળકો, બાલવાટિકામાં કુલ ૩૬ બાળકો તેમજ સીધા ધોરણ ૧માં કુલ ૫૧ બાળકોનો પ્રવેશ કરાવાયો હતો.
આ તકે મહાનુભાવો દ્વારા શાળાના બાળકોને શિક્ષણ કીટ અને આંગણવાડીના બાળકોને શિક્ષણ કીટ સાથે પોષણ કીટ વિતરણનું કરવામાં આવ્યું હતું. સાથે જ શાળાના ધો. ૧ થી ૮ ધોરણના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. મંત્રીશ્રીએ દાતાઓને સન્માનિત કરી શિક્ષણ વિભાગ દ્વારા સંકલિત “કર્મ વેદિકા” પુસ્તકનું અનાવરણ કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન શાળાના ભૂલકાઓએ કર્યું હતું.
આ પ્રસંગે માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી જયેશભાઈ બોઘરા, પૂર્વ પંચાયત પ્રમુખશ્રી નિલેશભાઈ વિરાણી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી રીનાબેન કાલાણી, ગાંધીનગરના કો-ઓર્ડીનેટર શ્રી અતુલ પંચાલ, રાજકોટ તાલુકા મામલતદાર શ્રી કે.એચ.મકવાણા, યુવા અગ્રણી શ્રી અજીત ઢોલરા, શાળા સમિતિના શ્રી સંદીપ રાઠોડ, રોટરી ક્લબ રાજકોટના શ્રી જયદીપભાઇ વાઢેર, આણંદપરના સરપંચ શ્રી ધનરાજસિંહ રાઠોડ, કોઠારીયાના સરપંચ શ્રી કિશોરભાઈ વાઢેર તથા હડાળા સરપંચના પ્રતિનિધિ શ્રી દિનેશભાઈ કાનાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.






