Rajkot: રાજકોટ ખાતે ત્રિ-દિવસીય હેરિટેજ કન્ઝર્વેશન સેમિનાર કમ વર્કશોપનો પ્રારંભ

તા.૧૧/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
કલેકટરશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં પુરાતત્વવિદોએ ટેકનિક્સ, ટુલ્સ અને ટ્રાન્ઝિશનના માધ્યમથી ભવ્ય વારસાના સંરક્ષણ અને પુનઃપ્રસ્થાપન અંગે મંતવ્યો રજૂ કર્યા
Rajkot: પુરાતત્વ વિભાગ, રાજકોટ તેમજ રમત, ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ હેઠળ નિયામકશ્રીની કચેરી પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગ, ગાંધીનગર દ્વારા રાજકોટ ખાતે હેરિટેજ કન્ઝર્વેશન અને રીસ્ટોરેશન વિષયક સેમિનાર કમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
કલેકટર ડો. ઓમ પ્રકાશ અને રાજકોટના રાજવીશ્રી માંધાતાસિંહજી જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં હોટેલ પ્લેટિનમ ખાતે ત્રિદિવસીય સેમિનારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
કલેકટર ડો. ઓમ પ્રકાશે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આપણી ઐતિહાસિક ધરોહર સમાન વારસાની જાળવણી માટે ચાલી રહેલી કામગીરીનું યોગ્ય ડોક્યુમેન્ટેશન અને ડિજિટાઇઝેશન કરવું જરૂરી છે. આપણી સાંસ્કૃતિક ધરોહર આવનારી પેઢીઓમાં પણ જીવંત રહે તે માટે ભારતીય આર્કિયોલોજી સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી કામગીરીની તેઓએ સરાહના કરી હતી.
શ્રી માંધાતાસિંહજી જાડેજાએ કાર્યક્રમને આવકારતાં જણાવ્યું હતું કે, મહેલો, દરબાર ગઢ સહિત આપણી પ્રાચીન સંસ્કૃતિ અને ધરોહરને યોગ્ય રીતે બચાવવી અને સાચવવી ખુબ જરૂરી છે.
આ સેમિનારમાં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા તથા એમ.એસ. યુનિવર્સીટીના આર્કિયોલોજીસ્ટ, મ્યુઝિયમોલોજીસ્ટ, પ્રોફેસર તેમજ આર્કિટેક્ચર્સ દ્વારા ભારતના ભવ્ય હેરિટેજ વારસાના સંરક્ષણ અને એસ્થેટિક મુલ્યો સહીત રીસ્ટોરેશન માટે વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રીડિસ્કવરી હેરિટેજ ઇન કન્ઝર્વેશન ટ્રેડિશન એન્ડ ટેકનિક્સ ,મટીરીયલ્સ મેથડ અને કન્ઝર્વેશન, ચેલેન્જીઝ ટુ મેનેજ હેરિટેજ, પોલિસી ડોક્યુમેન્ટેશન, ઇનોવેશન અને ડિજિટલ ઇન્ટરવેન્સન ઈન કન્ઝર્વેશન સહિતના મુદ્દા પર તજજ્ઞોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમમાં પ્રારંભે રાજ્ય સરકારના આર્કિયોલોજી અને મ્યુઝિયમ વિભાગના ડાયરેક્ટર શ્રી પંકજ શર્માએ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ સમજાવી ગુજરાત સરકાર દ્વારા આર્કિયોલોજી અને કન્ઝર્વેશન ક્ષેત્રમાં કરવામાં આવેલી કામગીરીની માહિતી પૂરી પાડી હતી.
સેમિનારમાં સહાયક પુરાતત્વ નિયામક શ્રી સિધ્ધા શાહ, ડો. નિઝામુદ્દીન તહેર, ડો. અંબિકા પટેલ, શ્રી અનુપમ શહ, ડો. પ્રવિણસિંહ, ડો. ગૌતમ ભટ્ટાચાર્ય, ડો. શોભા મજમુદાર, શ્રી મુકેશ શર્મા, શ્રી રિદ્ધિ શાહ સહીત વિવિધ ક્ષેત્રમાંથી આવેલા તજજ્ઞોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સેમિનારમાં અગ્રણી આર્કિટેક શ્રી સુરેશ સંઘવી, કેપ્ટન (રી.) જયદેવ જોશી, શ્રી જયાબહેન ફાઉન્ડેશન, રાજકોટનાં શ્રી પરેશ પંડયા સહિત અગ્રણીઓ અને રાજ્યમાંથી વિવિધ આર્કિટેક્ચર તેમજ આર્કિયોલોજી સંસ્થાના વિદ્યાર્થીઓ સહભાગી બન્યા છે.










