Rajkot: INTACH રાજકોટ દ્વારા માલવી-સૂફી લોકસંગીતનો કાર્યક્રમ યોજાયો

તા.૨૮/૭/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજના રાજકોટ ચેપ્ટર દ્વારા વિસરાતી જતી ભાતીગળ સંગીતની કલા તેમજ મૂળ સાહિત્ય જીવંત રાખી લોકો સુધી કબીર જ્ઞાન તેના સાચા અર્થ સાથે લોકો સુધી પહોંચે તે માટે રાષ્ટ્રીય શાળાના મધ્યસ્થ ખંડ ખાતે શ્રી તારાસિંહ ડોડવે દ્વારા સંગીત અને કબીરગાનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખ કલાકાર શ્રી તારાસિંહ ડોડવે દ્વારા સુફી તેમજ માલવી સંગીતની ભાવસભર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જેમાં અંદાજે ૧૫૦ જેટલા પ્રેક્ષકો સહભાગી બન્યા હતા.
કાર્યક્રમનો પ્રારંભ શ્રી તારાસિંહજી તથા ઇન્ટેક રાજકોટ કન્વીનર આર્કિટેકટ શ્રી રિદ્ધિ શાહ, એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર શ્રી ડી.વી. મહેતા તથા લાઈફ મેમ્બર શ્રી મિતેષ જોશીના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. ઇન્ટેક લાઈફ મેમ્બર બંસી મોદી કોટકએ પ્રેક્ષકોને સાંસ્કૃતિક વારસો, ઐતિહાસિક સ્થળો તેમજ ઇમારતો અને લુપ્ત થતી જતી કલાઓ વિશે ટૂંકમાં માહિતી આપી આવા તમામ પ્રકારના હેરિટેજની જાળવણીમાં મદદ કરવા માટે અપીલ કરી હતી. કાર્યક્રમમા ઉપસ્થિત રહેલા તમામ પ્રેક્ષકો અને ઇન્ટેક રાજકોટ ચેપ્ટરના મેમ્બરો ઇતિહાસ અને વર્તમાનને સંગીતના માધ્યમથી એકચિત્ત થઈ અનુભવી શક્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે,રાષ્ટ્રીય શાળાના પ્રાંગણમાં ફક્ત રાજકોટ નહીં પણ દેશની પ્રથમ ‘નઈ તાલીમ’ની પદ્ધતિ થી કુમાર શાળા ચાલતી હતી અને ગાંધીજીએ સ્વતંત્રતાની ચળવળ માં ઉપવાસ કાર્ય હતા. ઐતિહાસિક વિરાસત ગણી શકાય એવા આ પ્રાંગણમાં ભારતની અમૂર્ત કલાને જીવંત રાખવા એક અનેરો પ્રયાસ કરાયો હતો.
રાજકોટમાં આ કાર્યક્રમને સફળ બનાવવા હાર્દિક ગંદા, અભિષેક પાનેલિયા, સાગર પાંખાનીયા, હિતેશ ખીમાણીયા, હેમાંગી પટેલ, નિયતિ શાહ, ચેતસ ઓઝા તથા અર્પિત ગણાત્રાએ અમૂલ્ય યોગદાન આપ્યું હતું.







