Rajkot: રાજકોટ જિલ્લાના શહેરી વિસ્તારોને ચોખ્ખાંચણાક બનાવવા સઘન સફાઈ અને મોનિટરીંગ ઝુંબેશ

તા.૨૨/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ગોંડલ, જેતપુર, જસદણ અને ભાયાવદર નગરપાલિકાઓએ સાફ-સફાઈ અને ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરીનું નિરીક્ષણ હાથ ધર્યું
Rajkot: રાજકોટ જિલ્લાના શહેરી વિસ્તારોને ચોખ્ખાંચણાક બનાવવાના નિર્ધાર સાથે વિવિધ નગરપાલિકા વિસ્તારમાં સઘન સફાઈ અને મોનિટરીંગ ઝુંબેશ ચાલી રહી છે. જે અન્વયે ગોંડલ, જેતપુર, જસદણ અને ભાયાવદર નગરપાલિકાઓ દ્વારા સાફ-સફાઈ અને ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરીનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.
ગોંડલ નગરપાલિકા અને ભાયાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર તથા સીટી મેનેજર દ્વારા રૂબરૂ મુલાકાત લઈ ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનના વાહનો સમયસર P.O.I. (Point of Interest) એરીયા કવર કરે છે કે નહીં, તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ વાણિજ્ય વિસ્તારો, રહેણાંક વિસ્તારો અને ફુટપાથની સફાઈ કરાવી, નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
આ ઉપરાંત, જસદણ નગરપાલિકા દ્વારા ૧૦૦% ડોર-ટુ-ડોર કલેક્શનની કામગીરી કરવામાં આવી હતી. તેમજ ‘વિઝિબલ ક્લિનલીનેસ’ સંદર્ભે જૂનું બસ સ્ટેન્ડ, મેઈન રીંગ રોડ અને મુખ્ય બજારો, શાક માર્કેટ, ધાર્મિક સ્થળો અને પ્રતિમાઓ, રીક્ષા સ્ટેન્ડ, બાઈક સ્ટેન્ડ અને સાયકલ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળોની સફાઈ કરવામાં આવી હતી.
વધુમાં, જેતપુર નવાગઢ નગરપાલિકાના ચીફ ઓફીસર, સેનેટરી ઈન્સપેકટર અને સીટી મેનેજરની ટીમે ડોર-ટુ-ડોર કામગીરીનું ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં વાહનોના સમય અને P.O.I. કવરેજની ચકાસણી કરવામાં આવી હતી. તદુપરાંત, વાણિજ્ય અને રહેણાંક વિસ્તારોની સાથેસાથે સ્લમ વિસ્તારો અને ફુટપાથની સફાઈનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. આમ, તમામ નગરપાલિકાઓ દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.





