Rajkot: ૩૧ ઓગષ્ટ ર૦ર૪ સુધી રાજકોટ જિલ્લામાં સઘન ઝાડા નિયંત્રણ પખવાડિયાની ઉજવણી કરાશે

તા.૩/૭/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લામાં ૩૧ ઓગષ્ટ ર૦ર૪ દરમિયાન જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સઘન ઝાડા નિયંત્રણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત આરોગ્ય લક્ષી કામગીરી હાથ ધરવામાં આવશે.
દેશમાં વર્ષે ૧.ર૦ લાખથી વધારે બાળકો ઝાડાના કારણે મૃત્યુ પામે છે. મૃત્યુ મોટે ભાગે ઉનાળા અને ચોમાસાના મહિનામાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. ઝૂંપડપટ્ટી જેવા સ્લમ વિસ્તારના બાળકો સૌથી વધારે ઝાડાના રોગથી પ્રભાવિત થાય છે. ઝાડાના કારણે થતા તમામ મૃત્યુને ઓ.આર.એસ. (ઓરલ રોલ રીહાઈડ્રેશન સોલ્યુશન) ઝીંક ટેબલેટ અને સાથે સાથે બાળકોને પૂરતો સ્વચ્છ પોષણયુક્ત પૌસ્ટિક આહાર પ્રદાન સુનિશ્ચિત કરવાથી શરીરમાંથી પાણી અને જરૂરી ક્ષારોનું પ્રમાણ જાળવી શકાય છે. સ્વચ્છ પાણી, નાના બાળકોને સ્તનપાન, યોગ્ય પોષણ આહાર તેમજ સ્વચ્છ વાતાવરણ, હાથ ધોવાની આદત દ્વારા પણ ઝાડાનો ફેલાવો અટકાવી શકાય છે.
આ ઉજવણીનો એકમાત્ર ઉદ્દેશ બાળકોમાં ઝાડાના કારણે થતા મૃત્યુનો દર વધુમાં વધુ નીચે લઈ જવાનો છે. ૦૧ જુલાઇ થી ૩૧ ઓગષ્ટ ર૦ર૪ દરમિયાન ખૂબ જ સઘન આયોજન દ્વારા રાજકોટ જિલ્લામાં અમલીકરણ કરવામાં આવનાર છે. જેમાં ઝાડાની બીમારીની ઓળખ અને નિયંત્રણ માટે સામુદાયિક સ્તરે સજાગતા કેળવવાની વિવિધ પ્રવૃત્તિઓ તેમજ ઝાડાની બીમારીની સારવાર, ઓ.આર.એસ. ઝીંક કોર્નર બનાવવામાં આવશે.
આશા બહેનો દ્વારા પાંચ વર્ષથી ઓછી વય જુથના બાળકોના ઘરે ઓ.આર.એસ.ના પેકેટનું વિતરણ કરવામાં આવશે. જનસમુદાય માટે સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત જાગૃતિ કેળવવા માટે આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો, આંગણવાડી વર્કર બહેનો દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં આ અંગે જનસમુદાયમાં જાગૃતિ લાવવા સઘન પ્રયત્નો કરવામાં આવશે તેમ રાજકોટ જિલ્લા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પી.કે.સિંધ એ જણાવ્યું છે.
જનજાગૃત્તિ ફેલાવવા સઘન ઝાડા નિયંત્રણ પખવાડીયા દરમિયાન લોકોને કેટલાક સુચનોની અમલવારી કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ અપીલ કરી છે. ઝાડા થાય ત્યારે તાત્કાલિક ઓ.આર.એસ. અને વધારે પ્રમાણમાં પ્રવાહી આપવાનું ચાલુ કરી દેવું જોઇએ અને ઝાડા મટી જાય ત્યાં સુધી આપવાનું ચાલુ રાખવું જોઇએ. જે બાળકને ઝાડા થયા હોય તે બાળકને ઝીંકની ગોળી ૧૪ દિવસ સુધી આપવી જોઇએ અને ઝાડા બંધ થઇ જાય તો પણ બાળકને ઝીંકની ગોળી ૧૪ દિવસ સુધી આપવી જ જોઇએ. બાળકોને ઝાડાની સારવાર રૂપે ઓ.આર.એસ. અને ઝીંકની ગોળીનો ઉપયોગ કરવો એ સલામત ઉપાય છે અને બાળકને ઝાડામાંથી ઝડપથી સાજું કરી દે છે. બાળકના મળનો ઝડપી અને યોગ્ય નિકાલ કરવો જોઇએ. સ્તનપાન ચાલુ રાખવું અને વધારે માત્રામાં પ્રવાહી ઝાડા દરમિયાન અને ઝાડા મટી ગયા પછી પણ આપવાનું ચાલુ રાખવું જોઇએ. શુધ્ધ (ચોખ્ખું) પાણીનો પીવા માટે ઉપયોગ કરવો. માતાએ જમવાનું બનાવતા પહેલા બાળકને જમાડતા પહેલા અને બાળકનું મળ સાફ કર્યા પછી પોતાના હાથ સાબુ વડે ધોવા જોઇએ.
આ ખાસ ઝુંબેશના ભાગ રૂપે ઝાડા નિયંત્રણની સારવારમાં ઓ.આર.એસ અને ઝીંકની સારવાર માટે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહયો છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ડો.પી.કે.સિંધએ જણાવ્યું હતું કે, બાળકોને ઝાડા થયા હોય ત્યારે ઓ.આ.એસ. ઝીંકની સારવાર માટે ગામના આશા બહેન, આંગણવાડી કાર્યકર, આરોગ્ય કર્મચારી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવે છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા દ્વારા જીલ્લાના તમામ પ્રા.આ.કે./અર્બન આરોગ્ય કેંદ્રો તેમજ સબસેન્ટર કક્ષાએ મમતા દિવસે ઝાડા નિયંત્રણ માટે ઓ.આર.એસ. અને ઝીંક આપવાની સાચી રીત અને ૬ માસ સુધી ફકત સ્તનપાન અંગે અને હાથ ધોવા અંગેની સાચી રીત આરોગ્ય કાર્યકર દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે.



