Rajkot: એરપોર્ટના નવા ટર્મિનલના ઉદઘાટનમાં મુસાફરો બન્યા મુખ્ય મહેમાનો, રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નવું ટર્મિનલ ખુલ્લું મુકાયું

તા.૯/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટના હીરાસર ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નવા ટર્મિનલને મુસાફરોના સ્વાગત સાથે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. થોડાં સમય પૂર્વે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે એરપોર્ટનું ઉદઘાટન થયા બાદ મુસાફરોને વિવિધ સુવિધાઓ મળી રહે તે માટે એરપોર્ટ ખાતે જુદી જુદી કામગીરીને ઓપ આપવામાં આવ્યો છે. ત્યારે આજરોજ રાજકોટ આવનાર અને રાજકોટથી બહારગામ જતાં આશરે ૪૦૦ જેટલા મુસાફરોને ગુલાબ અને ગીફ્ટ બોક્સ આપવામાં આવ્યા હતા.
નવા ટર્મિનલના ઉદઘાટનની શરૂઆત સરસ્વતી વંદના અને ચંદન તિલકથી કરવામાં આવી હતી. ટર્મિનલને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. આ ટર્મિનલમાં સૌ પ્રથમ મુંબઈ-રાજકોટની ફ્લાઈટના મુસાફરોનું આગમન થતાં એરપોર્ટ ઓથોરીટીના સ્ટાફે મુસાફરોને જ મુખ્ય મહેમાન બનાવીને પુષ્પગુચ્છ આપીને ઉમળકાભેર તેમનું સ્વાગત કર્યું હતું. ગુજરાતી સંસ્કૃતિમાં પ્રચલિત રાસ-ગરબાથી મુસાફરોનું સ્વાગત થતાં તેઓ ખુબ જ પ્રભાવિત થયા હતા. મુસાફરોએ અદ્યતન સુવિધા સાથેના નવા ટર્મિનલની ભેટ બદલ સરકારશ્રીના આભાર વ્યક્ત કર્યો હતો.





