Rajkot: “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” કેન્દ્રીય મંત્રીશ્રી ડો. મનસુખભાઈ માંડવીયાની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી કરાશ

તા.૧૯/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત આયોજિત યોગ શિબિરનો લાભ લેવા અનુરોધ
Rajkot: વિશ્વભરમાં તા. ૨૧ જૂન ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ થીમ આધારિત ૧૧માં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી થનારી છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની જિલ્લા કક્ષાની ઉજવણી માટે ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત કેન્દ્રીય મંત્રીશ્રી ડો. મનસુખભાઈ માંડવીયાની અધ્યક્ષતામાં યોગ શિબિર યોજાશે. આ કાર્યક્રમ રાજકોટ શહેરમાં વિમલનગર મેઈન રોડ પર પ્રેમમંદિર પાછળ આવેલા મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ સંકુલ ખાતે શનિવારે સવારે ૦૬ કલાકથી સવારે ૦૮ કલાક સુધી યોજાનાર છે.
આ કાર્યક્રમમાં મેયરશ્રી નયનાબેન પેઢડીયા, જિલ્લા પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, જળસંપત્તિ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા, મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા, સાંસદ સર્વે શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, શ્રી રામભાઈ મોકરીયા, શ્રી કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્યો સર્વ શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રી ડો. દર્શિતાબેન શાહ, શ્રી જયેશભાઈ રાદડીયા, શ્રી ગીતાબા જાડેજા, શ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, શ્રી દુર્લભજીભાઈ દેથરીયા, શ્રી જીતુભાઈ સોમાણી તથા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવીણાબેન રંગાણી ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિરાર્થીઓ માટે સૂચના અપાઈ છે. જે મુજબ નાગરિકોએ સવારે ખાલી પેટે આવવાનું રહેશે. દરેક નાગરિકે ખુલ્લો, સારો પોશાક પહેરવો આવશ્યક છે. બરમુડા, ટૂંકા વસ્ત્રોની મનાઈ છે. મહિલાઓએ સલવાર કુર્તા ડ્રેસ પહેરવાનો રહેશે. જેથી, યોગ અભ્યાસ માટે સાનુકૂળતા રહે. શક્ય હોય તો સફેદ વસ્ત્રો પહેરવાના રહેશે. નાગરિકોએ સમયથી ૩૦ મિનિટ વહેલા આવી સ્થાન મેળવી લેવાનું રહેશે. શિબિરમાં પહોંચવાનો સમય સવારે ૦૫.૩૦ કલાકનો રહેશે. દરેક નાગરિકે શરીરની અનુકૂળતા મુજબ જ યોગ અભ્યાસ કરવાનો રહેશે. જરૂર જણાય તો નિર્દેશક અથવા સ્વયંસેવકોનો સંપર્ક કરી શકાશે. ત્યારે રાજ્ય યોગ બોર્ડ દ્વારા શહેરીજનોને યોગ શિબિરનો લાભ લેવા અનુરોધ કરાયો છે.



