GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ઘર છોડવા મજબૂર વયોવૃદ્ધ દંપતીને મહિલા સહાયતા કેન્દ્રએ અપાવ્યો ન્યાય

તા.૧૧/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

રાજકુમાર

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર” મહિલા સહાયતા કેન્દ્રમાં નિસહાય નિરાધાર લોકોને મળે છે ન્યાય

રાજકોટ જિલ્લામાં ૩ પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત મહિલા સહાયતા કેન્દ્રમાં પારિવારિક પ્રશ્નોનું સમાધાન ડીસ્ટ્રીકટ કાઉન્સેલર કરી આપે છે

Rajkot: આધુનિક યુગમાં જયારે સંયુક્ત કુટુંબની આદર્શ વિભાવના તૂટતી જાય છે, ત્યારે સૌથી વધુ મુશ્કેલી ઘરના વડીલ લોકોને થતી હોવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. આવા જ એક કિસ્સામાં એક વયોવૃદ્ધ દંપતીને તેમના પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હતી. તેઓને પડતી તકલીફને વાચા મળે, તે ઉદેશ્ય સાથે આ દંપતી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા પોલીસ સ્ટેશન, રાજકોટ ખાતે ચાલતા મહિલા સહાયતા કેન્દ્રમા ન્યાયની આશા સાથે આવી પહોંચ્યું હતું.

અહીં તેમણે પોતાની વ્યથા રજૂ કરતા જણાવ્યું હતું કે, તેમના પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર દ્વારા તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. દંપતીએ જણાવ્યું કે, નાની ઉંમરમાં તેમના લગ્ન થયા હતા અને પતિ કડિયાકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને બે દીકરીઓ અને એક દીકરો છે. મહામહેનતે ત્રણેય સંતાનોને ઉછેરી, પગભર કરીને પરણાવ્યા હતા.

હવે જ્યારે તેમની ઉંમર થઈ છે, ત્યારે તેમનો પુત્ર તેમની સાથે રહેવા તૈયાર નથી. ઘરમાં નાની નાની બાબતોમાં પણ વસ્તુઓ વાપરવા બાબતે બોલાચાલી થાય છે. વૃદ્ધ દંપતીએ વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, તેમનું બે માળનું મકાન હોવા છતાં, પુત્ર, પુત્રવધૂ અને તેમનો દીકરો પણ તેમને ગાળો બોલે છે અને અપમાનિત કરે છે. અને વયોવૃદ્ધ પોતાનું કામ પણ જાતે જ કરે છે. તબિયત સારી ના રહેતી હોય તો પણ બેઠા બેઠા જમવાનું બનાવે છે આવી પરિસ્થિતિથી કંટાળીને તેમણે પોતાના પુત્રને મકાન છોડી જવા માટે પણ કહ્યું હતું.

મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સેલર દક્ષાબેને વૃદ્ધ દંપતીની સમગ્ર વાત ધીરજપૂર્વક સાંભળી. ત્યારબાદ તેમણે દંપતીના પુત્ર, પુત્રવધૂ અને પૌત્રને બોલાવીને તેમની સાથે સઘન કાઉન્સેલિંગ કર્યું. કાઉન્સેલરે તેમને કાયદાકીય જોગવાઈઓ અને વડીલો પ્રત્યેની ફરજો વિશે વિસ્તૃત માહિતી આપી. લાંબી સમજાવટ અને મધ્યસ્થી બાદ, આખરે પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર તેમની ભૂલ સ્વીકારવા તૈયાર થયા અને વૃદ્ધ માતા-પિતા સાથે એક જ ઘરમાં શાંતિથી રહેવા માટે પરત તેઓને ઘરે લાવ્યા છે. હાલ વયોવૃદ્ધ દંપતીએ જીવનના અંતિમ પડાવમાં સુખની પુનઃ અનુભૂતિ પ્રાપ્ત કરતા મહિલા સહાયતા કેન્દ્રનો આભાર માન્યો છે.

રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગનું એકમ મહિલા સહાયતા કેન્દ્ર રાજકોટ ખાતે બી-ડિવિઝન, મહિલા પોલીસ સ્ટેશન તેમજ ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત છે. ઘરેલુ ઝગડાઓ, નિરાધાર, અસહાય મહિલાઓ, હતોત્સાહ દંપતીઓને ડીસ્ટ્રીકટ કાઉન્સેલર દ્વારા તેમની પારિવારિક મુશ્કેલીમાં સધિયારો આપી ખુશનુમા જીવનની ભેટ આપવાનું સ્તુત્ય કાર્ય કરી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!