Rajkot: રાજકોટની વસુંધરા સોસાયટીના ગણેશ પંડાલમાં પર્યાવરણના જતન સાથે જોવા મળે છે ગામઠી સંસ્કૃતિની ઝલક

તા.૨/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
જુદી-જુદી થીમ સાથે ૧૭ વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશ પંડાલનું થાય છે આયોજન
Rajkot: રાજકોટના એરર્પોટ રોડ સ્થિત વસુંધરા રેસીડેન્સીમાં ૧૭ વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશ પંડાલનું સ્થાપન કરવામાં આવે છે. દર વર્ષે સરકારશ્રીના નિયમો મુજબ ગણેશ પંડાલનું આયોજન કરી, પર્યાવરણના જતન સાથે સામાજિક સમરસતાનો સંદેશ પાઠવવામાં આવે છે.
આ વર્ષે દુંદાળા દેવની સંપૂર્ણ માટીમાંથી બનાવેલી ઈકો ફેન્ડલી સાડા-છ ફૂટની મૂર્તિ આકર્ષણ જમાવે છે. અને તેમાં પણ શણથી શણગારેલ પંડાલમાં તોરણ, ફાનસ, ગુજરાતી સંસ્કૃતિના પારંપરિક વેશમાં ખેલૈયા સ્ત્રી અને પુરૂષ સહિત ગામઠી સંસ્કૃતિની ઝલક જોવા લોકો ઉમટી પડે છે. પર્યાવરણનું જતન થાય તે હેતુથી પંડાલ અને ગણપતિ મૂર્તિ શણગારમાં કેમિકલનો ઉપયોગ બિલકુલ કરવામાં આવતો નથી.
તારીખ ૨૭મી ઓગસ્ટથી તા. ૦૬ સપ્ટેમ્બર સુધી યોજાઇ રહેલા ગણેશ ઉત્સવમાં દરરોજ સવારે આરતી તેમજ સાંજે વૈદિક મંત્રોચ્ચારથી પૂજા-અર્ચના અને આરતીના દર્શનનો સોસાયટીવાસીઓ અને આસપાસની સોસાયટીના રહીશો આનંદ-ઉત્સાહથી લાભ લઇ ધન્યતા અનુભવે છે. પંડાલમાં દરરોજ “વડીલ વય વંદના” અંતર્ગત વરિષ્ઠ નાગરિકોનું સન્માન કરવામાં આવે છે. દરેક પરિવારમાં ખરા અર્થમાં પરિવારની ભાવના કેળવાય, વડીલોનું સન્માન થાય અને વડીલો વૃદ્ધાશ્રમમાં જતા અટકે તે માટે સંદેશ પાઠવવામાં આવે છે.
ગણપતિની મૂર્તિ સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી હોવાથી વિસર્જન બાદ પાણી, પર્યાવરણ કે જીવ સૃષ્ટિને નુકસાન ન પહોંચે તેની સંપૂર્ણ તકેદારી રાખી દર વર્ષે પંડાલનું આયોજન કરવામાં આવે છે.
આ ઉત્સવ દરમ્યાન વિષ્ણુસહસ્ત્ર નામના પાઠ, બાળકો માટે રમતગમત, છપ્પન ભોગ, કરાઓકેનો કાર્યક્રમ, સત્યનારાયણ ભગવાનની કથા, યમુનાષ્ટકના પાઠ, વડીલોની વંદના તેમજ દરરોજ સાંજે આરતી બાદ રાષ્ટ્રગાન વગેરે કાર્યક્રમો યોજાય છે. વસુંધરા સોસાયટીની ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આ મહોત્સવ યોજવામાં આવે છે.




