Rajkot: ગુજરાતના દરિયાકાંઠે ઊભરતું વૈશ્વિક ગૌરવ એટલે અલંગ શિપ રિસાયક્લિંગ હબ

તા.૨૨/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કૉન્ફરન્સ (VGRC) – કચ્છ અને સૌરાષ્ટ્રના મંચ પરથી અલંગના 40 વર્ષની સિદ્ધિઓનું વિશ્વ સમક્ષ પ્રદર્શન
આગામી 10 વર્ષમાં 15,000 જહાજોનું રિસાયક્લિંગ કરવાનો રાજ્યનું મહત્ત્વાકાંક્ષી વિઝન
Rajkot: કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC)ની બીજી આવૃત્તિ જાન્યુઆરી 2026માં રાજકોટ ખાતે યોજાવા જઇ રહી છે, જેમાં ગુજરાત ફરી એકવાર પોતાની દરિયાઈ શક્તિને વિશ્વ સમક્ષ સ્પષ્ટ રીતે રજૂ કરવા જઈ રહ્યું છે. ગુજરાત મેરિટાઈમ બોર્ડના માર્ગદર્શન હેઠળ વિકસિત અલંગ – સોસિયા શિપ રિસાયક્લિંગ યાર્ડ આજે વિશ્વમાં મોટા અને વિશ્વસનીય શિપ રિસાયક્લિંગ હબમાંથી એક ગણાય છે, જે વૈશ્વિક શિપ રિસાયક્લિંગ ક્ષેત્રમાં લગભગ 32 ટકા યોગદાન આપે છે. રાજ્ય સરકારે બનાવેલી નીતિઓ, પારદર્શક વ્યવસ્થા, સુરક્ષા માપદંડો અને પર્યાવરણ માટેની પ્રતિબદ્ધતાઓને કારણે અલંગ આજે ગુજરાતની મેરિટાઈમ વિકાસયાત્રાનો જીવંત દાખલો બની ગયું છે.
અલંગમાં અત્યાર સુધી 8,800 થી વધુ જહાજોનું સુરક્ષિત અને નિયમિત રીતે રિસાયક્લિંગ થયું છે, જેમાંથી મળતી સામગ્રીનો 99.95 ટકા સુધીનો પુનઃઉપયોગ થતો હોવાથી આ સ્થળ ગ્રીન-ઇકોનોમી મોડલનું ઉત્તમ ઉદાહરણ છે. જોખમી હોય કે બિનજોખમી સામગ્રી, દરેકનો વૈજ્ઞાનિક નિકાલ અહીં સુનિશ્ચિત થાય છે. અલંગમાં હાલ 128 માંથી 115 પ્લોટ્સ સંપૂર્ણ “હોંગ કોંગ કન્વેનશન (HKC) કોમ્પલિઅન્ટ” છે, અને જૂન 2025થી HKC વૈશ્વિક સ્તરે અમલમાં આવતા અલંગને વિશ્વનું સૌથી વિશ્વસનીય ગ્રીન રિસાયક્લિંગ સેન્ટરની માન્યતા મળી છે.
અલંગ શીપ રીસાયકલીંગ યાર્ડ તાલીમ સંસ્થા, કામદરો માટે મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ (લેવલ-૩) ટ્રોમા સેન્ટર અને અદ્યત્તન કચરો વ્યવસ્થાપન સુવિધાઓ વગેરે જેવી સુવિધાઓ સાથે સુસજ્જ છે. શીપ રિસાયક્લિંગ પ્રક્રિયામાંથી ઉત્પન્ન થતા કચરાનું નિદાન TSDF સાઇટ ખાતે કરવામાં આવે છે, જેના માટે સાઇટના અપગ્રેડેશન (ઉન્નતિકરણ) નું કામ હાલ પ્રગતિ હેઠળ છે. ભાવિ રીસાયકલીંગ વોલ્યુમને પહોંચી વળવા માટે GMB એ રૂ।.1224 કરોડના ખર્ચે અલંગના માસ્ટર પ્લાનીંગ પર કામ પૂર્ણ કરેલ છે. જે નજીકના ભવિષ્યમાં 4.5 મીલીયન LDT ની વર્તમાન શીપ રીસાયકલીંગ યાર્ડની ક્ષમતાને બમણું કરશે.
ગુજરાત સરકારનો મહત્ત્વાકાંક્ષી દૃષ્ટિકોણ
વર્ષ 2024–25 દરમિયાન વૈશ્વિક પડકારો વચ્ચે પણ અલંગે સ્થિર કામગીરી નોંધાવી અને 113 જહાજોનું રિસાયક્લિંગ કર્યું. વર્ષ 2025-26ની શરૂઆતમાં જહાજોના આગમનમાં 13 ટકા વૃદ્ધિ નોંધાતા ક્ષેત્રમાં ફરી સકારાત્મક ગતિ દેખાઈ રહી છે. ગુજરાત સરકારે 2025માં અલંગ માટે એક મહત્ત્વાકાંક્ષી દૃષ્ટિકોણ રજૂ કર્યો છે, આગામી 10 વર્ષમાં 15,000 જહાજોનું રિસાયક્લિંગ કરવાનું મિશન, જેમાં અલંગની ક્ષમતાને 4.5 મિલિયન LDTથી વધારીને 9 મિલિયન LDT સુધી વિસ્તૃત કરવાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો છે. સાથે જ હેલ્થકેર, કામદારોની સુવિધાઓ, દરિયાઈ કૌશલ્ય તાલીમ અને પર્યાવરણમિત્ર ટેક્નોલોજીની સુવિધાઓને વધુ મજબૂત બનાવવાની તૈયારી શરૂ છે.
રાજકોટ ખાતે 10 થી 12 જાન્યુઆરી 2026માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કૉન્ફરન્સ-કચ્છ અને સૌરાષ્ટ્રમાં અલંગને માત્ર રિસાયક્લિંગ યાર્ડ તરીકે નહીં, પરંતુ રાજ્યની મેરિટાઈમ શક્તિ, ગ્રીન ટેક્નોલોજી, સરળ અને અનુકૂળ વ્યવસાયિક પરિસ્થિતિના ઉત્તમ ઉદાહરણ તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે. પરિષદ રોકાણકારો અને નિષ્ણાતોને ગુજરાતની દરિયાઈ ક્ષમતાઓ સાથે જોડે છે અને શિપ રિસાયક્લિંગ ક્ષેત્રમાં ભવિષ્યના વિકસતી અવસરોને ઉજાગર કરે છે.
રોકાણકારો શા માટે રોકાણ કરે છે?
અલંગ વિશ્વનું સૌથી મોટું શિપ રિસાયક્લિંગ બજારમાંથી એક છે. જે વૈશ્વિક ક્ષેત્રમાં પોતાનું 32% યોગદાન આપે છે અને વિશાળ બિઝનેસ વોલ્યુમ અને સતત આવકની ગેરંટી આપે છે.
ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગોમાં અનેક બિઝનેસ તકો રહેલી છે. રિસાયક્લિંગ સામગ્રીનું 99.95% ઉપયોગી હોવાથી અહીં સ્ક્રેપ પ્રોસેસિંગ, સ્ટીલ રોલિંગ, મશીનરી રિફર્બિશમેન્ટ, ટ્રેડિંગ, લોજિસ્ટિક્સ વગેરે ઘણા ક્ષેત્રોમાં સ્થિર વ્યવસાય ઊભો થાય છે.
રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓમાં ખાસ લાંબા ગાળાની મેરિટાઈમ નીતિઓ, પોર્ટ ઈકોસિસ્ટમ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સરળ લાઈસન્સિંગ આ બધું રોકાણકારોને નિર્ભરતા આપશે.
રાજ્ય સરકાર દ્વારા 2035માં સુધી અલંગને 9 મિલિયન LDT ક્ષમતાવાળું મેરિટાઈમ ક્લસ્ટર બનાવવાનું વિઝન રજૂ કરવામાં આવ્યું છે, જે રોકાણકારોને આગામી 10-15 વર્ષ સુધીનો સ્પષ્ટ વિકાસ માર્ગ પ્રદર્શિત કરે છે.





