Rajkot: “જનકલ્યાણ શિવવંદના પદયાત્રા” દરમિયાન કાગવડ ખાતે મા ખોડલનાં દર્શન કરી ધન્યતા અનુભવતા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા

તા.૨૨/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
વિરપુરમાં જલારામ બાપાના મંદિરે દર્શન કર્યા: ધારાસભ્ય શ્રી જયેશભાઇ રાદડીયા સહિત વિવિધ સમાજના આગેવાનોએ મંત્રીશ્રી બાવળિયા અને પદયાત્રીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યુ.
Rajkot: શિવભક્તિ, સેવા અને સંકલ્પનો સંગમ એટલે ”જનકલ્યાણ શિવવંદના પદયાત્રા”, જેના ત્રીજા દિવસે ગુજરાતના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમા ખોડલઘામ, કાગવડ ખાતે મા ખોડલના દર્શન કર્યા હતા. મા ખોડલનાં ચરણોમાં શીશ ઝુકાવી રાજ્યના જનકલ્યાણ, સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરતા તેમણે ભાવપૂર્વક પૂજન–અર્ચન કર્યું હતું.
આજે ગોંડલના જામવાડીથી શરૂ થઈને ચોરડી, વિરપુર, કાગવડ, પીઠડીયા થઈને સાંજે યાત્રા જેતપુર પહોંચી હતી. આ તમામ સ્થળે પદયાત્રાને ઢોલ અને હરહર મહાદેવના નાદ સાથે ઉત્સાહભેર આવકારો અપાયો હતો. જેતપુર આઈ.ટી.આઈ ખાતે આચાર્યશ્રી તથા મનોદિવ્યાંગ સંસ્થાના બાળકોએ તેમનું સ્વાગત કર્યું હતું.
વિરપુરમાં જલારામ બાપાના મંદિરે દર્શન કર્યા બાદ પદયાત્રાનું આગમન થતાં બાળાઓએ પરંપરાગત રીતે સામૈયું કર્યું હતું. ‘હર હર મહાદેવ’, ‘ભારત માતા કી જય’ના નાદ સાથે વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. ઘારાસભ્ય શ્રી જયેશભાઇ રાદડીયા સહિત વિવિધ સમાજના આગેવાનોએ મંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું.
આ વેળાએ મંત્રીશ્રીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં પદયાત્રાનો ઉદ્દેશ આધ્યાત્મિક, સામાજિક અને સાંસ્કૃતિક હોવાનો જણાવ્યો હતો. મંત્રીશ્રીએ પદયાત્રાનું સ્વાગત કરવા બદલ ગ્રામજનોનો આભાર માન્યો હતો. આ સાથે મંત્રીશ્રી વિરપુર ખાતે આયોજિત રોજગાર ભરતીમેળાના આયોજનમાં સહભાગી થયા હતા. ત્યારબાદ તીર્થયાત્રાળુઓએ ભોજન લઈને આગળની યાત્રા આગળ વધી હતી જે કાગવડ થઈને જેતપુર પહોંચી હતી. જેતપુર ખાતે રાત્રી રોકાણ કરીને યાત્રા જુનાગઢ તરફ આગળ પ્રયાણ કરશે.
આ પ્રસંગે વિવિધ સમાજના અગ્રણીશ્રીઓ, સરપંચશ્રીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






