Rajkot: જન્માષ્ટમી લોકમેળો-૨૦૨૫ અન્વયે સ્ટોલ/પ્લોટ માટેની અરજી, ડ્રો તથા હરરાજીનો કાર્યક્રમ જાહેર કરાયો

તા.૪/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
તા. ૦૯ થી ૧૩ જૂન દરમિયાન અરજી કરી શકાશે: તા. ૨૩ થી ૨૬ જૂન દરમિયાન યોજાશે ડ્રો અને હરરાજી
Rajkot: લોકમેળા સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે તા. ૧૪/૦૮/૨૦૨૫ થી ૧૮/૦૮/૨૦૨૫ સુધી પાંચ દિવસ દરમિયાન લોકમેળાનુ આયોજન કરવામાં આવ્યું છે.
મેળા અન્વયે રમકડા-ખાણીપીણી વગેરેના સ્ટોલ/પ્લોટ માટે ફોર્મ ભરવા ઇચ્છુક અરજદારો તા.૦૯/૦૬/૨૦૨૫ થી તા. ૧૩/૦૬/૨૦૨૫ સુધીમાં ઇન્ડિયન બેંક, તોરલ બિલ્ડીંગ, શાસ્ત્રી મેદાન સામે અને નાયબ કલેકટર કચેરી, પ્રાંત (શહેર-૧) જૂની કલેકટર કચેરી, રાજકોટ ખાતેથી સવારના ૧૧:૦૦ થી બપોરના ૧૬:૦૦ કલાક દરમિયાનમાં રૂ. ૨૦૦ ચૂકવી અરજીપત્રક મેળવી ઈન્ડિયન બેંક, તોરલ બિલ્ડીંગ, શાસ્ત્રી મેદાન, રાજકોટ ખાતે અરજી ફોર્મ ભરી તેમાં દર્શાવેલ રકમના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે ભરેલ અરજી પત્રક રજૂ કરી શકશે. અરજી નિયત ફોર્મમાં જ આપવાની રહેશે તેમજ જુદી જુદી કેટેગરીની કિંમતની પૂરેપૂરી રકમ, ટેક્સની સૂચિત રકમ તથા ડીપોઝિટની પૂરેપૂરી રકમ મળીને “અધ્યક્ષશ્રી, લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેકટર રાજકોટ”ના નામનો કુલ રકમનો ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે રાખીને ભરેલ ફોર્મ આપવાનું રહેશે.
સમિતિ દ્વારા સ્ટોલ પ્લોટની હરરાજી અને ડ્રો માટે તારીખો જાહેર કરવામાં આવી છે. જે અનુસાર કેટેગરી-બી રમકડાના ૧૨૦ સ્ટોલ, કેટેગરી-સી ખાણીપીણીના ૦૬ સ્ટોલ તા. ૨૩/૬/૨૦૨૫ સોમવારના ૧૧:૦૦ કલાકે, કેટેગરી-જે મધ્યમ ચકરડીના ૩ પ્લોટ, કેટેગરી કેની નાની ચકરડીના ૧૨ પ્લોટનો તા. ૨૩/૬/૨૦૨૫ સોમવાર સવારે ૧૧:૩૦ કલાકે હરરાજી રાખવામાં આવી છે.
આ ઉપરાંત તા.૨૪/૬/૨૦૨૫ મંગળવારના રોજ કેટેગરી-એ ખાણીપીણી મોટીના ૨ પ્લોટ અને બી૧/કોર્નર ખાણીપીણીના ૪૪ પ્લોટ માટે સવારે ૧૧:૩૦ કલાકે તથા યાંત્રિક કેટેગરી-ઈના ૫, એફના ૩, જીના ૨૦ અને એચના ૬ પ્લોટની હરરાજી તા.૨૫/૦૬/૨૦૨૫ બુધવારના સવારે ૧૧:૩૦ કલાકે અને તા.૨૬/૦૬/૨૦૨૫ ગુરૂવારે કેટેગરી- એકસ આઇસ્ક્રીમના ૧૬ પ્લોટ તથા કેટેગરી ઝેડ- ટી કોર્નરના ૧ પ્લોટ માટે સવારે ૧૧:૩૦ કલાકે હરરાજી કરવામાં આવશે. તમામ સ્ટોલ- પ્લોટના ડ્રો અને હરરાજી નાયબ કલેકટર કચેરી, પ્રાંત રાજકોટ (શહેર-૧)જૂની કલેકટર કચેરી કમ્પાઉન્ડ, મીટીંગ રૂમ રાજકોટ ખાતે યોજાશે.
યાંત્રિક કેટેગરીમાં ફોર્મ ભરેલ અરજદાર ઈ,એફ,જી,એચ તમામ કેટેગરીની હરરાજીમાં ભાગ લઈ શકશે. કેટેગરી જે અને કે નું ફોર્મ ભરનાર અરજદારએ રાજકોટ મહાનગરપાલિકાનો રેસકોર્સ મેદાન ખાતેનો એલોટમેન્ટ લેટર રજુ કરવાનો રહેશે ત્યાર બાદ જ ફોર્મ સ્વીકારવામાં આવશે. જે અને કે કેટેગરીમાંથી કોઈ પણ એક જ કેટેગરીમાં ફોર્મ રજૂ કરી શકાશે. જેમાં કેટેગરી જે તથા કે માટેના પ્રવેશદર મહત્તમ રૂ. ૩૫, ઈ,એફ,જી,એચ યાંત્રિક કેટેગરીની આઈટમોના પ્રવેશ દર મહત્તમ રૂ.૪૫ લેવાના રહેશે.
લોકમેળાનો નકશો નાયબ કલેક્ટર કચેરી, રાજકોટ (શહેર-૧)પ્રાંત, જૂની કલેકટર કચેરી ખાતે નોટિસ બોર્ડ પર કચેરી સમય દરમિયાન જોઈ શકાશે. કેટેગરી-એકસની હરરાજીમાં કોઈ પણ વ્યક્તિ કે કંપની ભાગ લઈ શકશે તેમજ પોતાની આઈસ્ક્રીમ કંપનીની જાહેરાત સ્ટોલમાં કરી શકશે તેમ અધ્યક્ષશ્રી, લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેકટર રાજકોટ (શહેર-૧)ની યાદીમા જણાવાયું છે.



