Rajkot: જસદણ- વિંછીયા પંથકમાં પાંચ કરોડથી વધુના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કરતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

તા.૧૮/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
વિંછીયા ખાતે બનશે વિજ્ઞાન પ્રવાહની સરકારી માધ્યમિક શાળા: બાળકોને ઘર આંગણે મળશે નવીન તકો: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
વીજળી, પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ તમામ ક્ષેત્રે જસદણ- વિંછીયા પંથક કરી રહ્યો છે પ્રગતિ
૧૦૬ ગામમાંથી ૯૪ ગામોમાં પેટા આરોગ્ય કેન્દ્રની સુવિધા ઉપલબ્ધ
૧૧ નાની સિંચાઈ યોજનાની તમામ કેનાલોના નવીનીકરણની કામગીરી પ્રગતિ હેઠળ
Rajkot: પાણી પુરવઠા, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે વિંછીયા ખાતે અંદાજે રકમ રૂ. ૪.૪૯ કરોડના ખર્ચે નિર્માણ થનાર શ્રી વિંછીયા વિજ્ઞાન પ્રવાહ સરકારી માધ્યમિક શાળાનું તથા જસદણ તાલુકાના રણજીતગઢથી વીરપર સુધીના અંદાજીત ૯૫ લાખના ખર્ચે તૈયાર થનાર એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ તકે મંત્રીશ્રીએ || विद्याधनं सर्व धनं प्रधानम || પંક્તિથી પ્રારંભ કરી જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર સુવિધાયુક્ત શિક્ષણ સેવાના નિર્માણ દ્વારા સાક્ષર ગુજરાત, સમૃદ્ધ ગુજરાતના ધ્યેયને સાર્થક કરવા પ્રતિબદ્ધ છે. જસદણ- વિંછીયા પંથકની દીકરીઓની શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ થાય અને તેમને નવીન તકો ઉપલબ્ધ બને તે માટે નજીકના વિસ્તારોમાં જ સરકારી હાઈસ્કૂલ બનાવી તેમને ઉચ્ચ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ સાથે જ તમામ ગામોને પાકા રસ્તાથી જોડી પરિવહન માટે સુદ્રઢ વ્યવસ્થાનું નિર્માણ થઈ રહ્યું છે. જે ગામોમાં કાચા રસ્તા છે, તેમાં નવા પાકા રસ્તાઓ તેમજ જે રસ્તાઓને સાત વર્ષ પૂર્ણ થઈ ગયા છે તે તમામ રસ્તાઓને રીકાર્પેટ કરવાની કામગીરી પણ હાલમાં ચાલુ છે.
જસદણ- વિંછીયા વિસ્તારમાં હાલમાં ૧૦૬ ગામમાંથી ૯૪ ગામોમાં પેટા આરોગ્ય કેન્દ્રની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને બાકી ગામોમાં પણ તેની કામગીરી હાલ ચાલી રહી છે. વળી પીવાના પાણીની ઓગમેન્ટેશનની સ્કીમની કામગીરી પુરજોશમાં ચાલુ છે, જેનાથી થોડા જ સમયમાં તમામ લોકોને ૭૦ ના બદલે ૧૦૦ એમ એલ ડી પાણી મળતું થઈ જશે. વિસ્તારની ૧૧ નાની સિંચાઈ યોજનાની તમામ કેનાલોના નવીનીકરણની કામગીરી પણ હાલ ચાલુ છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વીરપર અને ભંડારીયા ગામોને ચોમાસામાં પડતી મુશ્કેલીનો અંત લાવવા પુલોના કામ હાથ ધરવામાં આવ્યા છે. ગ્રામજનોને પૂરતી અને ગુણવત્તાયુકત વીજળી મળે તે માટે જ મોઢુકા ખાતે પીજીવીસીએલની પેટા સબ ડિવિઝનની અલગ કચેરીનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે. આમ વીજળી,પાણી,રસ્તા, આરોગ્ય, શિક્ષણ તમામ ક્ષેત્રે વિસ્તાર પ્રગતિ કરી રહ્યો છે.
આ પ્રસંગે મંત્રીશ્રીએ શાળા પરિસર નિર્માણના પૂર્વી આયોજનનું નિરીક્ષણ કરી સ્થાનિકો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. રણજીતગઢ ખાતે રસ્તાના ખાતમુહૂર્ત પ્રસંગે નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી રાઠોડે રસ્તાની કામગીરીને વિસ્તૃત જાણવતા કહ્યું હતું કે, અંદાજિત ૨ કિલોમીટર લંબાઈ અને ૩.૭૫ મીટર પહોળાઈ ધરાવતા આ રસ્તા પર ૧૦૦ મીટરની પૂર સંરક્ષણ દિવાલ, ત્રણ સ્તરે ડામર, માટી કામ અને રોડ ફર્નિશિંગની કામગીરી કરી આ રસ્તાને લોક સુવિધા અર્થે તૈયાર કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્યો શ્રી ગોકળભાઈ, શ્રી પ્રદીપભાઈ, રણજીતગઢના સરપંચ શ્રી રાજુભાઈ, ઉપસરપંચ શ્રી પ્રાગજીભાઈ, અગ્રણી ડોક્ટર ચિરાગભાઈ, શ્રી વાઘજીભાઈ મેવાસીયા વગેરે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.







