Rajkot: કાગવડ શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ; માં ખોડલને વિશિષ્ટ શણગાર કરાયો

તા.૧૬/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મંદિર ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી આઝાદી દિવસની ઉજવણી કરાઈ હતી. દેશભરમાં 78 મા સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે, દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રને સમર્પિત એવા શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ દ્વારા સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
વિશ્વનું સૌપ્રથમ એવું મંદિર જેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે તેવા શ્રી ખોડલધામ મંદિરમાં રાષ્ટ્રીય પર્વોની પણ હર્ષભેર ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આજ રોજ સ્વતંત્રતા પર્વ નિમિત્તે શ્રી ખોડલધામ મંદિરમાં બિરાજમાન માં ખોડલના વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યા હતા. માં ખોડલને કેસરી, સફેદ અને લીલા ફૂલોમાંથી બનેલો હાર અર્પણ કરવામાં આવ્યો હતો. સાથે જ મા ખોડલની મૂર્તિ પાસે થતાં ફૂલોના શણગારમાં ફૂલોથી તિરંગો બનાવવામાં આવ્યો હતો. સવારથી જ ભક્તો મા ખોડલના આ વિશિષ્ટ શણગારના દર્શનનો લ્હાવો લીધો હતો. 78 મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે સવારે શ્રી ખોડલધામ મંદિર ખાતે મંદિરના સ્ટાફગણ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી હતી અને રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું.






