GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: કરુણા અભિયાનઃ પક્ષીઓના ટહુકામાં પતંગના દોરાની પીડા ન સંભળાય તેની તકેદારી રાખીએ

તા.૧૧/૧/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટમાં ૧૦થી ૨૦ જાન્યુઆરી સુધી કરૂણા અભિયાનઃ ૪૦ એમ્બ્યુલન્સ, ૩૦ કલેક્શન અને સારવાર કેન્દ્ર કાર્યરત

૬૧ વેટનરી ડોક્ટર અને ૩૦૦ જેટલા સ્વયંસેવકો ઘાયલ પક્ષીઓની સારવાર માટે ખડેપગે

સવારે ૯ થી સાંજે ૪ સુધી જ પતંગ ચગાવી ઉતરાયણનું પર્વ મનાવીએઃ કલેક્ટર તંત્રની અપીલ

ચાઈનીઝ જેવા પ્રતિબંધિત દોરાનું વેચાણ કે સંગ્રહ કરનાર સામે કડક કાર્યવાહી

વૃક્ષો, ઈલેક્ટ્રીક લાઈન અને ટેલિફોન લાઇનથી દૂર પતંગ ચગાવીએ

Rajkot: ઉત્તરાયણ પર્વ પર પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓને બચાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યભરમાં કરુણા અભિયાનનો પ્રારંભ કરાયો છે. આ સાથે રાજકોટ જિલ્લામાં કલેક્ટર શ્રી પ્રભવ જોશીના માર્ગદર્શનમાં આજથી ૨૦મી જાન્યુઆરી સુધી કરૂણા અભિયાન શરૂ થયું છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં જુદી-જુદી ૩૦ જગ્યાએ ઘવાયેલા પક્ષીઓના સારવાર માટે કલેક્શન અને સારવાર સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. જેમાં ૬૦થી વધુ વેટનરી ડોક્ટર્સ અને ૩૦૦ જેટલા સ્વયંસેવકો અભિયાનમાં જોડાયા છે.

આ તકે રાજકોટ નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.કે. ગૌતમ તથા જીવદયાપ્રેમીઓ દ્વારા રાજકોટ કલેક્ટર કચેરી ખાતેથી પક્ષીઓ માટેની વિશેષ ત્રણ એમ્બ્યુલન્સને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવાયું હતું.

રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પત્રકારોને સંબોધતા નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.કે.ગૌતમે જણાવ્યું હતું કે, ઉત્તરાયણના તહેવારમાં લોકો પતંગ ચગાવવામાં અને તહેવારને માણવામાં ઉત્સાહિત હોય છે. પરંતુ આપણો ઉત્સાહ અન્ય જીવ માટે સજા ન બને તેનું ધ્યાન રાખવું તે આપણી ફરજ છે. અબોલ પક્ષીઓનો જીવ અમૂલ્ય છે. આ જીવોને બચાવવા રાજ્ય સરકાર, વિવિધ સંસ્થાઓ અને જીવ દયા પ્રેમીઓ સાથે મળી ઘવાયેલા પક્ષીઓને સારવાર અપાવવા ખડેપગે રહે છે. તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે, સવારે ૯ સુધી અને સાંજે ૪ પછી પક્ષીઓ આકાશમાં વધુ ઉડતા હોય માટે આ સમય દરમિયાન પતંગ ચગાવવી ન જોઈએ. સવારે ૯ થી સાંજે ૪ વાગા સુધી જ પતંગ ચગાવવી જોઈએ.

અધિક કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, ચાઈનીઝ જેવા દોરાનો ઉપયોગ કે સંગ્રહ કરવો પ્રતિબંધિત છે. જો કોઈ વ્યક્તિ કે દુકાનદાર ચાઈનીઝ જેવા ધોરાનો ઉપયોગ, સંગ્રહ કે વેચાણ કરતા જણાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. જો કોઈ વ્યક્તિ ઘાતક પતંગદોરી વેચતો જણાય તો તંત્રનો સંપર્ક કરવા અપીલ કરી હતી.

ઉત્તરાયણપર્વ દરમિયાન આટલું કરીએ

ફક્ત ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવીએ, વૃક્ષો, ઇલેક્ટ્રીક લાઇન અને ટેલિફોન લાઇનથી દૂર પતંગ ચગાવીએ, ઘાયલ પક્ષીને જોતા તરત જ નિકટના સારવાર કેન્દ્રનો સંપર્ક કરીએ, ઘાયલ પક્ષીની આંખને કપડાથી ઢાંકી હવાની અવર-જવર થઇ શકે તેવા પાત્રમાં બનતી ત્વરાએ સારવાર કેન્દ્રમાં પહોચાડીયે, ઘરના ધાબા પર કે આજુબાજુના વૃક્ષોમા ફસાયેલી દોરીનો નિકાલ કરીએ.

ચાઇનીઝ, સિન્થેટીક કે કાચ પાયેલી દોરીનો પતંગ ચગાવવામા ઉપયોગ ન કરીએ, ઘાયલ પક્ષીના મોઢામાં પાણી કે ભોજન ન મુકીએ, રાત્રીના સમયે ગુબ્બારા કે ફુગ્ગા ન ચગાવીએ, ઘાયલ પક્ષીની સારવાર જાતે ન કરતા, યોગ્ય સારવાર સ્થળ સુધી પહોચાડવાની વ્યવસ્થા કરીએ.

વન વિભાગનો હેલ્પ લાઇન નંબર:-૧૯૨૬ અથવા ૮૧૪૧૭૭૦૨૭૨ અથવા ‘Karuna’ ટાઇપ કરીને મોકલવાથી ગુજરાત રાજ્યના બધા જ જિલ્લાની કરુણા અભિયાનની વિગતવાર માહિતી મળી શકશે. તેમજ એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર ::૧૯૬૨, વીજ ફરીયાદ માટે ટોલ ફ્રી નંબર : ૧૯૧૨૨ અથવા ૧૮૦૦૨૩૩૧૫૫૩૩૩ ઉપર પણ સંપર્ક કરી શકાશે.

ઉપરાંત ફોરેસ્ટ વિભાગ દ્વારા રાજકોટ જિલ્લાના દરેક તાલુકામાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રીની કચેરી ખાતે કંટ્રોલરૂમ શરૂ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ઘાયલ પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તે માટે હેલ્પલાઇન નંબર જારી કરાયા છે.

રાજકોટ માટે 9265313153, લોધિકા 9909305505, ઉપલેટા 9723410072, કોટડા સાંગાણી 9099080273, જેતપુર 9099962062, પડધરી 7990247405, ધોરાજી 9427576029, ગોંડલ 9904600308, જામકંડોરણા 9427576029, વિછીયા 7046250225, જસદણ 8200965067 પર જાણ કરવાથી ઘવાયેલા પક્ષીઓને સારવાર આપવામા આવશે.

કરુણા અભિયાનના પ્રારંભ પ્રસંગે ફોરેસ્ટ વિભાગના એ.સી.એફ. શ્રી કોટડીયા, બોલબાલા ટ્રસ્ટના શ્રી જયેશભાઈ ઉપાધ્યાય, કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇનના શ્રી મિતલ ખેતાણી, શ્રી પ્રતીક સંઘાણી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને વિવિધ સંસ્થાઓના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!