GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: કોટડાસાંગાણીમાં રૂ. ૩.૬૧ કરોડના ખર્ચે નિર્મિત રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

તા.૩/૧/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિના પરિણામે આરોગ્ય ક્ષેત્રે દુનિયામાં ક્યાંય નથી, તેવી આયુષ્માન કાર્ડ જેવી સૌથી મોટી યોજના દેશવાસીઓને મળી છે : – સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા

જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવીણાબેન રંગાણી અને ધારાસભ્ય શ્રી ભાનુબેન બાબરીયાની વિશેષ ઉપસ્થિતિ

આરોગ્ય કેન્દ્રમાં ‘જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ’ અંતર્ગત પ્રસૂતાને રહેવા, જમવા અને ઘરે જવાની સુવિધા વિનામૂલ્યે અપાશે

Rajkot: ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને આરોગ્ય વિષયક સેવાઓ આપવામાં આવી રહી છે. રાજકોટ જીલ્લાના કોટડાસાંગાણી ખાતે લોકોને ગુણવતાયુક્ત આરોગ્ય સેવાઓ સરળતાથી મળી રહે, તે માટે આધુનિક સુવિધાઓથી સજ્જ નવનિર્મિત રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર, કોટડાસાંગાણીનો લોકાર્પણ કાર્યક્રમ સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલાની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવીણાબેન રંગાણી અને ધારાસભ્ય શ્રી ભાનુબેન બાબરીયા ઉપસ્થિત રહયા હતા.

આ પ્રસંગે સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર જન આરોગ્ય અર્થે સતત પ્રયાસશીલ છે. સરકારના પ્રયત્નોના કારણે અહીં આરોગ્ય કેન્દ્રનું મકાન બન્યું છે. દરેક તાલુકા મથકે એક સામુહિક આરોગ્ય કેન્દ્ર હોય, તેવો સરકારનો પ્રયાસ છે. ત્યારે દર્દી નારાયણને યોગ્ય અને સમયસર સારવાર મળે, તેની જવાબદારી સ્ટાફની છે. હાલમાં મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અદ્યતન સુવિધાસભર બની રહ્યું છે. શ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રીપદે શોભાયમાન હતાં, ત્યારે રાજ્યમાં ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાનો આરંભ થયો હતો. વાહન અકસ્માત કે હાર્ટ એટેક જેવી અણધારી પરિસ્થિતિ વખતે ૧૦૮ સેવાએ અનેક લોકોને જીવતદાન આપ્યું છે. તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિના પરિણામે આરોગ્ય ક્ષેત્રે દુનિયામાં ક્યાંય નથી, તેવી આયુષ્માન કાર્ડ જેવી સૌથી મોટી યોજના દેશવાસીઓને મળી છે.

આ વેળાએ જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવીણાબેન રંગાણીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેવાડા માનવીની ચિંતા કરીને તેમની સેવામાં ક્યાંય કચાશ નથી રાખી તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાતે કોઇપણ ક્ષેત્રમાં પાછીપાની ન કરી હોવાનું જણાવ્યું હતું. જ્યારે ધારાસભ્ય શ્રી ભાનુબેન બાબરીયાએ જાહેર જીવનમાં મહિલાઓની ભાગીદારી વધતી જતી હોવાની ખુશી વ્યક્ત કરી હતી તેમજ વધુમાં વધુ લોકો આયુષ્માન કાર્ડ કઢાવી લે, તેવો અનુરોધ કર્યો હતો.

આ અવસરે મહાનુભાવોના હસ્તે રીબીન કટ કરી અને તક્તીનું અનાવરણ કરીને રેફરલ હોસ્પિટલ લોકાર્પિત કરાઈ હતી. તેમજ મહાનુભવોએ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર, કોટડાસાંગાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી અપગ્રેડ કરાયું છે. જેનું બાંધકામ રૂ. ૩.૬૧ કરોડના ખર્ચે તૈયાર થયું છે. અહીં ૩૦ પથારી સાથે મેલ-ફીમેલ વોર્ડ, લેબોરેટરી, એક્સ-રે વિભાગ, ઓપરેશન થિયેટર, ઇમરજન્સી વિભાગ, લેબર રૂમ, સોનોગ્રાફી રૂમ, એ.એન.સી. રૂમ, ટી.બી. વિભાગ, ડ્રેસિંગ તથા જનરલ ઓ.પી.ડી. જેવી સુવિધા ઉપલબ્ધ છે. આ આરોગ્ય કેન્દ્રમાં ‘જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ’ અંતર્ગત પ્રસૂતાને રહેવા, જમવા અને ઘરે જવાની સુવિધા વિનામૂલ્યે અપાશે.

આ કાર્યક્રમનો દીપપ્રાગટ્યથી આરંભ કરાયા બાદ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી અભિવાદન કરાયું હતું. ક્વોલિટી મેનેજીંગ ડિરેક્ટર શ્રી પી. કે. સિંઘે શાબ્દિક સ્વાગત, અગ્રણી શ્રી કિશોરસિંહ જાડેજાએ આભારવિધિ અને સી.આર.સી. કો ઓર્ડીનેટર શ્રી સુરેશભાઈ આંબલીયાએ સંચાલન કર્યું હતું. આ તકે આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી લીલાવંતીબેન ઠુંમર, માર્કેટ યાર્ડના ચેરમેન શ્રી એન. ડી. જાડેજા, પૂર્વ ધારાસભ્ય શ્રી લાખાભાઈ સાગઠીયા સહિત હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!