GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: પ્રાકૃતિક ખેતી થકી જમીન અને તંદુરસ્તીનું રક્ષણ કરવાના સરકારશ્રીના વિઝનને જન-જન સુધી પહોંચાડતા ‘કૃષિ સખી’

તા.૧૯/૨/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન : માર્ગી મહેતા

જે બહેનોને સહી કરતા પણ નહોતી આવડતી, તેઓ આજે બેંકની લેવડદેવડ કરતા પણ શીખી ગયા છે

ગાય આધારિત ખેતી અપનાવો તેમજ ગાયના દૂધ અને તેમાંથી બનેલાં ઘી-છાશનો ઉપયોગ કરો : કૃષિસખી શ્રી અંજનાબેન કાકડીયા

ગંભીર રોગોથી બચવું હશે તો પ્રાકૃતિક ખેત ઉત્પાદનનો વપરાશ વધારવો પડશે

Rajkot: ગુજરાત સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સક્રિય પ્રયાસો કરી રહી છે. રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વપરાશને ઘટાડીને, જમીનની ફળદ્રુપતા વધારવા અને ખેડૂતોની આવક બમણી કરવાનો છે. સરકાર ખેડૂતોને દેશી ગાયના નિભાવ માટે આર્થિક સહાય પૂરી પાડી રહી છે. જેથી, ‘ઝેરમુક્ત ખેતી, સમૃદ્ધ ખેડૂત’ના સંકલ્પને સાકાર કરી શકાય. ત્યારે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના લીલાપુર ગામમાં રહેતા શ્રી અંજનાબેન કાકડીયા જેવા જાગૃત નાગરિકો આગળ આવ્યા છે, જેઓ પ્રાકૃતિક ખેતી થકી જમીન અને તંદુરસ્તીનું રક્ષણ કરવાના સરકારશ્રીના વિઝનને જન-જન સુધી પહોંચાડી રહ્યા છે.

શ્રી અંજનાબેન કાકડીયાએ જણાવ્યું હતું કે, અમે ૧૦ બહેનોએ ૨૦૨૨માં ‘ગોપી મિશન મંગલમ્’ મંડળની શરૂઆત કરી. અમને સ્ટાર્ટઅપ ફંડ અને રિવોલ્વિંગ ફંડની સહાય મળી, જેનાથી અમે આર્થિક પ્રવૃત્તિઓ કરતા થયા. આ મંડળમાં જોડાયા પછી અમે તમામ બહેનોએ બેન્કમાં ખાતાં ખોલાવ્યા અને જે બહેનોને સહી કરતા પણ નહોતી આવડતી, તેઓ આજે બેંકની લેવડદેવડ કરતા પણ શીખી ગયા છે. હું ઘરકામ અને ખેતીકામ કરતી હતી, પરંતુ ઘરકામમાંથી થોડો સમય કાઢીને, મંડળની મીટિંગોમાં જવાથી મને બહારની દુનિયાનો પરિચય થયો.

તેઓ ગર્વની લાગણી અનુભવતા કહે છે કે, મારા માટે ગૌરવની ક્ષણ ત્યારે આવી જ્યારે પ્રેરણા પ્રવાસ હેઠળ મને ગાંધીનગર રાજભવનમાં જવાનો મોકો મળ્યો. સાધારણ સ્ત્રીને રાજભવનમાં જવું અઘરું લાગતું હોય છે, પણ ત્યાં મને આપણા માનનિય રાજ્યપાલશ્રી દેવવ્રતજી સાહેબની મીટિંગમાં બેસવા મળ્યું. ત્યાંથી પ્રોત્સાહન મેળવીને મેં સપનું જોયું કે, હું પણ પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે કંઈક કરીશ. આજે હાર્ટએટેક અને કેન્સર જેવા રોગો વધી રહ્યા છે, એ દુઃખદ વાત છે. ગંભીર રોગોથી બચવું હશે તો પ્રાકૃતિક ખેત ઉત્પાદનનો વપરાશ વધારવો પડશે.

મને મિશન મંગલમ્ યોજનાના અધિકારીઓ અને રાજકોટમાં આવેલી તરઘડિયા કૃષિ યુનિવર્સિટીનું માર્ગદર્શન મળ્યું. હાલમાં હું ‘કૃષિ સખી’ તરીકે કાર્યરત છું. ત્રણ ગામના ક્લસ્ટરમાં અમે બે બહેનો કામ કરીએ છીએ. અમને તમામ પ્રકારનો સપોર્ટ પણ મળે છે કે, દિવસે કામ કરવાનો સમય ન મળે તો અનુકુળતાએ સાંજે કામ કરી શકાય છે અને ખેડૂતોને પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરવા સમજાવી શકાય છે, તેમ સખી મંડળના પ્રમુખ શ્રી અંજનાબેને ઉમેર્યું હતું.

પ્રાકૃતિક ખેત ઉત્પાદનના ઉપયોગની અપીલ કરતાં તેઓ જણાવે છે કે, ગુજરાત સરકારનો ઉદ્દેશ પ્રાકૃતિક ખેતીનાં પ્રયોગ સાથે ‘ઝેરમુક્ત ભારત’ બનાવવાનો છે. આપણે બાળકોને ઝેરી જંતુનાશકોથી તૈયાર થયેલાં ઉત્પાદનો ન પીરસવા જોઈએ. પશુપાલન અને ખેતી કરતા તમામ પરિવારોને મારી વિનંતી છે કે, ગાય આધારિત ખેતી અપનાવો તેમજ ગાયના દૂધ અને તેમાંથી બનેલાં ઘી-છાશનો ઉપયોગ કરો. જેથી, આપણી જમીન અને આપણા સ્વાસ્થ્ય બંનેમાં સુધારો થશે.

આમ, ગુજરાત સરકારની સહાય અને સખી મંડળના પ્લેટફોર્મને કારણે ગ્રામીણ મહિલાઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. સરકારના સહયોગથી બહેનો ‘કૃષિ સખી’ તરીકે પ્રાકૃતિક કૃષિનો પ્રચાર કરી રહ્યા છે અને ખેડૂતોને ઝેરમુક્ત ખેતી કરવા માટે તૈયાર કરી રહ્યા છે. આ રીતે આવનારી પેઢીને તંદુરસ્ત અને રોગમુક્ત જીવન આપવાનું ગુજરાત સરકારનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે.

Back to top button
error: Content is protected !!