Rajkot: રાજકોટમાં પવિત્ર પુષ્પોને રીસાયકલ કરીને ઇકોફ્રેન્ડલી વસ્તુઓ બનાવવાની તાલીમનો શુભારંભ

તા.3/11/2025
વાત્સલયમ્ સમાચાર
મહાનગરપાલિકા અને ઈન્ટેકના સંયુક્ત ઉપક્રમે પંચનાથ મંદિર ખાતે આયોજન
Rajkot: રાજકોટ મહાનગરપાલિકા અને ઈન્ટેક (ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ ક્લચરલ હેરિટેજ)ના સંયુક્ત ઉપક્રમે તા. ૦૩થી તા. ૦૬ નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન પંચનાથ મહાદેવ મંદિર ખાતે ‘પવિત્ર કચરો પુનઃપ્રયોગ માટેનો દેશવ્યાપી તાલીમ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું છે. જેનો ઉદઘાટન સમારોહ તા. ૦૩ના રોજ ડેપ્યુટી કમિશનર શ્રી ચેતનભાઈ નંદાણી, સોલિડ વેસ્ટ વિભાગના ચેરમેન શ્રી નિલેશભાઈ જાલુ, પંચનાથ મંદિર ચેરમેન શ્રી દેવાંગભાઈ માંકડની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ તાલીમનો ઉદ્દેશ ખાસ કરીને મહિલા સ્વસહાય જૂથોને પવિત્ર પુષ્પોના પુનઃ પ્રયોગ સંબંધિત કૌશલ્ય વિકસાવી રોજગારનો અવસર આપવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત મંદિરોમાંથી પુષ્પો એકત્ર કરવામાં આવ્યા છે, જે નદી કે કચરાપેટીમાં ફેંકી દેવામાં આવે છે, તેને ઇકોફ્રેન્ડલી વસ્તુઓ જેમ કે ધૂપ-અગરબત્તી, કુદરતી રંગો, ખાતર અને હેન્ડમેડ પેપર જેવી વસ્તુઓમાં પરિવર્તિત કરવામાં આવે છે. ઈન્ટેકના પ્રતિનિધિઓ, મ્યુનિસિપલ અધિકારીઓ અને સ્થાનિક સમુદાયના સભ્યો કચરાની છટણી, પ્રક્રિયા અને મૂલ્યવર્ધનની પદ્ધતિઓ શીખી રહ્યા છે.
ઈન્ટેક રાજકોટ ચેપ્ટરના કન્વીનર આર્કિટેક્ટ શ્રી રિદ્ધિબેન શાહે જણાવ્યું હતું કે, “આ પહેલ પર્યાવરણીય જવાબદારી અને સાંસ્કૃતિક સંવેદનશીલતાને જોડે છે. મંદિરો માત્ર આસ્થાના કેન્દ્ર નથી પરંતુ પરંપરાના રક્ષક પણ છે. આ પહેલ દ્વારા અમે પરંપરાગત જ્ઞાનને જીવંત રાખી આધુનિક પર્યાવરણીય પડકારોને ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.”
આ તકે શ્રી રિદ્ધિબેને ઈન્ટેક વર્કશોપના આયોજન બદલ પંચનાથ મંદિર ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમ રાજકોટને ટકાઉ વારસાગત વ્યવસ્થાપન માટે આદર્શ શહેર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે, તેમ ઈન્ટેકની યાદીમાં જણાવાયું છે.






