Rajkot: “આજે જ છોડો તમાકુનું વ્યસન” રાજકોટ જિલ્લા પંચાયત ખાતે’’વિશ્વ તમાકુ નિષેધ દિવસ’’ની ઉજવણી કરાઈ

તા.૧/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
જિલ્લા પંચાયત કેમ્પસમાં કોઈ તમાકુનું વ્યસન કરતાં જણાશે તો દંડાત્મક કાર્યવાહી કરાશે:- જિલ્લા વિકાસ અધિકારીશ્રી
Rajkot: રાજકોટ જિલ્લા પંચાયત ખાતે ‘‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’’ની ઉજવણી કરવામાં આવી હતી. ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા જિલ્લા વિકાસ અધીકારીશ્રીના અધ્યક્ષ સ્થાને તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારીશ્રી સહિત જિલ્લા પંચાયતના અન્ય અધીકારીશ્રીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં તમાકુ કે તમાકુની બનાવટની કોઇપણ ચીજ વસ્તુનું વ્યસન ન કરવા ઉપરાંત પરિવાર અને સમાજને તમાકુના દૂષણથી મુક્ત રાખવા સૌએ શપથ લીધા હતા. આ તકે જિલ્લા વિકાસ અધીકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદે કડક સુચના આપી જણાવ્યું હતુ કે, જિલ્લા પંચાયત કેમ્પસમાં કોઈ પણ જો તમાકુનુ સેવન કરતા જોવા મળશે તો તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત તમાકુનું વ્યસન કરતા લોકોને તમાકુ છોડવા પણ તેમણે અપીલ કરી હતી.
આ તકે જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે ‘‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’’ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આઇ.ઈ.સી. પ્રચાર-પ્રસાર, પત્રિકા વિતરણ ગુરુ શીબીર,લઘુ શીબીર, ભીંતસૂત્રો તેમજ સોશ્યલ મીડીયા દ્રારા પ્રચાર પ્રસાર કરી તમાકુનું વ્યસન છોડવા લોકોને અપીલ કરાઈ હતી. આ પ્રસંગે આરોગ્ય કર્મચારીઓ અને અધિકારીશ્રીઓ સહિત નાગરિકોએ તમાકુ કે તમાકુની બનાવટની વસ્તુઓ નહીં ખાવાના શપથ લીધા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડેટા મુજબ ભારતમાં તમાકુના કારણે ૧૩.૫ લાખ લોકો દર વર્ષે મૃત્યુ પામે છે.
ગ્લોબલ યૂથ ટોબેકો સર્વે ૨૦૧૯ ગુજરાતની ફૅક્ટશીટ પ્રમાણે ૫.૪% વિધાર્થીઓ તમાકુ અને તમાકુની બનાવટના ઉત્પાદનનો ઉપયોગ કરે છે. એમા પણ ૬.૩% છોકરાઓ અને ૪.૨% છોકરીઓનું પ્રમાણ જોવા મળે છે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી આરોગ્ય શાખા, જિલ્લા પંચાયતની યાદીમાં જણાવ્યું છે.





