GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬” સરઘસ અને લાઉડ સ્પીકરના ઉપયોગ માટે સક્ષમ અધિકારીની મંજૂરી ફરજિયાત

તા.૮/૪/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ એપ્રિલ-૨૦૨૬ અન્વયે મતદાન તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ તથા મતગણતરી તા.૨૮/૦૪/૨૦૨૬ના રોજ થશે. જે અંતર્ગત રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રીએ જરૂરી પ્રતિબંધો મુક્યા છે. જે મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં,કોઈપણ વ્યક્તિ/વ્યક્તિઓએ તા.૨૯/૦૪/૨૦૨૬ સુધીના સમયગાળા દરમ્યાન (બન્ને દિવસો સહીત) સક્ષમ અધિકારીની પરવાનગી વિના ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગાં થવું નહીં, કોઈ સભા કરવી કે બોલાવવી નહીં કે સરઘસ કાઢવું નહીં.

કોઈ પણ રાજકીય પક્ષ કે ઉમેદવારો દ્વારા સભા કે સરઘસનું આયોજન કરતા પહેલા સક્ષમ અધિકારીની પરવાનગી મેળવવાની રહેશે.ઉમેદવાર ઉમેદવારી પત્રો ભરવા કે ઉમેદવારી પત્રોની ચકાસણીમાં આપવા કે ચૂંટણી પ્રતિકની ફાળવણીની પ્રક્રિયામાં હાજરી આપવા માટે ચૂંટણી અધિકારીશ્રીની કચેરીમાં જાય ત્યારે મોટા સરઘસ સ્વરૂપે જવું નહીં.

જ્યાં એક પક્ષે સભા યોજી હોય એવા સ્થળોએ બીજા પક્ષે સરઘસ લઈ જવું નહી તેમજ ખલેલ પહોંચાડવી નહીં.ચૂંટણીના સરઘસ અને રેલીમાં સ્થાનિક કાયદા અને અમલમાં હોય તે પ્રતિબંધક હુકમને આધિન ધ્વજ-બેનર્સ કે કટઆઉટ રાખી શકાશે.આવા સરઘસમાં પક્ષે ઉમેદવારે પુરા પાડેલ ટોપી માસ્ક સ્કાર્ફ વગેરે પહેરી શકશે.પરંતુ પક્ષે પુરા પાડેલ સાડી/શર્ટ જેવા મુખ્ય વસ્ત્રો પહેરી શકાશે નહીં.

જાહેર સભા, સરઘસ, સામાન્ય પ્રચાર માટે ફરતા વાહનો અથવા અન્યથા ઉપયોગમાં લેવાતા વાહનો ઉપર લાઉડ સ્પીકરના ઉપયોગ માટે સંબંધિત ચૂંટણી અધિકારીની પૂર્વ મંજુરી મેળવવાની રહેશે. ચૂંટણી પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ શરૂ થયા બાદ એટલે કે મતદાન પુરુ થવાના કલાક સાથે પુરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમ્યાન ચૂંટણી પ્રચાર માટે ઘેર ઘેર મુલાકાત લેતી વખતે એક સાથે વધુમાં વધુ પાંચ વ્યક્તિ જઈ શકશે.ચૂંટણી પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ શરૂ થયા બાદ એટલે કે મતદાન પુરુ થવાના કલાક સાથે પુરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમ્યાન ચૂંટણી પ્રચાર પક્ષના કાર્યકરો/ નેતાઓ જેના પર પક્ષનુ પ્રતિક હોય તેવી ટોપી/ મફલર પહેરી શકશે પરંતુ બેનર પ્રદર્શિત કરી શકશે નહીં.

લગ્નના વરઘોડા, સીનેમામાં, ટાઉન હોલમાં, સ્મશાન યાત્રામાં, એસ.ટી. બસમાં, રેલ્વેમાં મુસાફરી માટે, નવરાત્રી ઉત્સવની ઉજવણી માટે કે મંદિર, મસ્જિદ કે દેવળમાં પ્રાર્થના માટેના આશયથી જતી વ્યક્તિઓને લાગુ પડશે નહીં.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સામે કાનુની કાર્યવાહી તથા તે હેઠળ સજાને પાત્ર થશે. આ હુકમ અન્વયે રાજકોટ કમિશ્નરેટમાં ફરજ બજાવતા અન આર્મ્ડ આસિસ્ટન્ટ સબ ઇન્સપેકટર અને તેનાથી ઉપરના દરજ્જાના કોઈપણ પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.રાજકોટ શહેર પોલીસ કમિશ્નર હકુમત હેઠળના સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ એપ્રિલ ૨૦૨૬ હેઠળના વિસ્તારમાં તા.૨૮/૦૪/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.

Back to top button
error: Content is protected !!