GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-૨૦૨૬” બહારથી આવેલા પદાધિકારીઓ, રાજકીય પ્રચારકોને પ્રચારના અંત પછી મત વિસ્તારો છોડી દેવા ફરમાન

તા.૮/૪/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કડક આદેશો જારી કરવામાં આવ્યા છે. મતદાનના ૪૮ કલાક પૂર્વે ચૂંટણી પ્રચાર બંધ થવાની સાથે જ જે-તે મતવિસ્તારના મતદાર ન હોય તેવા તમામ રાજકીય પદાધિકારીઓ અને કાર્યકરોએ તાત્કાલિક ધોરણે વિસ્તાર છોડી દેવા ફરમાન જારી કરાયું છે.

જિલ્લા મેજીસ્ટ્રેટ ડૉ. ઓમ પ્રકાશે ફરમાવ્યું છે કે, તા.૨૪ એપ્રિલના રોજ સાંજે છ કલાકે ચૂંટણીનો પ્રચાર પૂર્ણ થઈ ગયા પછી, રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં બહારથી આવેલા રાજકીય પદાધિકારીઓ, પક્ષના કાર્યકરો, સરઘસ કાઢનારાઓ, ચૂંટણી પ્રચારકો વગેરેએ જે-તે વિસ્તાર છોડી દેવાનો રહેશે.

આ સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસ તંત્ર, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને સાર્વજનિક સભા ખંડો, હોટેલ રેસ્ટોરાં, વીશી અને અતિથિગૃહોની ઘનિષ્ઠ તપાસણી કરવા આદેશ કરાયો છે. આ માટે મતદાર વિભાગની હદમાં તપાસ નાકા ઊભા કરવા, બહારથી આવતા વાહનોની અવર-જવર પર દેખરેખ-તપાસ રાખવા અને ચૂંટણી પ્રચાર માટે બહારથી આવેલા લોકો મતદાર વિભાગમાં રોકાય નહીં તેની ખાતરી કરવા સૂચના આપવામાં આવી છે.

રાજકીય પક્ષના રાજ્ય કક્ષાના ઈન્ચાર્જ પદાધિકારીઓ રાજ્યના હેડ ક્વાર્ટરમાં રોકાવાના હોય તે સ્થળ જાહેર કરવાનું રહેશે તેમજ સામાન્ય રીતે રહેઠાણ અને પક્ષના કાર્યાલય વચ્ચે આવક-જાવન કરી શકે છે. રાજ્ય જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં આ આદેશો લાગુ પડશે અને તેનું ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

Back to top button
error: Content is protected !!