GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: અંદાજે ૫૦ લાખના ખર્ચે ૬ એકરમાં બની રહ્યું છે માલીયાસણ નેચર એજયુકેશન કેમ્પ

તા.૨૫/૭/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: હાલ ગ્લોબલ વોર્મિંગને કારણે તાપમાનમાં વધારો થઇ રહયો છે, પાણીનું સ્તર નીચું જઇ રહ્યું છે અને જંગલોનું પ્રમાણ પણ ઘટતું જઇ રહ્યુ છે ત્યારે લોકોને તથા બાળકોને પ્રકૃતિ અને પર્યાવરણપ્રેમ તરફ વાળવા ખાસ કરીને પર્યાવરણના સંરક્ષણમાં ભાગીદાર થવા માટે જાગૃતિ લાવવી જરૂરી છે.

લોકોને પર્યાવરણ સંરક્ષણ તરફ વાળવા કલેક્ટર શ્રી પ્રભવ જોશી દ્વારા રાજકોટ જિલ્લામાં નવતર પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્રનો પ્રારંભ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.રાજકોટ તાલુકાના માલીયાસણ ગામે એ.૫-૦૦ ગુંઠા સને ૧૯૯૧ થી ૧૫ વર્ષના ભાડા૫ટે ફળઝાડના હેતુ માટે ડો.એલ.કે.ચાવડાને ફાળવવામાં આવેલ હતી. ત્યારબાદ આ ભાડા૫ટાની મુદત પુર્ણ થતાં આ જમીન સરકારશ્રીને પરત કરવામાં આવી છે.આ જમીનને પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્ર તરીકે વિકસાવવા કલેકટરશ્રી, રાજકોટના અધ્યક્ષસ્થાને મહેસુલ, ફોરેસ્ટ, બાગાયત તથા માર્ગ અને મકાન ખાતાઓની એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કેન્દ્ર નેશનલ હાઈવેથી ૫૦૦ મીટરના અંતરે આવેલ છે. આ સાથે જમીનની આજુબાજુમા આવેલ અંદાજીત એ.૧.૦ ગુંઠા સરકારી જમીન ભેળવી રૂ. ૫૦ લાખના ખર્ચે આ કેન્દ્ર વિકસાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કેન્દ્રને માલિયાસણ નેચર એજ્યુકેશન કેમ્પ(MaNEC) માણેક નામ આપવામાં આવ્યું છે.

આ જમીન પર આંબા, ખારેક, નાળીયેરી, જામફળ, લીંબુ, ચીંકુ, પપૈયા, દાડમ, સીતાફળ, ગુંદા, સફેદ જાંબુ, રાયણ, સરગવો વગેરે સહિત કુલ ૬૦ પ્રકારના અંદાજીત ૧૨૦૦ જેટલા ફળઝાડોનો ઉછેર કરવામાં આવ્યો છે. તેને નજીક આવેલ એક તળાવ તથા ચેકડેમની મદદથી આ જમીનની પીયત કરવામાં આવશે. વધુમાં આ બાગમાં ટપક સિંચાઈ પધ્ધતિથી બાગમાં રહેલ તમામ વૃક્ષોને પાણી આપી ઉછેરવામાં આવશે. આ માટે જરૂરી સીકયુરીટી ગાર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્ર શરૂ થતા રાજકોટ જિલ્લાના ગ્રીન કવરમાં પણ વધારો થશે તેમજ બાળકો અને સર્વે નગરજનો ને પ્રકૃતિને વધુ નજીકથી સમજવાની તેમજ માણવાની તક મળશે.

Back to top button
error: Content is protected !!