Rajkot: મેદસ્વિતા મુક્ત ગુજરાત, સ્વસ્થ ગુજરાત” રાજકોટ જિલ્લાની વિવિધ શાળાઓમાં કારકિર્દી માર્ગદર્શનની સાથે “સ્વાસ્થ્ય જ સંપત્તિ” વિશે માહિતી અપાઈ

તા.૯/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન: રિધ્ધિ ત્રિવેદી
Rajkot: કહેવાય છે કે, “પહેલું સુખ તે જાતે નર્યા” તંદુરસ્તી એ સુખી જીવનની ચાવી છે. ત્યારે મેદસ્વિતા પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ આવે અને સ્વસ્થતાનો આ વિચાર અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે હેતુથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સમગ્ર ગુજરાતમાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત” ગુજરાત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેનાં ઉપક્રમે રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. માહિતી કચેરી તથા રોજગાર કચેરી દ્વારા વિવિધ શાળાઓમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાતા હોય છે, જેમાં બાળકોને કારકિર્દી અંગેના માર્ગદર્શનની સાથે “મેદસ્વિતામુક્ત ગુજરાત” વિષય પર પણ માહિતી આપવામાં આવી હતી. ગત મહિનામાં ઉપલેટા, જેતપુર, હડાળા તથા સણોસરા સહિતની શાળાઓમાં આશરે ૯૫૦ વિદ્યાર્થીઓને “સ્વાસ્થ્ય જ સંપત્તિ”ની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
હાલના સમયમાં જીવનશૈલીના બદલાવના લીધે થતાં નુકસાનો, આધુનિક ઉપકરણો જેમકે, ટીવી અને મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ, શારીરિક કસરત કરાવતી મેદાની રમતોનો અભાવ, જંક ફૂડ, નિદ્રાનો ઓછો સમયગાળો સહિતના કારણોનાં લીધે વિશ્વમાં મેદસ્વિતા ધરાવતા અને સરેરાશ વજન કરતા વધારે વજન ધરાવતા લોકોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
મેદસ્વિતાએ માત્ર શરીરની ચરબી વધવાની સમસ્યા નથી. પરંતુ તે હૃદયરોગ, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, ઘૂંટણ દર્દ, કમર દર્દ, કેન્સર અને અન્ય ગંભીર રોગોનું મુખ્ય કારણ બની શકે છે. આધુનિક જીવનશૈલી, અસંતુલિત આહાર અને શારીરિક સક્રિયતાના અભાવના કારણે આજની પેઢી મેદસ્વિતા તરફ ધકેલાય છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં “મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને કરેલા આહવાનનાં અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા સ્વસ્થ ગુજરાત “મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.





