Rajkot: મેદસ્વિતા મુક્ત રાજકોટ, મેદસ્વિતા મુક્ત ગુજરાત યોગથી ૧૫ કિલો વજન ઉતારી શરીર અને બીમારીઓનો ભાર હળવો કરતા દીપ્તિબેન ધોળકિયા
તા.૪/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન – જીતેન્દ્ર નિમાવત
કસરત કરવાથી આખો દિવસ મન પ્રફુલ્લિત અને શરીર સ્ફૂર્તિમય રહે છે: સંજયભાઈ ઓંધિયા
Rajkot: કોઈપણ દેશને વિકસિત બનાવવા તે દેશના નાગરિકો શિક્ષિત, વિચારશીલ, વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા, ક્રિએટિવ, સાહસિક અને ફીટ હોય તે જરૂરી છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારત દેશને વિકસિત દેશ બનાવવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને આગળ ધપાવવા તથા વિકસિત ભારતની આગેવાની ગુજરાત રાજ્ય કરે તે માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ત્યારે ગુજરાત રાજ્યના બાળકો, યુવાનો સહિત તમામ નાગરિકો મેદસ્વિતા મુક્ત અને ફીટ રહે તે માટે “મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનમાં રાજકોટ જિલ્લો સહભાગી બની રહ્યો છે.
રાજકોટમાં રહેતા ૫૩ વર્ષીય દીપ્તિબેન ધોળકિયાએ યોગ અને એક્સરસાઇઝ દ્વારા ચાર મહિનામાં ૧૫ કિલો વજન ઉતારી શરીર અને બીમારીઓનો ભાર હળવો કર્યો છે. ડાયાબિટીસ, બ્લડપ્રેશર, એન્ઝાઈટીસ ઓર્ડર તથા ડિપ્રેશન જેવી બીમારીઓમાં રાહત મેળવનારા દિપ્તીબહેન કહે છે કે, નિયમિત યોગ અને એક્સરસાઇઝથી મારી જીવનશૈલી બદલાઇ છે. અગાઉ મારું વજન ૯૨ કિલો હતું જે હવે ૭૭ કિલો છે. ફિટનેસ સેન્ટર જોઈન કર્યા પછી વજન ઓછું થવાની સાથે મારામાં આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વનો વિકાસ થયો છે. ત્યારે રાજ્ય સરકાર ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન ચલાવે છે તે જાણીને ખૂબ જ આનંદ થયો છે. આજની યુવા પેઢી હેલ્થ પ્રત્યે જાગૃત બને તે ખૂબ જ જરૂરી છે. નાગરિકોએ (ખાસ કરીને) યુવાનોએ ફક્ત ભૌતિક સાધનો પાછળ ન ભાગવું જોઈએ, કેમ કે, વેલ્થની જેમ હેલ્થ પણ ખૂબ જ જરૂરી છે.
૫૮ વર્ષીય સંજયભાઈ ઓંધિયા ફિટનેસ સેન્ટરમાં યોગ અને એક્સરસાઇઝ માટે નિયમિત જાય છે. સંજયભાઈ એ કહ્યું કે, મેદસ્વિતા મુક્ત અભિયાનને હું આવકારું છું. મોટી ઉંમરે હું હેલ્થ પ્રત્યે જાગૃત થયો છું, ત્યારે યુવાનોને ખાસ અપીલ કરું છું કે તમે હેલ્થ પ્રત્યે જાગૃત બનો અને ફાસ્ટફૂટનું પ્રમાણ ઓછું કરો. યોગ અને એક્સરસાઇઝથી આખો દિવસ મન પ્રફુલ્લિત અને શરીર સ્ફૂર્તિમય રહે છે જેનો અનુભવ નોકરીના સ્થળે અને ઘરે જોવા મળે છે.
આમ, રાજ્ય સરકાર દ્વારા આયોજિત “મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાનમાં નાગરિકો સહભાગી થઈને વિકસિત ગુજરાત વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધ થઈ રહ્યા છે.