Rajkot: રાજકોટ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
તા.૧૯/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
જિલ્લામાં વાજબી ભાવની નવી પાંચ દુકાનો ખોલવા મંજૂરી અપાઈ
‘વન નેશન વન રેશનકાર્ડ યોજના’નો વધુમાં વધુ લોકો સુધી લાભ પહોંચાડવા આયોજન હાથ ધરાયું
Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને સલાહકાર સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં પૂરવઠા કચેરી સંબંધિત વિવિધ પ્રશ્નોની ચર્ચા કરીને, કલેક્ટરશ્રી દ્વારા તેના નિરાકરણની સૂચનાઓ આપવામાં આવી હતી.
આ બેઠકમાં રાજકોટ જિલ્લામાં વાજબી ભાવની દુકાન ધારકોના રાજીનામાના પગલે, વિવિધ તાલુકામાં વાજબી ભાવની નવી દુકાનો ખોલવા અંગેનો એજન્ડા રજૂ થયો હતો. જેમાં નવી પાંચ દુકાનો ખોલવા માટે બહાલી આપવામાં આવી હતી. જ્યારે જિલ્લામાં ૨૯ દુકાનો મર્જ કરવાની દરખાસ્ત રજૂ થતાં, તેને મંજૂરી અપાઈ હતી.
“રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા” હેઠળ થતું અનાજ વિતરણ, ‘વન નેશન વન રેશનકાર્ડ યોજના’નો લાભ જરૂરિયાતમંદ લોકોને મહત્તમ કઈ રીતે આપી શકાય તે અંગે વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં સાંસદ શ્રી રામભાઈ મોકરિયાએ યોગ્ય સૂચનો કર્યા હતા, જ્યારે ધારાસભ્ય ડૉ. દર્શિતાબહેન શાહે રાજકોટ પશ્ચિમ વિસ્તારમાં એન.એફ.એસ.એ.નો લાભ જરૂરિયાતમંદ લોકોને વધુમાં વધુ આપી શકાય તે હેતુથી વ્યાજબીભાવની દુકાનો વધુ ખોલવા અંગે રજૂઆત કરી હતી. તેમજ પડધરી તાલુકાના ખામટા વિસ્તારમાં વાજબીભાવની એક જ દુકાન હોવાથી, ગરીબ-જરૂરિયાતમંદ લોકોને દૂર સુધી ધક્કા ના ખાવા પડે તે માટે નવી દુકાન ખોલવા રજૂઆત કરાઈ હતી. જેના પર કામગીરી કરવા કલેક્ટરશ્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી.
આ સાથે શાપર પંથકમાં બહારના રાજ્યોમાંથી આવેલા લોકો વધુ સંખ્યામાં રહેતા હોવાથી, ત્યાં ‘વન નેશન વન રેશનકાર્ડ યોજના’નો લાભ વધુને વધુ લોકોને મળી રહે તે માટે આગામી દિવસોમાં કેમ્પ યોજવા વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ તકે જિલ્લા કલેક્ટરશ્રીએ વાજબીભાવની દુકાનોમાં સમયસર નિયમિત રીતે તપાસ કરવા સૂચના આપી હતી.
આ બેઠકમાં ઈન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી વિમલ ચક્રવર્તીએ પુરવઠા કચેરીની કામગીરીની વિગતો રજૂ કરી હતી. બેઠકમાં તોલમાપ ખાતું, ફૂડ એન્ડ ડ્રગ ખાતા સહિતના અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.