Rajkot: વિંછીયા તાલુકાના ગોરૈયા ગામમાં રૂ. ૨૭.૨૮ લાખના ખર્ચે બનનારા પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરતા મંત્રીશ્રી
તા.૯/૧૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
વિચરતી-વિમુક્ત જાતિના ૬ પરિવારોને વિનામૂલ્યે પ્લોટની સનદનું વિતરણ કરાયું
Rajkot: ગુજરાત સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ગોરૈયા ગામ ખાતે રૂ. ૨૭.૨૮ લાખના ખર્ચે નિર્માણ પામનારા પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કર્યું હતું.
મંત્રીશ્રી બાવળીયાએ નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર જન-આરોગ્ય અર્થે સતત ચિંતિત છે. વિંછીયા તાલુકાના છેવાડાના ગામ ગોરૈયામાં આરોગ્ય કેન્દ્ર ટુંક સમયમાં બની જશે. આથી, ગામલોકોને ઘર આંગણે પ્રાથમિક સારવાર મળતાં દૂર સુધી જવું નહીં પડે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ સૂત્ર સાકાર થવા જઈ રહ્યું છે, જે ખુશીની વાત છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આ પ્રસંગે વિચરતી-વિમુક્ત જાતિને પ્લોટની ફાળવણી થતાં ઘરના ઘરનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. સરકાર મકાનના બાંધકામ માટે પણ સહાય આપે છે. આ ગામમાં પાણી માટે પાઇપલાઈન, વીજ જોડાણ, શિક્ષણને લગતા પ્રશ્નોનો પણ તાત્કાલિક ઉકેલ લાવવા સરકાર પ્રતિબદ્ધ છે. એટલું જ નહીં, જસદણ-વિંછીયા પંથકના અંતરિયાળ ગામોના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રયાસશીલ છે.
આ કાર્યક્રમનો આરંભ દીપ પ્રાગટ્યથી કરાયો હતો. ત્યારબાદ મંચસ્થ મહાનુભવોનું અભિવાદન પુષ્પગુચ્છથી કરાયું હતું. આ તકે મહાનુભવોના હસ્તે વિચરતી-વિમુક્ત જાતિના ૬ પરિવારોને રહેણાંક હેતુસર વિનામૂલ્યે ૧૦૦ ચો. વાર પ્લોટની ફાળવણી કરીને સનદ વિતરણ કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે આ આરોગ્ય કેન્દ્ર ખાતે હોસ્પિટલ વિભાગમાં લેબર રૂમ, વેઇટિંગ એરિયા, એકઝામિન રૂમ તેમજ રહેઠાણ વિભાગમાં લિવિંગ-બેડ રૂમની સુવિધા ઉપલબ્ધ કરાશે. જેમાં લોકોને હેલ્થ એન્ડ વેલનેસ ક્લિનિક, મમતા ક્લિનિક, લેબોરેટરી ટેસ્ટ સાથે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, તાવ, ઝાડા, ઉલ્ટી જેવા સામાન્ય રોગોની પ્રાથમિક સારવાર મળી રહેશે.
આ કાર્યક્રમનું સંચાલન તાલુકા હેલ્થ સુપરવાઈઝરશ્રી નટુભાઈ ગામેતાએ કર્યું હતું. તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો. રાજાભાઈ ખાંભલાએ સ્વાગત પ્રવચન અને અગ્રણીશ્રીઓ અશ્વિનભાઈ સાંકળિયા અને નાથાભાઈ વાછાણીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. ડો. સેતુભાઈ ઝાલાવાડિયાએ આભારવિધિ કરી હતી. કાર્યક્રમમાં નાયબ મામલતદારશ્રી ડી. જે. આચાર્ય, એક્ઝીક્યુટીવ એન્જીનીયરશ્રી શિશાંગભાઈ દવે સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
વિંછીયા તાલુકાનું આરોગ્ય માળખું
વિંછીયા તાલુકાના કુલ ૪૭ ગામો માટે ૧ સામુહિક આરોગ્ય કેન્દ્ર, ૬ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (અમરાપુર, ભડલી, છાસિયા, દેવધરી, મોઢુકા, પીપરડી) અને ૩૭ પેટા આરોગ્ય કેન્દ્ર મળીને કુલ ૪૪ આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અમરાપુર ખાતે ૩ બેડનું ૧ ડાયાલીસીસ સેન્ટર કાર્યરત છે. વિંછીયા તાલુકા ખાતે બે ૧૦૮ એમ્બ્યુલન્સની સેવાઓ ઉપલબ્ધ છે. તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર, વિંછીયા ખાતે ૨ એમ્બ્યુલન્સ પૈકી ૧ એમ્બ્યુલન્સ આઇ.સી.યુ.ની સુવિધા ધરાવે છે. તાલુકામાં કુલ ૩૬ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, ફીમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, મેડીકલ ઓફિસરનો સ્ટાફ ઉપલબ્ધ છે. વિંછીયા તાલુકામાં હાલ કુલ ૩૭ પેટા આરોગ્ય કેન્દ્રો પૈકી ૨૬ પેટા આરોગ્ય કેન્દ્રોના નવા ભવન બની ગયા છે, ૬ આરોગ્ય કેન્દ્રો (ગોરૈયા, વિંછીયા-૩, વિંછીયા-૪, ભડલી-૨, સરતાનપર, લાલવદર)ને નવા ભવન મળી રહે તે માટે હાલ કામગીરી પ્રગતિ હેઠળ છે.