Rajkot: રાજકોટ શહેરમાં “સ્વચ્છોત્સવ”નો શુભારંભ કરાવતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા
તા.૧૭/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
“સ્વચ્છોત્સવ” અંતર્ગત જ્યુબિલી ગાર્ડનની આસપાસ શ્રમદાન અને સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ: પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરાઈ
Rajkot: સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે ‘સ્વચ્છ ભારત મિશન’ની ૧૧ મી વર્ષગાંઠ નિમિત્તે ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ અંતર્ગત તા.૩૧ મી ઓક્ટોબર,૨૦૨૫ સુધી “સ્વચ્છોત્સવ”નો શુભારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જ્યુબિલી ગાર્ડનની આસપાસ શ્રમદાન અને સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શ્રમદાન ઝુંબેશ પહેલા મહાનુભાવો દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૩૧/૧૦/૨૦૨૫ સુધી “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫”-“સ્વચ્છોત્સવ” અંતર્ગત પબ્લિક ટ્રાન્સપોર્ટ, ધાર્મિક અને પ્રવાસન સ્થળ, નદી તળાવ, સર્કલ, પ્રતિમાઓ, ખુલ્લા પ્લોટ, શહેરના એન્ટ્રી પોઈન્ટ, ફૂટપાથ, માર્કેટ અને વાણિજ્ય વિસ્તારની સફાઈ અર્થે ઝુંબેશ ચલાવવામાં આવશે. તેમજ જનજાગૃતિ અર્થે સાંસ્કૃતિક ઉત્સવ, સ્વચ્છતા રેલી, યોગ શિબિર, સ્વચ્છ વોર્ડ સ્પર્ધા, શૈક્ષણિક સંસ્થાની ભાગીદારી, સાઇક્લોથોન, સ્વચ્છતા શપથ, ભીંતચિત્રો બનાવવા, સેલ્ફી પોઈન્ટ ઇન્સ્ટોલેશન અને માનવ શૃંખલા, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર, “એક પેડ માં કે નામ” વૃક્ષારોપણ, સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ, શેરી નાટક, રીડ્યુસ-રિયુઝ-રીસાઈકલના સિધ્ધાંતને આગળ વધારવા માટે કેમ્પ, સ્વચ્છતા સંવાદ, વેસ્ટ ટુ આર્ટ ફેસ્ટ વગેરે કાર્યકમો હાથ ધરવામાં આવનાર છે.
આ પ્રસંગે મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્ય શ્રી ડૉ.દર્શિતાબેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા, રાજકોટ શહેર મહામંત્રી શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા, ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા, શાસક પક્ષ દંડક શ્રી મનિષભાઈ રાડીયા, નાયબ કમિશનર શ્રી સી.કે.નંદાણી સહિત સ્થાનિક આગેવાનો તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.