Rajkot: રૂ. ૩૨ કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનારા પોલીસ સ્ટેશનો અને રહેણાંક આવાસોનું ભૂમિપૂજન કરતાં મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ

તા.૭/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
પ્રજા અને પ્રદેશની સુરક્ષા માટે સદાય ખડેપગે રહેતા પોલીસ જવાનોને સુવિધાસભર આવાસ મળતાં, તેઓ પરિવાર સાથે આનંદથી સમય વીતાવી શકશે : મંત્રીશ્રી
Rajkot: રાજ્ય કક્ષાના પોલીસ હાઉસિંગ મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે રાજકોટ જિલ્લામાં રૂ. ૩૨૦૦.૫૧ લાખના ખર્ચે નિર્માણ પામનારા પોલીસ સ્ટેશનો અને રહેણાંક આવાસોનું ભૂમિપૂજન તથા તક્તીનું અનાવરણ કર્યું હતું.
નાણાં, પોલીસ હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી અને આબકારી વિભાગના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન મુજબ ગુજરાત પોલીસ આવાસ નિગમ પોલીસ કચેરીઓ અને આવાસોના બાંધકામ સમયસર પૂર્ણ કરવા સતત પ્રયાસશીલ છે. પ્રજા અને પ્રદેશની સુરક્ષા માટે સદાય ખડેપગે રહેતા પોલીસ જવાનોને સુવિધાસભર આવાસ મળતાં, તેઓ પરિવાર સાથે આનંદથી સમય વીતાવી શકશે. શાપરમાં અદ્યતન પોલીસ સ્ટેશન બનવાથી સ્થાનિકો અને ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકોને લાભ થશે. તેમજ પોલીસ અને પ્રજાની મિત્રતા ગહન બનશે.
શાપર-વેરાવળ પોલીસ સ્ટેશન નજીક આયોજિત આ કાર્યક્રમમાં મહાનુભાવોનું પુષ્પગુચ્છથી અભિવાદન કરાયું હતું. પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ ઔદ્યોગિક વિસ્તારમાં અદ્યતન પોલીસ સ્ટેશનો અને પોલીસ આવાસોની સુવિધા આપવા બદલ મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીનો આભાર માન્યો હતો. ધારાસભ્યશ્રી ભાનુબેન બાબરીયાએ પોલીસ સ્ટાફ ફરજ નિભાવીને ઘરે પરત ફરે, ત્યારે પોતાના આવાસમાં હાશકારો અનુભવશે, તેમ જણાવ્યું હતું. તેમજ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જરે આભારવિધિ કરી હતી.
ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર પોલીસ મુખ્ય મથક ખાતે રૂ. ૧૫૬૩.૪૯ લાખના ખર્ચે બાંધકામ અને રૂ. ૫૫૩.૫૩ લાખના ખર્ચે આવાસોનું બાંધકામ થશે. તેમજ હીરાસર ગામ ખાતે રૂ. ૫૩૮.૩૬ લાખના ખર્ચે અર્બન પોલીસ સ્ટેશન તથા રૂ. ૫૪૫.૧૩ લાખના ખર્ચે સેમી પોલીસ સ્ટેશન નિર્માણ પામશે. આ તકે ડી.સી.પી. શ્રી રાકેશભાઈ દેસાઈ અને શ્રી હરપાલસિંહ જાડેજા, પી.આઇ.શ્રી આર. બી. રાણા સહિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં









