Rajkot: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે આટકોટ ખાતે રૂ ૮૧ લાખના ખર્ચે નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિરના નવા બીલ્ડીંગનું લોકાર્પણ

તા.૧૪/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આટકોટ ખાતે ૨૦ બેડની આયુષ હોસ્પિટલ તથા રાજકોટ-આટકોટ રોડ રૂ. ૧૪૦ કરોડના ખર્ચે રી-કાર્પેટિંગ કરાશે
મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા
Rajkot: કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને જસદણ તાલુકાના આટકોટ ખાતે રૂ ૮૧ લાખના ખર્ચે નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – આટકોટના નવા બીલ્ડીંગનું રિબિન કાપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, દેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ દેશના અને રાજ્યના તમામ નાગરિકોની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ છે. શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન મિશન યોજના અંતર્ગત આ આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના પગલે આજે જસદણ અને વીંછીયા તાલુકાના તમામ ગામોમાં પેટા આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, અને સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. ટુંક સમયમાં આટકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પરિસરમાં ૨૦ બેડની આયુષ હોસ્પિટલની કામગીરી પણ શરૂ કરવામાં આવશે. જિલ્લામાં આરોગ્યની સાથે સાથે શિક્ષણની સુવિધા મેળવવામાં જસદણ અને વીંછીયા તાલુકાઓ અગ્રેસર છે. ટૂંક સમયમાં જ રાજકોટ-આટકોટ રોડ રૂ. ૧૪૦ કરોડના ખર્ચે રી-કાર્પેટિંગ કરવામાં આવશે.
અત્રે ઉલેખનીય છે કે, આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે પી.એચ.સી.ના મુખ્ય બિલ્ડીંગમાં મેડીકલ ઓફિસર રૂમ, આયુષ મેડીકલ ઓફિસર રૂમ, લેબોરેટરી, મમતા કલીનીક રૂમ, ઇન્ડોર પુરુષ તથા સ્ત્રી વોર્ડ, કોલ્ડચેન રૂમ (વેક્સીન રૂમ), ડીલેવરી રૂમ, ડ્રેસિંગ રૂમ, સ્ટોર રૂમ, દવાબારી, કેસ બારી અને વેઈટીંગ લોજ,પોસ્ટ માર્ટમ રૂમ, કમ્પાઉન્ડ વોલ દરવાજા સાથે મુખ્ય બિલ્ડીંગ ગેઇટ પાસે પેવર બ્લોક,અન્ડર ગ્રાઉન્ડ વોટર ટેન્ક તથા સેપ્ટીક ટેન્ક, તબીબી અધિકારીશ્રી (એમ.બી.બી.એસ.) અને આયુષ મેડીકલ ઓફિસરશ્રી દ્વારા રોગોનું નિદાન અને સારવાર, લેબોરેટરી તપાસ : પહેલા ૧૭ પ્રકારના રોગોનું નિદાન હવે ૬૩ પ્રકારના આધુનિક નિદાનની સુવિધા, ઓ.પી.ડી. ની સાથે સાથે ૬ બેડ (સ્ત્રી-પુરુષ વોર્ડ) સાથે ઇન્ડોર સારવારની સુવિધા, સગર્ભા સ્ત્રીઓ માટે પ્રસુતિ (ડીલેવરી) ની સુવિધા, ૩૦ વર્ષથી ઉપરના તમામ નાગરિકોનું ડાયાબિટીસ, હાયપરટેન્શન (બી.પી.), કેન્સર અનેમિયા અને માનસિક રોગોનું સ્થળ પર નિદાન અને સારવાર, સગર્ભા માતાઓ અને નવજાત બાળકો માટે રસીકરણ (વેક્સિનેશન) ની સુવિધા, ઈમરજન્સીમાં ડ્રેસિંગ અને મેડીકોલીગલ કેસોનું પોસ્ટ મોર્ટમની સુવિધા, આયુષ્માન કાર્ડ તથા આભા કાર્ડ બનાવી/ કાઢી આપવાની સુવિધાઓ, આ સિવાય ગ્રામ વિસ્તારોમાં રોગચાળો, મેલેરિયા ડેન્ગ્યુ, ચિકનગુનિયા રોગો માટે સર્વેલન્સ, નિદાન અને સારવારની સુવિધા નાગરિકોને ઘરઆંગણે મળશે.
આ પ્રસંગે ડિસ્ટ્રીકટ મેડિકલ ઓફિસર ડો. પી કે સિંગ, મેડિકલ ઓફિસર ડો. સી.કે. રામ. ડોક્ટર સંસ્કૃતિ કોટક, અગ્રણી શ્રી અંકિતભાઈ રામાણી, શ્રી કમલેશભાઈ ખોખરીયા, શ્રી ભાવેશ વેકરીયા, શ્રી મનસુખ જાદવ, ડોક્ટરો અને ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.





