Rajkot: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે વિંછીયામાં ભૂગર્ભ ગટર, સી.સી. રોડ અને પેવર બ્લોકના રૂ. ૫.૧૦ કરોડના વિકાસકામોનું લોકાર્પણ

તા.૩/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
રોડ તથા સુએજના કામોનો લાભ ગ્રામજનોને મળશે: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા
Rajkot: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે વિંછીયામાં ભૂગર્ભ ગટર, સી.સી. રોડ તથા પેવર બ્લોકના રૂ. ૫.૧૦ કરોડના વિકાસકામોનું શુક્રવારે સાંજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે વિંછીયા ગામ ખાતે જનસભાને સંબોધતા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ કહ્યું હતું કે, છેવાડાના લોકો સુધી વિકાસના લાભો તથા સરકારી યોજનાના ફાયદા પહોંચે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે.
આ અવસરે તેમણે જસદણ – વિંછીયા પંથકમાં રોડ-રસ્તા, આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ અને પાણીને લગતા થયેલા કામોની વિગતો પણ આપી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિંછીયા ભૂગર્ભ ગટર ભાગ-૨ યોજના હેઠળ ગામમાં રૂ. ૨.૦૬ કરોડના ખર્ચે સુએજને લગતા વિવિધ કામો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વિવિધ વિસ્તારોમાં રૂ. ૧.૮૨ કરોડના ખર્ચે સી.સી. રોડ તેમજ પેવર બ્લોકની કામગીરી પણ કરવામાં આવી છે. આ વિકાસકામોથી ગ્રામજનોની સુવિધામાં વધારો થશે અને તેમને મોટો લાભ મળશે.
આ કાર્યક્રમમાં અગ્રણી શ્રી અશ્વિનભાઈ સાંકળીયા, અન્ય મહાનુભાવો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




