Rajkot: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણમાં થઈ રહેલા વિવિધ લોકકલ્યાણના કાર્યોની મુલાકાત લીધી

તા.૬/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
જસદણ-વિંછીયા તાલુકા સંકલનની બેઠકમાં ઉપસ્થિત રહી મંત્રીશ્રીએ નાગરીકોની સુખાકારીનો ખ્યાલ રાખવા અધિકારીશ્રીઓને સૂચના આપી
Rajkot: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણમાં થઈ રહેલા વિવિધ લોકકલ્યાણના કાર્યોની મુલાકાત લીધી હતી.
મંત્રીશ્રીએ આ મુલાકાત અંતર્ગત લાતીપ્લોટ કાળીયો પુલ, રિવરફ્રન્ટ, વોર્ડ નંબર-૬ વડલાવાડી, ગંગાભુવન સહિતના વિસ્તાર, નગરપાલિકા કચેરી પાછળનો વિસ્તાર, જીલેશ્વર પાર્ક પાસેનો વિસ્તાર વિંછીયા રોડ, શિવનગર સોસાયટીની મુલાકાત લઈને ત્યાં થયેલી કામગીરીનું મૂલ્યાંકન કર્યું હતું તેમજ કામ ઝડપી અને સમયસર થાય તે માટે અધિકારીઓને સુચન કર્યું હતું.
ત્યારબાદ મંત્રીશ્રી તાલુકા સેવા સદન જસદણ ખાતે તાલુકા સંકલન મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વિંછીયા-જસદણ તાલુકામાં ગામતળ નીમ કરવા અંગે, નીમ થયા બાદ માપણી અંગે, માપણી-લે-આઉટ પ્લાન અંગે, જસદણ-વિંછીયા તાલુકામાં લાભાર્થીઓને ૧૦૦ ચો.વાર પ્લોટ આપવા અંગે, વૃદ્ધ- ગંગાસ્વરૂપા, નિરાધાર તથા દિવ્યાંગોને સહાય ચુકવવા અંગે, છેલ્લા ૨ વર્ષમાં વિચરતી વિમુકત જાતિના ઘર વિહોણા લોકોને પ્લોટ આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથોસાથ ભાડલા-દહીંસરા-કમળાપુર રસ્તાઓના રીપેરીંગ અંગે, વિંછીયા તાલુકાના ગોરૈયા, સમઢીયાળા, નાના માત્રા પીજીવીસીએલ પાવર ફોલ્ટ રીપેર કરવા સહિતના પ્રશ્નોના વહેલી તકે ઉકેલ લાવવા માટે મંત્રીશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓને સુચના આપી હતી.
આ તકે પ્રાંત અધિકારી શ્રી આર.આર.ખાંભરા, જસદણ મામલતદાર શ્રી આઈ.જી.ઝાલા, વિંછીયા મામલતદાર શ્રી ઉત્તમ કાનાણી, તાલુકા વિકાસ અધિકારી શ્રી પી.જી.પરમાર, જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી મેહુલ જોધપુરા સહિત તમામ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.










