Rajkot: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં અમરાપુર ખાતે “વૈજ્ઞાનિક જ્ઞાનવર્ધક સંવાદ અને અંતરિક્ષ પ્રદર્શન” કાર્યક્રમ યોજાયો

તા.૮/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓએ અવકાશીય ક્ષેત્રના વિવિધ જીવંત મોડલ નિહાળી રોમાંચ અનુભવ્યો
Rajkot: જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં વિંછીયા તાલુકાના અમરાપુર ખાતે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ઉજવણીના ભાગરૂપે “વૈજ્ઞાનિક જ્ઞાનવર્ધક સંવાદ અને અંતરિક્ષ પ્રદર્શન” કાર્યક્રમ યોજાયો હતો. અમરાપુર શૈક્ષણિક સંકુલ અને અંતરિયાળ વિસ્તારની શાળાઓ તથા કોલેજના વિદ્યાર્થીઓ અવકાશ ક્ષેત્રે વિજ્ઞાનની સિદ્ધિઓનું નિદર્શન માણી પ્રભાવિત થયા હતા. વિવિધ સેટેલાઇટ, તેનું અવકાશીય સ્થાન અને કાર્યપ્રણાલીના જીવંત મોડલને નિહાળીને વિદ્યાર્થીઓએ રોમાંચ અનુભવ્યો હતો.
આ કાર્યક્રમમાં ઈસરોના વૈજ્ઞાનિકો શ્રી નિલેશભાઈ મકવાણા, શ્રી ધ્રુવિતભાઈ ચનિયારા અને શ્રી મીનલબેન રોહિતે પોતાની કારકિર્દી ઘડતર માટે કેળવેલા શિસ્ત, નિયમિતતા, અથાગ મહેનત, સંઘર્ષ સહિતની બાબતોના ઉદાહરણ આપ્યા હતા. ઉપરાંત, તેઓએ ચંદ્રયાન – ૨, મંગળ મિશન, નિસાર, પૃથ્વી પર ભૌગોલિક ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં રિયલ ટાઈમ તબીબી સારવારમાં ઉપયોગી ટેકનોલોજી સહિતના વિવિધ પ્રોજેક્ટ્સમાં કરેલા કાર્યો અંગે વિદ્યાર્થીઓને વિગતવાર માહિતી આપી હતી.
મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, જસદણ તથા વિંછીયા તાલુકાના વિદ્યાર્થીઓ વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધે તે માટે “વૈજ્ઞાનિક જ્ઞાનવર્ધક સંવાદ અને અંતરિક્ષ પ્રદર્શન” કાર્યક્રમ આવશ્યક છે. તેઓએ જણાવ્યું હતું કે, પેઝરના ઉપયોગથી લઈને હાલના મોબાઈલ ફોનમાં તમામ સુવિધાઓમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસની યાત્રાના આપણે સાક્ષી બન્યા છીએ, તેમજ વિદ્યાર્થીઓએ અભ્યાસ ઉપરાંત ઈતર પ્રવૃતિઓ સાથે પોતાના રસના વિષયોમાં આગળ વધવું જોઈએ. વિદ્યાર્થીઓ જો સખત મહેનત અને નિષ્ઠાથી પોતાની કારકિર્દી માટે કામ કરે તો તેમને સફળ થતાં કોઈ રોકી શકતું નથી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ સ્પેસ સંબંધિત વિવિધ સેટેલાઇટના મોડલ, અવકાશીય ક્ષેત્રે માહિતી આપતા પોસ્ટર્સ અને કૃતિઓના માધ્યમથી વિદ્યાર્થીઓને ઉપયોગી થશે.
આ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોએ દીપ પ્રાગટ્યથી કરી હતી. શાબ્દિક સ્વાગત શ્રી સંજયભાઈ ધોળકિયાએ કર્યું હતું. ત્યારબાદ ઇસરોના વૈજ્ઞાનિકશ્રીઓએ મંત્રીશ્રીને નિસાર સેટેલાઇટની પ્રતિકૃતિ ભેટ સ્વરૂપે આપી હતી. મંત્રીશ્રીએ જી.એસ.એલ.વી., એ.એસ.એલ.વી., પી.એસ.એલ.વી.,નિસાર, રોકેટ, ગગન યાન અને ડો. વિક્રમ સારાભાઈએ ઈસરો સંસ્થાની સ્થાપના સહિતના કાર્યોનું વર્ણન કરતા પોસ્ટર્સ, રોકેટ, સેટેલાઇટ, લેન્ડર, યાન સહિતની કૃતિઓનું પ્રદર્શન નિહાળ્યું હતું. ઉપરાંત, મંત્રીશ્રીએ માહિતી અને પ્રસારણ વિભાગની વોટ્સએપ ચેનલનું અને ગુજરાત@૭૫ અન્વયે લોગો મેકિંગ કોમ્પિટિશનમાં ગુજરાતનો લોગો બનાવવા અંગે ઉપસ્થિત સર્વેને માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં સંકુલના સંચાલક શ્રી અને આચાર્યશ્રી ભાવનાબેન બાવળિયા, અગ્રણીઓ શ્રી ભાવેશભાઈ વેકરિયા અને શ્રી વિપુલભાઈ ઘવા, વિવિધ સંકુલ અને શાળાના પ્રતિનિધિશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ તથા ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક એક્ઝિબિશનને સફળ બનાવવા ઇસરોનો સહયોગી સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.








