Rajkot: મંત્રી શ્રી કુવરજીભાઇ બાવળીયાના હસ્તે વિંછીયા તાલુકાના રૂપાવટી ગામે રૂ. ૧ કરોડ, ૧૭ લાખથી વધુના ખર્ચે નવા ચેકડેમ ખાતમુહૂર્ત કરાયું

તા.૧૫/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
સૌની યોજના થકી જસદણ-વિંછીયા તાલુકાઓ નવપલ્લવિત થઈ રહ્યા છે – મંત્રીશ્રી બાવળિયા
Rajkot: રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના રૂપાવટી ગામે પાણી પુરવઠા, જળ સંસાધન બાબતોના મંત્રીશ્રી કુવરજીભાઇ બાવળીયાના હસ્તે ગોમા નદી ઉપર રૂ. એક કરોડ, સત્તર લાખ, તેર હજારના ખર્ચે ખેડૂતોને ખેતરમાં અવર-જવર કરવા નવો ચેકડેમ કમ કોઝવે બનાવવા કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
રૂપાવટી ગામમાંથી પસાર થતી ગોમા નદી ઉપર આશરે ૬૫ મી. લંબાઇમાં કોંક્રીટનો ચેકડેમ કમ કોઝવે બાંધવાથી કુલ કેચમેન્ટ એરીયા ૯૩.૦૦ ચો.કિમી. જેટલો રહેશે તથા ઉપરવાસમાં આશરે ૪૦૦ મીટર જેટલો પાણીનો ભરાવો થવાથી ૬૦ લાખ લીટર પાણીનો સંગ્રહ થશે. સિંચાઈના લાભ સાથે રૂપાવટી ગામના લોકો માટે અવર-જવર કરવા ચેકડેમની સાથે કોઝવેનો લાભ મળશે અને વધુમાં ગામની આશરે ૩૦ હેક્ટર ખેતીલાયક જમીનને સિંચાઇનો પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ મળી શકશે. આ ઉપરાંત, કુવાઓ ચાર્જ થશે અને જમીનમાં પાણીના તળ ઉંચા આવશે.
આ પ્રસંગે મંત્રીશ્રી બાવળીયાએ કહ્યું હતું કે, રૂપાવટી ગામ ખાતે ચેકડેમ-કમ-કોઝવે બનવાથી કોટડાથી સીધો રૂપાવટી ગામનો રોડ એક સરખો થઈ જશે અને ખોડીયાર મંદિર સુધી તેને લંબાવવામાં આવશે. ભડલી – સરતાનપરના સરોવરોમાં સૌની યોજનાનું પાણી આવ્યું છે. ગત વર્ષે આખા વિસ્તારમાં મશીન થકી ડિપનીંગનું કાર્ય કરવામાં આવ્યું હતું. થોરીયાળીમાં પણ એક ચેક ડેમ મંજૂર કરવામાં આવ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અન્વયે કાર્યરત ‘‘સૌની યોજના’’ થકી જસદણ વિંછીયા તાલુકો નવપલ્લવિત થઈ રહ્યો છે. શિયાળુ પાક સારો રહ્યો વરસાદ પણ સારો રહ્યો જેથી ખેડૂતોની આવક આ વર્ષે બમણી થઈ રહી છે. જસદણ અને વિછીયામાં શિક્ષણની સગવડત અને આરોગ્યની વ્યવસ્થા થઈ રહી છે અને વિછીયામાં આઇ.ટી.આઈ તથા જી.આઇ.ડી.સી.ની સુવિધા ઉપલબ્ધ થતાં આ વિસ્તારના લોકો ઘરઆંગણે જ રોજગારી મેળવી શકશે.
આ તકે રૂપાવટી, પીપળીયા ઉપરાંત નજીકના વિસ્તારના ગામોના સરપંચશ્રીઓ આગેવાનશ્રીઓ તથા મહાનુભાવો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




