Rajkot: ‘મોડેલ સોલાર વિલેજ’ સ્પર્ધા: ૫૦૦૦ થી વધુની વસ્તી ધરવતા ગામોમાં સૌથી વધુ સોલાર રૂફટોપ લગાવો, ને જીતો એક કરોડનું ઇનામ
તા.૮/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ગામડાઓમાં સૌર ઉર્જાને વેગવંતી બનાવવા રાજકોટ જિલ્લાના ૨૭ ગામ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ૧૨ જિલ્લાઓના ૨૪૪ ગામો વચ્ચે પ્રતિસ્પર્ધા
સોલાર રુફટોફ દ્વારા પાંચ હજાર મેગાવોટથી વધુની પ્રોડક્શન ક્ષમતા પ્રાપ્ત કરી ‘ગ્રીન એનર્જી’ ક્ષેત્રે ગુજરાત રાજ્ય ભારતમાં પ્રથમ નંબરે: રાજકુમાર
Rajkot: સમગ્ર વિશ્વ પોલ્યુશન મુક્ત ગ્રીન એનર્જી ક્ષેત્રે આગળ વધી રહ્યું છે, ત્યારે ભારતમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં પી.એમ. સૂર્યઘર યોજના, સોલાર રૂફટોપ સહિતની યોજનાઓ કાર્યરત છે. આ યોજનાના અમલીકરણમાં ગુજરાત રાજ્ય સોલાર રુફટોપ ક્ષેત્રે ભારતમાં પ્રથમ નંબરે છે. રાજ્યએ સોલાર રુફટોપના કારણે પાંચ હજાર મેગાવોટથી વધુની પ્રોડક્શન ક્ષમતા પ્રાપ્ત કરી ગ્રીન એનર્જી ક્ષેત્રે અન્ય પ્રદેશને પણ રાહ ચીંધી છે. કેન્દ્ર સરકાર દ્વારા સોલાર રૂફટોપ શહેરો ઉપરાંત, ગામડે ગામડે પણ આ યોજના લોકભોગ્ય બને, તે માટે પ્રોત્સાહક ‘મોડેલ સોલાર વિલેજ’ સ્પર્ધા અમલી બનાવી છે.
આ સ્પર્ધા અમલીકરણ અંગે રાજકોટ સ્થિત પી.જી.વી.સી.એલ. ની કોર્પોરેટ ઓફિસમાં ફરજ બજાવતા ચીફ એંજિનીયર શ્રી આર.જે. વાળાએ સ્પર્ધા અને જનભાગીદારી વિષે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રીન્યુએબલ એનર્જી વિભાગ દ્વારા પી.એમ. સૂર્ય ઘર યોજનાના ભાગ રૂપે ૫ હજાર કે તેથી વધુ વસ્તી અને રેવન્યુ સરહદ ધરાવતા ગામડાઓમાં સૌર ઉર્જાને વેગવંતી બનાવવા ‘મોડેલ સોલાર વિલેજ’ સ્પર્ધા અમલી બનાવી છે.
આ સ્પર્ધાનો ૧ લી એપ્રિલથી પ્રારંભ થયો છે. આ સ્પર્ધા ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી ચાલશે. ૬ માસ દરમ્યાન વધુને વધુ લોકો સોલાર રૂફટોપ લગાવે, તે માટે દરેક ગામમાં પ્રવૃત્તિ હાથ ધરાશે. દરેક જિલ્લામાં સૌથી વધુ રૂફટોપ લગાવી વધુમાં વધુ સૌર ઉર્જા ઉત્પાદન કરશે, તે વિલેજને રૂ. ૧ કરોડ કેન્દ્ર સરકાર દ્વારા ઇનામ આપવામાં આવશે. આ ક્રાઈટેરિયા મુજબ પી.જી.વી.સી.એલ સર્કલમાં રાજકોટ જિલ્લામાં ૨૭ ગામોની નોંધણી સહિત સૌરાષ્ટ્ર કચ્છના ૧૨ જિલ્લાઓમાં ૨૪૪ ગામો વચ્ચે પ્રતિસ્પર્ધા યોજાશે.
રાજકોટ જિલ્લામાં ૨૭, અમરેલીમાં ૨૧, ભાવનગરમાં ૨૯, બોટાદમાં ૧૪, દેવભૂમિ દ્વારકામાં ૧૬, ગિર સોમનાથમાં ૩૩, જામનગરમાં ૧૩, જૂનાગઢમાં ૨૭, કચ્છમાં ૨૯, મોરબીમાં ૮, પોરબંદરમાં ૭ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૦ ગામો નોંધાયા છે. આ ગામોમાં એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે, જેની આગેવાની ગ્રામપંચાયત દ્વારા લેવામાં આવશે. વધુને વધુ લોકો સોલાર રૂફટોપ લગાવે તે માટે પી.જી વિ.સી.એલ. ની ટીમ દ્વારા આઉટરીચ પ્રોગ્રામ તેમજ ડોર-ટુ-ડોર પ્રચાર-પ્રસારની કામગીરી દ્વારા લોકગગૃતિ ફેલાવવામાં આવશે.
છ માસ પૂર્ણ થયે દરેક જિલ્લામાં જે વિલેજ સૌથી વધુ સોલાર ક્ષમતા ધરાવતો હશે, એ વિલેજને મોડેલ વિલેજ તરીકે સીલેક્ટ કરવામાં આવશે. ત્યાર બાદ એમ.એન.આર.ઈ. ની ગાઈડલાઈન મુજબ ડી.પી.આર. બનાવી સોલાર સંબંધી આગળ કામગીરી કરવામાં આવશે. જેમાં સરકારી કચેરીઓમાં રૂફટોપ લગાવવા, કૃષિ માટે સોલાર પમ્પ, કમ્યુનિટી હોલ માટે સોલાર તેમજ લાઈવલીહુડ સોલાર એક્ટિવિટી માટે આ ફંડ વાપરી શકશે.
આ સ્પર્ધાના સશક્ત અમલીકરણ દ્વારા ગુજરાતમાં માત્ર શહેરો જ નહી, પરંતુ નાના ગામો પણ રૂફટોપ સોલારના માધ્યમથી ગ્રીન એનર્જી ઉત્પાદનમાં અગ્રેસર ભૂમિકા ભજવશે.