GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ઈન્ફેક્શનના કારણે ગંભીર સ્થિતિમાં દાખલ થયેલાં બેથી અઢી વર્ષના ભૂલકાંઓના સ્વાસ્થ્યને સુરક્ષાકવચ પૂરું પાડતી રાજકોટની માતૃત્વ અને બાળ આરોગ્ય હોસ્પિટલ

તા.૧૯/૩/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન – પ્રિયંકા પરમાર

નાના બાળકોના સ્વાસ્થ્ય માટે જોખમ બનતું જંક અને પેકેટ ફૂડ

ઈન્ફેક્શનના કારણે ગંભીર સ્થિતિમાં દાખલ થયેલાં બેથી અઢી વર્ષના ભૂલકાંઓના સ્વાસ્થ્યને સુરક્ષાકવચ પૂરું પાડતી રાજકોટની માતૃત્વ અને બાળ આરોગ્ય હોસ્પિટલ

બાળકોને બાળપણ પરત મળ્યું : આધુનિક પદ્ધતિ “થોરાકોસ્કોપી” દ્વારા ફેફસાં સુધી પહોંચેલા ઈન્ફેક્શનની સારવાર કરીને અવની, અમિત અને પૃથ્વીરાજ ફરીથી હસતાં ખેલતાં થયા

“બાળકોને જંક અને પેકેટ ફૂડને બદલે પોષણયુક્ત આહાર આપો, રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાથી ઈન્ફેક્શન લાગવાની સંભાવનાઓ વધી જાય છે”

ડૉ.જયદીપ ગણાત્રા

Rajkot: રાજકોટની એમ.સી.એચ એટલે કે માતૃત્વ અને બાળ આરોગ્ય હોસ્પિટલમાં ત્રણ નાનકડા ભૂલકાં અવની, અમિત અને પૃથ્વીરાજના સ્વાસ્થ્યની સફળ સારવાર કરવામાં આવી છે. અંદાજે બેથી અઢી વર્ષની ઉંમર ધરાવતા ત્રણેય બાળકોને વારંવાર થતા ઈન્ફેક્શનના કારણે ગંભીર સ્થિતિમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

બાળકોના સ્વાસ્થ્યની ગંભીર સ્થિતિ વિશે વાત કરતા પીડિયાટ્રિક વિભાગના સર્જન ડૉ. જયદીપ ગણાત્રાએ જણાવ્યું હતું કે, ત્રણેય બાળકો ન્યૂમોનિયાની તકલીફ સાથે ગંભીર સ્થિતિમાં દાખલ થયા હતાં. બાળકોની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, શરીરમાં ફેલાતું ઈન્ફેક્શન ફેફસાં સુધી પહોંચી ગયું છે. બાળકોની નાજુક પરિસ્થિતિને ધ્યાને લેતાં તાત્કાલિક આધુનિક પદ્ધતિ “થોરાકોસ્કોપી” દ્વારા બે બાળકોની સારવાર કરવામાં આવી હતી અને છાતીમાં ભરાયેલા રસીને દૂર કરવામાં આવી હતી. અવનીના શરીરમાં ઈન્ફેક્શન વધુ ગંભીર હોવાથી “લોબેક્ટોમિ” જેવી મોટી સર્જરી કરીને ફેફસાનો અસરગ્રસ્ત ભાગ દૂર કરવામાં આવ્યો હતો.

થોરાકોસ્કોપી સારવાર અંગે વિસ્તૃત જાણકારી આપતા ડૉ. ગણાત્રાએ જણાવ્યું હતું કે, થોરાકોસ્કોપી એક આધુનિક સર્જરી પદ્ધતિ છે. જેમાં શરીરમાં મોટો ચીરો કર્યા વગર નાનાં છિદ્ર દ્વારા કેમેરા (સ્કોપ) નાખીને અંદરની સમસ્યાનું નિદાન અને સારવાર કરવામાં આવે છે. આ પદ્ધતિથી સારવાર કરવાથી દુ:ખાવો ઓછો થાય છે અને ઝડપી રિકવરી આવે છે. સારવાર માટે હોસ્પિટલમાં વધુ દિવસ રહેવું પડતું નથી.

બાળકોને જંક અને પેકેટ ફૂડથી દૂર રાખવાની દરેક માતાપિતાને અપીલ કરતાં ડૉ. જયદીપ ગણાત્રાએ ઉમેર્યું હતું કે, પ્રવર્તમાન સમયમાં નાના બાળકોમાં ઈન્ફેક્શન વધવાનું એક મુખ્ય કારણ જંક અને પેકેટ ફૂડ છે. આ પ્રકારના ખોરાકમાં પોષણ ઓછું હોય છે, જેના કારણે બાળકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. આ ત્રણેય બાળકોને સંપૂર્ણ સ્વસ્થ જોઈને તેમના માતા-પિતાએ જંક-પેકેટને બદલે વ્હાલસોયાઓને માત્ર ઘરેલું, તાજો અને પૌષ્ટિક ખોરાક – જેમ કે દાળ, ખીચડી, શાકભાજી, દૂધ અને ફળ આપવાનો શુભ સંકલ્પ કર્યો છે.

પીડિયાટ્રિક સર્જરી વિભાગના ડૉ. ખ્યાતિ જેઠવા અને રેસિડેન્ટ ડૉક્ટરોની ટીમ, ઓપરેશન થિયેટર ઇન્ચાર્જ શ્રી દયાબેન ગજેરા, ઓપરેશન થિયેટર સહાયક શ્રી પૂજા વાડોળિયા, અન્ય સ્ટાફ શ્રી ભાર્ગવ માધક, શ્રી જયદીપ ભુવાના શ્રેષ્ઠ પ્રયાસોને કારણે આજે થોડાક જ સમયમાં ત્રણેય બાળકો સંપૂર્ણ સ્વસ્થ થઈને ફરીથી હસતાં ખેલતાં થઈ ગયાં છે.

ઉલ્લેખનીય છે કે, એમ.સી.એચ હોસ્પિટલનો પીડિયાટ્રિક સર્જરી વિભાગ નવજાત, શિશુઓ અને નાના બાળકોમાં થતી સર્જરી સંબંધિત સમસ્યાઓની સારવાર માટે વિશેષ છે. આ વિભાગમાં જન્મજાત તકલીફો તથા બાળપણમાં થતી સર્જિકલ બીમારીઓનું નિદાન અને ઓપરેશન કરવામાં આવે છે. ભૂલકાઓની અન્નનળી અવરોધ (ઇસોફેજિયલ એટ્રેશિયા), ગુદાદ્વારની ખામી (એનોરેક્ટલ મેલફોર્મેશન), ડાયાફ્રેમ હર્નિયા, આંતરડામાં અવરોધ, હર્નિયા, હાઇડ્રોસિલ, એપેન્ડિસાઇટિસ,ઈજા (ટ્રોમા), નવજાત બાળકો માટે એન.આઈ.સી.યુ (નવજાત તીવ્ર સંભાળ એકમ) સાથે સંકલન કરીને સારવાર આપવામાં આવે છે. જેથી બાળકને સર્જરી પહેલાં અને પછી યોગ્ય દેખરેખ મળી રહે.

Back to top button
error: Content is protected !!