Rajkot: “નારી વંદન ઉત્સવ : બેટી બચાઓ, બેટી પઢાઓ” રાજકોટમાં મહારાણી લક્ષ્મીબાઈ હાઇસ્કુલ ખાતે મહિલાલક્ષી જાગૃતિ કાર્યક્રમ યોજાયો

તા.૨/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અભયમ્ ટીમે મેન્સ્ટ્રુઅલ હાઇજીન, ગૂડ ટચ – બેડ ટચ, પોક્સો એક્ટ, ૧૮૧ હેલ્પલાઇન અંગે માર્ગદર્શન આપ્યું
Rajkot: ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. ૦૮ ઓગસ્ટ સુધી ‘નારી વંદન ઉત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેનો આશય મહિલાઓના સર્વાંગી વિકાસ માટે મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્યમાં તેમને સક્ષમ બનાવવાનો છે. ત્યારે રાજકોટ જિલ્લામાં પણ ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
‘નારી વંદન ઉત્સવ’ના ભાગરૂપે બીજા દિવસે ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ની થીમને ધ્યાને લઇને રાજકોટ શહેરમાં મહારાણી લક્ષ્મીબાઈ હાઇસ્કુલ ખાતે અભયમ્ ટીમ દ્વારા મહિલાલક્ષી બાબતો અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મેન્સ્ટ્રુઅલ હાઇજીન (માસિકધર્મ સ્વચ્છતા), ગૂડ ટચ – બેડ ટચ અને પોક્સો એક્ટ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇનની કામગીરી અને એપ્લિકેશન વિશે માહિતી આપવામાં આવી હતી. આ તકે અભયમ્ ટીમ અને શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.



