વલસાડ જિલ્લાનાં કપરાડા તાલુકાના મેણધા ગામમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડો.રાજેશ્રી એલ. ટંડેલના અધ્યક્ષસ્થાને શિક્ષણ સેવા વર્ગ- ૨ ના આચાર્ય અને સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષકો સાથે વલસાડ જિલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારણા અને ડ્રોપ આઉટ રેસિયો ઘટે તે હેતુથી સમર્થ શિક્ષણ સંમેલન ૨.૦નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ૪૨ જેટલી સરકારી શાળાના તમામ આચાર્યશ્રી અને શિક્ષકો હાજર રહ્યા હતા. સરકારી માધ્યમિક અને ઉ.મા શાળા મેણધાના આચાર્યા રીમાબેન મૈસુરિયાએ ઉપસ્થિત તમામનું શાબ્દિક સ્વાગત કર્યુ હતું. જિલ્લા શિક્ષણાધિકારી ડો.રાજેશ્રી એલ ટંડેલે તમામ સરકારી શાળાનું માર્ચ ૨૦૨૫નું બોર્ડ પરિણામનું વિશ્લેષણ કર્યુ અને શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે માર્ગદર્શન આપ્યું હતું. વર્ષ ૨૦૨૫ માં ધો-૯ અને ધો-૧૧ માં સરકારી શાળાઓમાં વિદ્યાર્થીનો પ્રવેશ વધુમાં વધુ થાય તેવા પ્રયત્ન કરવા પણ સુચન આપ્યુ હતું. જિલ્લા શિક્ષણ નિરિક્ષકશ્રી ડો.બિપિનભાઇ પટેલે શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ અંતર્ગત જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ અને આ સાથે વલસાડ જિલ્લામાં ચાલુ વર્ષ મંજુર થયેલી ૦૨ નવી શાળા (૧) સરકારી શાળા મોડેલ સ્કુલ ઉમરગામ અને (૨) સરકારી માધ્યમિક શાળા વણખાસ-બિલ્ધામાં પ્રવેશ પ્રક્રિયા અને નામાંકન બાબતે ચર્ચા કરી હતી. સમર્થ શિક્ષણ સંમેલન ૨.૦માં ઉપસ્થિત તમામ શિક્ષકોએ હસ્ત લિખિત સંકલ્પ પત્ર લખી શૈક્ષણિક વર્ષ માટે શૈક્ષણિક સિધ્ધિ માટે સંકલ્પ લીધો હતો.