Rajkot: પ્રાકૃતિક કૃષિ માટે કુદરતી ખેડ પદ્ધતિ સમાન અળસિયા: અળસિયા જમીનના સ્તરમાંથી છોડના મૂળને પોષક તત્વો પ્રદાન કરવાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે

તા.૨૩/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
સંકલન : રાધિકા વ્યાસ
Rajkot: રાજ્યભરમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા અવનવા કાર્યક્રમ યોજવામાં આવી રહ્યાં છે. તેના લાભ તથા મહત્વ વિશે ખેડૂતોને માહિતગાર કરવામાં આવી રહ્યાં છે. ત્યારે વાત કરીએ પ્રાકૃતિક કૃષિના વિવિધ પાસાંઓની, તો તેમાં દેશી અળસિયાની ભૂમિકા અતિ મહત્વની છે. પ્રાકૃતિક કૃષિમાં જો અળસિયાનો ઉપયોગ કરવામાં આવે તો ખેડૂતોને અઢળક લાભ થઈ શકે છે. ખાતરનો ખર્ચ પણ ઘટે છે, વળી પાકમાં પણ તેની અસર ખૂબ સારી દેખાય છે.
દેશી અળસિયા અને વિદેશી અળસિયા વચ્ચે ઘણો તફાવત છે.
કૃષિ અધિકારીએ આ બાબતે જણાવ્યું હતું કે, વૈજ્ઞાનિક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, વિદેશી અળસિયા આઈસેનિયા ફોટીડા અને અન્ય ભારે તત્વો (હેવી મેટલ્સ) ધરાવે છે. જે જમીન અને માણસના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આ અળસિયા માટી ખાતાં નથી. ફક્ત છાણ તથા લાકડાના પદાર્થ જ ખાય છે. તે અળસિયા ૧૬° સે.થી નીચે તથા ૨૮° સે.થી ઉપરના ઉષ્ણતામાનમાં જીવિત રહી શકતાં નથી અને જમીનમાં દર કરીને નીચે ઊંડે જતાં નથી. જ્યારે તેનાથી વિરૂદ્ધ દેશી અળસિયા ૦ થી પર° સે. ઉષ્ણતામાનમાં કામ કરતાં રહે છે. હવામાન તથા વાતાવરણની પરિસ્થિતિ અનુસાર જમીનમાં ૧૫ ફૂટ સુધી ઉપર નીચે અવર-જવર પણ કરે છે. દેશી અળસિયા જ્યારે જમીનમાં દર કરે છે ત્યારે દરની દિવાલમાં તેના શરીરની અંદરથી નીકળતું પાણી જેવું પદાર્થ એટલે કે, વર્મીવોશ છૂટું પડે છે. જેથી લાંબા સમય સુધી તે દર જમીનમાં બનેલાં રહે છે અને જમીનમાં વધારે વરસાદ અથવા દુષ્કાળની સ્થિતિમાં પાણી અથવા ભેજનું પ્રસરણ કરે છે.
દેશી અળસિયાની પ્રવૃતિઓ:
આપણાં દેશી અળસિયા ધરતી માતાનાં હૃદય જેવા છે. કારણ કે, જેમ આપણું હૃદય ધડકે છે એવી જ રીતે અળસિયા પણ જમીનની અંદર ઉપર-નીચે અવર-જવર કરતાં રહે છે. દેશી અળસિયા જમીનની કુદરતી રીતે ખેડ કરે છે. આ જમીનને પોતાના અંદરથી નીકળતા પદાર્થથી ભરભરી કરી જમીનના સ્તરને પોષક તત્વોથી સમૃદ્ધ કરે છે. પણ અળસિયાની સક્રિયતા માટે જમીનની સપાટી પર આવરણ જોઈએ. જમીન પર આવરણ હોવાથી સૂક્ષ્મ પર્યાવરણનો વિકાસ થશે. જો સૂક્ષ્મ પર્યાવરણનો વિકાસ ન હોય તો અળસિયાની કાર્યક્ષમતા ઘટી જાય છે. એટલા માટે પ્રાકૃતિક કૃષિમાં આવરણ એક મુખ્ય ઘટક છે.
અળસિયા થકી બનતાં ખાતરમાં સામાન્ય કરતાં નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ તથા સૂક્ષ્મ તત્વોનું પ્રમાણ વધુ હોય છે. સાથેસાથે વૃદ્ધિનાં ઉત્સેચકોનું પ્રમાણ વધુ હોવાથી છોડનો સર્વાંગી વિકાસ થઇ શકે છે, જમીન સજીવ થઈ જાય છે. તો અળસિયા આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવો અને જમીન તેમજ મનુષ્ય બંન્નેનું સ્વાસ્થ્ય બચાવો.



