GUJARATRAJKOTUPLETA

Rajkot: પોષણ સાથે શિક્ષણની પણ દરકાર ‘‘આઈ.સી.ડી.એસ.ની ટીમના લીધે મારો પુનઃ અભ્યાસ શરૂ થઈ શક્યોઃ’’ જાનવી ભટ્ટી

તા.6/10/2025

વાત્સલ્યમ્ સમાચાર

સાફલ્ય ગાથા – સંદીપ કાનાણી

‘પૂર્ણા યોજના’એ પોષણ સાથે કુવાડવાની કિશોરીના ઉજ્જવળ અભ્યાસનો માર્ગ ખોલી આપ્યો

Rajkot: રાજકોટના કુવાડવા ગામમાં રહેતી જાનવી ભટ્ટીનો ધો. ૧૨ પછીનો અભ્યાસ પરિવારની આર્થિક સ્થિતિના કારણે છૂટી ગયો હતો. જો કે આઈ.સી.ડી.એસ.નાં આંગણવાડી બહેનોએ આપેલા માર્ગદર્શન અને રાજકોટ જિલ્લા પંચાયતની ‘નવતર પહેલ’ના કારણે આ દીકરીનો આગળનો કોલેજનો અભ્યાસ પુનઃ શરૂ થઈ શક્યો છે. આ માટે તેણે આઈ.સી.ડી.એસ.ની ટીમનો આભાર માન્યો હતો.

વાત એમ છે કે, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદના નિર્દેશ મુજબ, રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા ડ્રોપઆઉટ દીકરીઓ માટે ‘નવતર પહેલ- નવી દિશા’ શરૂ કરવામાં આવી છે. જે અન્વયે તાજેતરમાં જ ડ્રોપઆઉટ દીકરીઓના શાળા પ્રવેશનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેમાં ઉપસ્થિત જાનવી ભટ્ટીએ જણાવ્યું હતું કે, તેણે ધો. ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી વધુ ભણવાની ઈચ્છા હતી. પરંતુ પરિવારની આર્થિક સ્થિતિના કારણે ફી બાબતે પ્રશ્નો આવતા હતા. આથી તેના અભ્યાસને બ્રેક લાગી ગઈ હતી.

જાનવીના જણાવ્યા પ્રમાણે, કુપોષણથી મુક્ત થવા માટે પૂર્ણા યોજના અંતર્ગત ટેક હોમ રાશન (ટી.એચ.આર.) પોષણ કિટ લેવા માટે તે નિયમિત રીતે આંગણવાડીમાં જતી અને ત્યાંની બહેનો સાથે નિયમિત વાત કરતી હતી. આંગણવાડી વર્કરોએ જ્યારે તેને અભ્યાસ વિશે પૂછ્યું ત્યારે તેના ચહેરા પર થોડી નિરાશા આવી હતી અને તેણે પરિવારની હકીકત જણાવી હતી. એ પછી આંગણવાડીની બહેનો તેના ઘરે ગઈ હતી અને તેના માતા-પિતાને દીકરીના વધુ અભ્યાસ માટે સમજાવ્યા હતા. દીકરીઓના પોષણ સાથે સરકાર દ્વારા અભ્યાસ માટે કરાતી મદદ, ફીમાં રાહત સહિતની વિગતો પણ આપી હતી. એ પછી માતા-પિતા દીકરીના વધુ અભ્યાસ માટે રાજી થયા હતા અને તેણે કોલેજમાં એફ.વાય. બીકોમ.માં એડમિશન મેળવ્યું હતું.

જાનવીએ કહ્યું હતું કે, આજે હું રાજકોટમાં કુંડલિયા કોલેજમાં અભ્યાસ કરી રહી છું. આંગણવાડીનાં બહેનોનાં પ્રયાસો તથા સરકારશ્રીની આ પહેલનાં કારણે જ મારો આગળનો અભ્યાસ શક્ય બન્યો છે, આથી સૌનો આભાર માનું છું. ભણેલી દીકરી બંને કૂળને દીપાવતી હોય છે એમ તેણે ઉમેર્યું હતું. આમ પૂર્ણા યોજનાએ કિશોરીના “પોષણ સાથે તેના ઉજ્જવળ અભ્યાસ”નો માર્ગ પણ ખોલી આપ્યો છે.

Back to top button
error: Content is protected !!