GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: તા. ૨૪ જાન્યુઆરી : નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે રાજ્ય સરકારની દરકાર : દીકરીઓની ઉજ્જવળ આવતીકાલ

તા.૨૩/૧/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન : માર્ગી મહેતા

રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૨૫ દરમિયાન ૪,૨૦૦ જેટલી દીકરીઓએ મેળવ્યો ‘વ્હાલી દીકરી’ યોજનાનો લાભ

‘વ્હાલી દીકરી’ યોજનાની માહિતી છેવાડાના લોકો સુધી પહોંચાડવા ૨૫ ફેબ્રુઆરી સુધી ખાસ ઝુંબેશનું આયોજન

રાજકોટ જિલ્લામાં ‘વ્હાલી દીકરી’ યોજના અંતર્ગત રૂ. ૧.૨૫ કરોડની સહાયના હુકમો અને ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના હેઠળ ૫૦ દીકરી વધામણાં કિટનું વિતરણ

Rajkot: ભારતભરમાં દર વર્ષે ૨૪ જાન્યુઆરીના રોજ ‘નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે’ની ઉજવણી કરવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં દીકરીઓના અધિકારો પ્રત્યે જાગૃતિ લાવવી અને તેમને સમાન તકો પૂરી પાડવાનો છે. ગુજરાત સરકાર હંમેશા કન્યા કેળવણી અને મહિલા સશક્તિકરણના ક્ષેત્રે અગ્રેસર રહી છે. રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે દીકરીઓના જન્મદરને વધારવા તેમજ તેઓના શિક્ષણ અને ભવિષ્યને સુરક્ષિત કરવાના મક્કમ નિર્ધાર સાથે ૦૨ ઓગસ્ટ, ૨૦૧૯થી ‘વ્હાલી દીકરી’ યોજના અમલમાં મૂકી છે.

‘વ્હાલી દીકરી’ યોજનાનો હેતુ દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા, સ્ત્રીભ્રુણ હત્યા અટકાવવા, કન્યા શિક્ષણને ઉત્તેજન આપી ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા અને બાળલગ્ન જેવી કુરીતિઓ નાબૂદ કરી દીકરીઓનું સામાજિક સશક્તિકરણ કરવાનો છે. રાજકોટ જિલ્લાના શહેર વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં ‘વ્હાલી દીકરી’ યોજનાની માહિતી છેવાડાના લોકો સુધી પહોંચે, તે માટે ગત તા. ૧૨ જાન્યુઆરીથી આગામી તા. ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી વિશેષ ઝુંબેશ ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી જનકસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, જાન્યુઆરીથી ડિસેમ્બર, ૨૦૨૫ એટલે કે ગયા વર્ષે આશરે ૪,૨૦૦ જેટલી દીકરીઓને ‘વ્હાલી દીકરી’ યોજનાનો લાભ પ્રાપ્ત થયો છે. આ વર્ષે પણ વધુમાં વધુ દીકરીઓ આ યોજનાનો લાભ લે, તે આશયથી આયોજિત ઝુંબેશ હેઠળ પોષણ ટ્રેકર પોર્ટલ મારફત છેલ્લા એક વર્ષમાં જન્મેલી દીકરીઓની યાદી મેળવીને દરેક ગામ દીઠ આંગણવાડી કે ગ્રામ પંચાયત ખાતે કેમ્પ યોજવામાં આવે છે. આ કેમ્પમાં લગ્ન નોંધણી, આધાર નોંધણી કે આવકના દાખલા જેવા ખૂટતા ડોક્યુમેન્ટ્સ કઢાવવા માટે સંલગ્ન વિભાગો સાથે સંકલન કરવામાં આવે છે અને સંપૂર્ણ ડોક્યુમેન્ટ ધરાવતા લાભાર્થીઓના ફોર્મ સ્થળ પર જ ભરાવવામાં આવે છે. તેમજ

‘વ્હાલી દીકરી’ યોજનાનો લાભ લેવા અથવા વધુ વિગત મેળવવા માટે નજીકના આંગણવાડી કેન્દ્ર, મામલતદાર કચેરી, ગ્રામ પંચાયત અથવા જિલ્લા મહિલા અને બાળ કચેરીનો સંપર્ક કરવા અનુરોધ છે.

આ ઉપરાંત, ‘નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે’ની ઉજવણીના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં તા. ૨૧ જાન્યુઆરીથી તા. ૨૪ જાન્યુઆરી સુધી ‘વ્હાલી દીકરી’ યોજના અંતર્ગત સહાયના હુકમ અને ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના હેઠળ વધામણા કિટ વિતરણનું આયોજન કરાયું છે. જે અન્વયે તા. ૨૧એ કોટડાસાંગાણીના વેરાવળ (શાપર) ખાતે ધારાસભ્ય શ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ૮૧ લાભાર્થીઓને રૂ. ૮૯.૧૦ લાખના પ્રથમ હપ્તાની મંજૂરીના હુકમો અને ૩૫ માતાઓને દીકરી વધામણાં કિટ તેમજ તા. ૨૨એ સંકલિત બાળ યોજના કચેરી, જામકંડોરણા ખાતે આઇ.સી.ડી.એસ. ચેરમેન શ્રી કંચનબેન બગડાની ઉપસ્થિતિમાં ૩૩ લાભાર્થીઓને રૂ. ૩૬.૩૦ લાખની સહાયના હુકમો આપવામાં આવ્યા હતાં.

વધુમાં, તા. ૨૪એ ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે લાભાર્થીઓને ૧૦૦ હુકમો તથા ૧૫ કિટનું વિતરણ કરીને દીકરીઓના જન્મને વધાવવામાં આવશે. આ રીતે ચાર દિવસમાં ૧૧૪ લાભાર્થીઓને રૂ. ૦૧ કરોડ, ૨૫ લાખ, ૪૦ હજારની સહાયના હુકમો અને ૫૦ દીકરી વધામણાં કિટ વિતરિત કરવામાં આવનારી છે. આમ, ‘વ્હાલી દીકરી’ યોજના ગુજરાતની દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યનું સોપાન બની રહી છે.

‘વ્હાલી દીકરી’ યોજના હેઠળ મળવાપાત્ર લાભ:

૧. પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. ૪૦૦૦
૨. નવમા ધોરણમાં પ્રવેશ વખતે રૂ. ૬૦૦૦
૩. ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ / લગ્ન સહાય તરીકે રૂ. ૧,૦૦,૦૦૦

‘વ્હાલી દીકરી’ યોજના હેઠળ અરજી કરવાની પ્રક્રિયા:

ગ્રામ્ય કક્ષાએ: ગ્રામ પંચાયતના ઈ-ગ્રામ સેન્ટરમાં વી.સી.ઈ. મારફતે

તાલુકા કક્ષાએ: તાલુકા મામલતદાર કચેરીમાં ઓપરેટર મારફતે

જિલ્લા કક્ષાએ: જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીમાં ઓપરેટર મારફતે

‘વ્હાલી દીકરી’ યોજના હેઠળ લાભાર્થીની પાત્રતા:

દીકરીના જન્મના એક વર્ષની અંદર અરજી કરેલી હોવી જોઈએ.

દંપતીને પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

અપવાદરૂપ કિસ્સામાં બીજી અને ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતા વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતા વધુ હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

દંપતીની સંયુક્ત કુલ વાર્ષિક આવક રૂ. ૨,૦૦,૦૦૦ કે તેથી ઓછી હોવી જોઈએ.

દંપતીના પુખ્ત વયે લગ્ન થયેલ હોવા જોઈએ.

Back to top button
error: Content is protected !!