Rajkot: ૭ નવેમ્બરે રાજ્યની તમામ સરકારી કચેરીઓ સવારે ૯.૩૦થી સાંજે ૫.૧૦ સુધી ખુલ્લી રહેશે

તા.6/11/2025
વાત્સલયમ્ સમાચાર
રાષ્ટ્ર ગાાન વંદે માતરમની રચનાના ૧૫૦ વર્ષની ઉજવણી નિમિત્તે સામુહિક ગાન થશે, સ્વદેશીના શપથ લેવાશે
Rajkot+ સન ૧૮૭૫ની ૭ નવેમ્બરે રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન રાષ્ટ્રીય ગીત ‘‘વંદે માતરમ’’એ દેશવાસીઓમાં રાષ્ટ્ર ચેતના પ્રગટાવી હતી અને દેશવાસીઓને માતૃભૂમિના ગૌરવની એકસૂત્રતામાં બાંધ્યા હતા. ૭મી નવેમ્બર ૨૦૨૫ના રોજ તેને ૧૫૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા તેની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં રાજ્યની સરકારી કચેરીઓમાં ‘‘વંદે માતરમ’’નું સમૂહ ગાન થશે તથા સ્વદેશીના શપથ લેવાશે.
૭મી નવેમ્બરે રાજ્યની તમામ સરકારી કચેરીઓનો સમય સવારે ૧૦.૩૦થી સાંજે ૬.૧૦ના બદલે સવારે ૯.૩૦થી સાંજે ૫.૧૦ સુધીનો રહેશે.
‘‘વંદે માતરમ’’@૧૫૦ની ઉજવણીનો મુખ્ય કાર્યક્રમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સચિવાલય, વિધાનસભા પરિસર ખાતે યોજાશે. જ્યારે પ્રભારી મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લા મુખ્ય મથક ખાતે, જિલ્લા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત ખાતે તથા મેયરશ્રીની ઉપસ્થિતિમાં મહાનગર પાલિકાઓ ખાતે, જિલ્લા પોલીસ વડાશ્રીની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે, નગરપાલિકા પ્રમુખની ઉપસ્થિતિમાં તમામ નગરપાલિકાઓ ખાતે ‘‘વંદે માતરમ’’નું મૂળ સ્વરૂપમાં સમુહગાન કરવામાં આવશે. તથા સ્વદેશી અપનાવવા અને તેને પ્રોત્સાહન આપવા અંગેના શપથ લેવામાં આવશે.



