Rajkot: પંચનાથ મહાદેવના સાનિધ્યમાં દવા અને દુવા : અતિવૃષ્ટિના સમયમાં ૩૦૦૦ થી વધુ લોકોને ભોજન પૂરું પાડ્યું

તા.૧/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
શ્રધ્ધા સાથે નિ:શુલ્ક સેવા – ૧૫૦ વર્ષ જૂના મંદિરમાં શ્રાવણ માસના સોમવારે ઘીના શિવલિંગની પૂજા
દરરોજ ૧૫૦ થી વધુ ભૂદેવોને ભોજન, રાહત દરે સારવારની મલ્ટી સ્પે. હોસ્પિટલ, બાળકો માટે અંગ્રેજી શાળા સમગ્ર સેવાભાવ સાથે કરીએ છીએ – પ્રમુખ દેવાંગભાઈ માંકડ
Rajkot: આપણાં રાજકોટમાં વિવિધ પૌરાણિક મંદિરો આવેલા છે.જયાં હજારો શ્રધ્ધાળુ ધર્મપ્રેમી ભાવિકો પૂજન-અર્ચન- આરાધના કરે છે. આજથી ૧૫૦ વર્ષ પહેલાં બ્રિટિશ સરકારે મંદિર હેતુ માટે જમીન વિનામુલ્યે ભેટ આપતા અહીં પંચનાથ મહાદેવ મંદિર ૧૮૭૪ની સાલમાં નિર્માણ થયેલ હતુ. ૧૯૭૦ની આજુબાજુ મંદિરના ટ્રસ્ટ બનતા તેમાં સુધારા-વધારા કરવામાં આવ્યા અને આજે એ જગ્યા પર દવા અને દુવા સાથે વિશાળ મંદિર, ભૂદેવો અને જરૂરિયાત મંદ લોકો માટે ભોજન, રાહત દરે મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ અને બાળકો માટે અંગ્રેજી શાળા શરૂ કરવામાં આવી છે.
સેવા એ જ ધર્મ :
સમગ્ર સૌરાષ્ટ્રમાં થયેલી અતિવૃષ્ટિને પગલે દરેક સ્વૈચ્છિક સંસ્થા સેવા કરવા પહોંચી હતી. આ સમયે પંચનાથ મહાદેવ મંદિર તરફથી ગવલીવાડ, વિજય પ્લોટ, રામનાથપરા, ભવાની નગર, જેવા અસરગ્રસ્ત વિસ્તારોમાં તારીખ ૨૬ અને ૨૭ના રોજ વિનામૂલ્યે અન્ન પહોચાડવામાં આવ્યું હતું. રાજકોટ પર આવી પડેલ સંકટ સમયમાં સતત ખડેપગે રહેલી સંસ્થાએ અંદાજિત ૩૦૦૦ લોકોને સવાર અને સાંજનું અન્ન પૂરું પાડ્યું હતું.
આ તકે પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટ અને શ્રી પંચનાથ મહાદેવ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટના પ્રમુખશ્રી દેવાંગભાઈ માંકડ કહે છે કે, રાજકોટની જાણીતી રાહત દરે ચાલતી પંચનાથ મલ્ટી સ્પેશયાલિટી હોસ્પિટલનો દરરોજ ૧૨૦૦ થી વધુ લોકો લાભ લઈ રહ્યા છે. એટલું જ નહિ પરંતુ કોઈ અણધાર્યો બનાવ બન્યો હોય, કોઈ કુદરતી આફત આવી હોય, ત્યારે પણ પંચનાથ ટ્રસ્ટ અને તેના કાર્યકર્તાઓ ખૂબ સક્રિય હોય છે. તાજેતરમાં થયેલી અતિવૃષ્ટિને પગલે પંચનાથ ટ્રસ્ટના કાર્યકર્તાઓએ જેમના ઘરમાં વરસાદના પાણી પહોંચી ગયા હતા તેમના સુધી ભોજન પહોચતું કર્યું હતું. ઉપરાંત સર્વેશ્વર ચોકમાં જ્યારે પુલ તૂટવાનો બનાવ બન્યો હતો એ સમયે પણ જેટલા લોકોને ઇજા પહોંચી હતી તે તમામને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી. આવા અનેક સેવાકાર્યો પંચનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને હંમેશા લોકોની મદદ માટે તત્પર રહેશે.
પંચનાથ મહાદેવના મંદિરમાં ફૂલેકા ઉત્સવ-ઘીની મહાપૂજા કૃષ્ણ જન્મોત્સવ, મહાશિવરાત્રી, રાંદલ માતાજીના લોટા, રામનવમી જેવા તમામ તહેવારોની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે જેમાં હજારો શ્રધ્ધાળુ જોડાય છે. અને પ્રસાદનો લાભ લે છે.
મંદિર ટ્રસ્ટ દ્વારા આધુનિક સુવિધાઓથી સજ્જ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. હોસ્પિટલમાં તમામ પ્રકારની દવાઓ અને રીપોર્ટ રાહત દરે આપવામાં આવે છે. જેમાં ખ્યાતનામ ડોક્ટરો પણ નિઃશુલ્ક સેવા આપે છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો આ હોસ્પિટલનો લાભ લે છે. ઉપરાંત અહીં બ્લડ અને શુગરનો રિપોર્ટ માત્ર ૧૦ રૂપિયામાં થાય છે. હોસ્પિટલમાં દરેક રિપોર્ટ, એક્સરે, સોનોગ્રાફી સહિતનાં લેબોરેટરીનાં કામો રાહત દરથી કરવામાં આવે છે.
મંદિરના પ્રાંગણમાં ધોરણ ૧ થી ૭ માટેની અંગ્રેજી માધ્યમની શાળા પણ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવી રહી છે. બાળકોને એ.સી.કલાસરૂમ, ડિજિટલ ક્લાસ અને વિવિધ એકિટીવિટી પણ કરાવવામાં આવે છે. ઉપરાંત એક વર્ગખંડમાં બે શિક્ષકો દ્વારા બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. આ સાથે ભોજન, પુસ્તકો, ગણવેશ સમગ્ર વસ્તુ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવે છે.
આ પંચનાથ મહાદેવ મંદિર છેલ્લા ૧૫૦ વર્ષથી લોકોનાં હૃદયમાં ‘આસ્થા’ના કેન્દ્ર સમુ જોડાયેલ છે. અહીં શ્રાવણમાસની ‘આરતી’નો મહિમા અનેરો છે. હજારો શ્રધ્ધાળુ અખુટ શ્રધ્ધા સાથે દેવોનો દેવ ‘મહાદેવ’ના દર્શનાર્થે આવે છે અને ધન્યતા અનુભવે છે. ત્યારે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પણ પ્રભુ સેવા સાથે જનસેવાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.






