Rajkot: રાજકોટમાં રવિવારે યોજાનારી રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા અંગેના પ્રતિબંધાત્મક આદેશો

તા.૧૯/૧૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તા. ૨૨ ડિસેમ્બર, ૨૦૨૪ને રવિવારનાં રોજ ગુજરાત રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩ની લેખિત પરીક્ષા શાળા-કોલેજોના કુલ ૪૩ કેન્દ્રો ખાતે સવારે ૧૧ કલાકથી બપોરે ૦૧ કલાક સુધી યોજાશે, જે અન્વયે રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી બ્રજેશકુમાર ઝા દ્વારા પરીક્ષાર્થીઓ પરીક્ષા કોઇપણ જાતની ખલેલ વિના શાંત વાતાવરણમાં આપી શકે, તે હેતુસર પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરાયા છે.
જે મુજબ રાજકોટ શહેરમાં પરીક્ષા કેન્દ્રોના કંપાઉન્ડની ચારે બાજુની ત્રિજયાના ૧૦૦ મીટરના વિસ્તારમાં અનધિકૃત વ્યકિતઓ તેમજ ચાર કે તેથી વધારે વ્યકિતઓ એકત્રીત થઈ શકશે નહીં. પરીક્ષા કેન્દ્રોની આજુબાજુની ૧૦૦ મીટરની ત્રિજયામાં સ્ટેશનર્સ, વેપારીઓ, શાળા સંચાલકોને ઝેરોક્ષ મશીન અને ફેક્સ મશીન ચાલુ રાખવાની મનાઈ છે. શાળાઓની ૧૦૦ મીટરની ત્રિજયામાં કોઇ વ્યકિત વાહનો લાવશે નહીં કે શાળાઓમાં વાહનો લઈ જઈ શકશે નહીં.
આ ઉપરાંત, પરીક્ષાર્થીઓ પ્રશ્નપત્રને લગતુ સાહિત્ય, પુસ્તક, ગાઇડ, ચાર્ટ, મોબાઇલ ફોન, બ્લુટુથ, આઇ.ટી. ઉપકરણ જેવા ઇલેકટ્રોનીક સાધનો તેમજ પરીક્ષા સ્થળ અને પરીક્ષા ખંડમાં લઇ જઈ શકાશે નહીં તેમજ સુપરવાઇઝરોએ પણ પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન લઇ જવાના રહેશે નહીં. પરીક્ષા કેન્દ્રોના સ્થળ સંચાલક, સુપરવાઇઝર (ખંડ નિરીક્ષકો), સરકારી પ્રતિનિધિ અને વર્ગ-૪ના કર્મચારીઓએ ચોકસાઇપુર્વકનું ઓળખકાર્ડ સાથે રાખવાનુ રહેશે અને સબંધિતોએ ઓળખકાર્ડ પહેરવાનું રહેશે. ઓળખકાર્ડ સિવાયની કોઇપણ વ્યકિત પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ કરી શકશે નહીં.
આ હુકમમાંથી સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યકિતઓ, પરીક્ષા કાર્યમાં રોકાયેલી ઓળખપત્ર ધરાવતી વ્યકિતઓ, લગ્નના વરઘોડાને, સ્મશાન યાત્રાને તેમજ ફરજ પરના પોલીસ, એસ.આર.પી., હોમગાર્ડ, જી.આર.ડી.ના અધિકારીઓ તથા જવાનોને મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.


