Rajkot: કોલેરાનો રોગચાળો ફેલાતો અટકાવવા પ્રતિબંધાત્મક આદેશો જાહેર
તા.૯/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ શહેર ખાતે કોલેરાનો કેસ નોંધાવાથી કલેકટરશ્રી પ્રભવ જોષીએ દુષિત પાણી પીવાથી અને તેના વપરાશથી બનતા અને બજારમાં ખુલ્લામાં વેચાતા ખાદ્યપદાર્થ જેવા કે શેરડીનો રસ, દુષિત પાણીથી બનતો બરફ, કુલ્ફી, ઠંડા પીણા, છાશ, દુધની બનાવટો વગેરેના ઉપયોગથી ફેલાતા આ રોગથી લોકોનું સ્વાસ્થ્ય ન જોખમાય, તે હેતુથી ખાણીપીણીની દુકાનો, લારી-ગલ્લા, સ્ટોલ, શેરડીના રસના ચીચોડા, ફળોના ટુકડા કરી તેનું વેચાણ કરવું તેમજ બરફ અને બરફમાંથી બનતી ખાદ્યચીજોના વેચાણ પર પ્રતિબંધ મુકયો છે. ૨૯ ઓક્ટોબર, ૨૦૨૪ સુધી રાજકોટ શહેરના કોલેરાગ્રસ્ત / કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર મારુતિ એપાર્ટમેન્ટ ૧-બી, કોટક શેરી નંબર ૨, લોહાણા મહાજન વાડી પાસે, સાંગણવા ચોક વિસ્તાર તથા આજુબાજુના ૨ કિલોમીટરના વિસ્તારમાં કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીશ્રીની નિમણુક કરવામાં આવી છે. ઉપરાંત, નીચે મુજબ પ્રતિબંધાત્મક સૂચનો આપવામાં આવ્યા છે.
બરફ અંગે :
બરફના કારખાનેદારોએ બરફ બનાવવા પીવાલાયક પાણી જ વાપરવાનું રહેશે.
ખાદ્યપદાર્થ બનાવવા કે ઠંડા પીણા માટે બરફનો સીધો ઉપયોગ કરી શકાશે નહીં.
પાણી અંગે :
પાણી મેળવવા માટે નળ કનેકશનના સ્થળે ખાડા ખોદીને પાણી મેળવવામાં, પાણી દુષિત થવાની શક્યતા રહેલી હોવાથી ખાડા ખોદી પાણી ન મેળવવું.
શહેરના તમામ મકાનોમાં આવેલા ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી સાફ કરાવી લેવી. અને પીવાનું પાણી કલોરીનેશન કર્યા બાદ જ ઉપયોગમાં લેવું.
ખાદ્યપદાર્થો અંગે :
ખાદ્ય પદાર્થના ધંધાર્થી અને વેપારીઓએ ફરસાણ, મીઠાઈ, ગોળ, ખજુર તથા અન્ય કોઈ ખાદ્યપદાર્થો ખુલ્લા ન રાખવા.
શાકભાજી / ફળફળાદિના ધંધાર્થીઓએ શાકભાજી કે ફળફળાદી કાપીને ખુલ્લા ન રાખવા કે તેવી વસ્તુઓનું ટુકડા કરીને વેચાણ ન કરવું.
શહેરના તમામ ખાણીપીણીના સ્થળો, હોટલ, રેસ્ટોરન્ટ, મીઠાઈ / ફરસાણની દુકાન, ભોજનાલય વગેરેમાં સ્વચ્છતાના ઉચ્ચ ધોરણો જાળવવા.
ખાણીપીણીની વસ્તુઓ વેચતા, હરતા-ફરતા કે સ્થાયી લારી-ગલ્લાવાળા તેમજ દુકાનદારોએ આવા ખાદ્ય પદાર્થોને યોગ્ય રીતે ઢાંકવા, કાચની પેનલ લગાવી અથવા માખી ન પ્રવેશી શકે તેટલી બારીક વાયરનેટ લગાવી ખાદ્યપદાર્થ ફરજીયાત ઢાંકી રાખવા તેમજ તમામ ખાદ્યપદાર્થ પેપરડીશમાં જ પીરસવા.
બરફ, ગોલા તથા ગુલ્ફીમાં માવાના વેચાણની મનાઈ છે.
શેરડીનો રસ, બરફના ગોલાનું વેચાણ ડીસ્પોઝીબલ ગ્લાસમાં જ કરવાનું રહેશે.
વાસી ખોરાક ઉપયોગમાં ન લેવો.
જમતા પહેલા સાબુથી હાથ ધોવા.
કોલેરાગ્રસ્ત વિસ્તારના તમામ પ્રાઈવેટ દવાખાના, લેબોરેટરીમાં નોંધાતા કોલેરાના કેસની માહિતી દરરોજ રાજકોટ મહાગરપાલિકાના આરોગ્ય અધિકારીશ્રીને આપવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.